માહિતી બ્યુરો, સુરેન્દ્રનગરઃ- દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાના શિલ્પીઅને સ્વતંત્ર ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી ૩૧મી ઓક્ટોબરને ‘‘રાષ્ટ્રીય એકતા દિવસ’’ તરીકે ઉજવવામાં આવે છે.
શ્રી સરદાર સાહેબના ચિરસ્થાયી નેતૃત્વને સાદરપૂર્વક સ્મૃતિબધ્ધ કરવા અને યૌવન સહજ જોમથી ભાવાંજલી આપવા પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં ‘‘એકતા દોડ- રન ફોર યુનિટી’’ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગર ખાતે તારીખ ૩૧મી ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ ‘‘એકતા દોડ- રન ફોર યુનિટી’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ ‘‘એકતા દોડ’’ સવારે ૬.૦૦ કલાકે શ્રી આંબેડકર ચોક (રાજ હોટલ ચોક)થી શરૂ થશે અને શહેરના રાજમાર્ગે પરિભ્રમણ કરી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થશે. આ દોડમાં જિલ્લાના તમામ પદાધિકારીશ્રીઓ, સરકારી કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ, શહેરીજનો, મહિલાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક- સેવાભાવી સંસ્થાઓના હોદ્દેદારોને ઉપસ્થિત રહી આ એકતા દોડમાં સહભાગી બનવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.