સરકારી ખરાબા પણ વેંચી માર્યાના વિનુભાઇ ઘવાના આક્ષેપથી સભાગૃહમાં સોંપો
કોર્પોરેશનમાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવાએ પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સામે સનસનીખેજ આક્ષેપો લગાવતા સભાગૃહમાં સન્નાટો છવાઇ ગયો હતો. કેટલીક શાળા-કોલેજો સૂચિત સોસાયટી અને સરકારી ખરાબામાં આવેલી છે
તે અંગે ચર્ચા ચાલી રહી હતી ત્યારે વિનુભાઇ એવો આક્ષેપ લગાવ્યો હતો કે વશરામ સાગઠીયાએ પણ સૂચિત સોસાયટી બનાવી છે અને પ્લોટ પાડી તેનું વેંચાણ કર્યું છે. અનેક સરકારી ખરાબા પણ વેંચી માર્યા છે. શાસક નેતાના આ આક્ષેપ સામે પૂર્વ વિપક્ષી નેતાએ કોઇ પ્રત્યુત્તર આપ્યો ન હતો. જેના કારણે શંકા વધુ ઘેરી બની હતી. પ્રશ્ર્નોત્તરી કાળ દરમિયાન વિનુભાઇ ઘવાએ અનેક વખત સાગઠીયા સામે આક્ષેપો કર્યા હતા. તેઓએ ત્યાં સુધી ઓફર આપી દીધી હતી કે સૂચિત વિસ્તારમાં ધમધમતી શાળાઓમાં તમને એક રૂમ આપી દે તો તમામ મામલો પતી જશે. ભાજપના અન્ય કોર્પોરેટરોએ પણ એવા આક્ષેપ કર્યા હતા કે સૂચિત સોસાયટીઓ કોંગ્રેસના શાસનમાં ખડકાઇ ગઇ છે. બીજી તરફ વિનુભાઇ ઘવાએ આક્ષેપ લગાવ્યો હોવા છતાં શા માટે વશરામ સાગઠીયાએ એવું ન કહ્યું કે મેં એકપણ સૂચિત સોસાયટી બનાવી નથી. અગાઉ થોડી મિનિટો પહેલા જો હું ખોટો સાબિત થાવ તો રાજીનામું આપી દઇશ. તેવો પડકાર ફેંકનાર વશરામ પોતાની સામે જ્યારે સૂચિત સોસાયટી બનાવવાનો અને સરકારી ખરાબો વેંચી મારવાનો આક્ષેપ થયો ત્યારે કેમ ચુપ રહ્યા તે પણ એક જવાબ માંગી લેતો સવાલ છે.