સર
એ પેપર તપાસી રહ્યો હતો. ડોરબેલ વાગી, પત્નીએ બારણું ખોલ્યું,
‘‘સર છે ?’’
‘હા’’
એ બહાર આવ્યો.
નમસ્તે સર, હું મનહર દવે, મેં ટી.વાય.બી.એ.ની પરીક્ષા આપી છે. પરિસ્થિતિ ખૂબ જ નબળી છે સર, છ બહેનો અને મા મારે લીધે એમનું ભવિષ્ય ઉજળું માને છે, પણ… સર… આપની પાસે આવ્યું છે તે પેપર નબળું ગયું છે… હું ક્યારેય ચોરી નથી કરતો…
સર… પ્લીઝ થોડી કૃપા…”
“મિસ્ટર દવે, લખ્યું વંચાશે સમજયા ? નિયમો ગરીબ કે તવંગર બધાને માટે સરખા જ હોય છે. તમે જઇ શકો છો….. ‘‘પ્લીઝ સર… પ્લીઝ…” કહેતો એ ગયો.
‘‘સર’’ કહી ને એક યુવતી પ્રવેશી અને એક ચિઠ્ઠી એણે આપી. લખેલું વંચાઇ રહ્યું.
“આવેલાં બહેન અપંગ છે… એનું પેપર જરા છુટા હાથે
તપાસજો…’’
‘‘ગેટ આઉટ’’ એણે કહ્યું ‘‘શા માટે તમે અમારા હાથે ખોટું
કરાવો છો?’’
અમારા જીવનમાં સિધ્ધાંતો જેવું કંઇક હોય છે…’’
પછી ટેલિફોન કોકિલની જેમ કિલ્લોલ કરી ઉઠયો.
‘‘હલ્લો, કોણ ?’’
‘‘હલ્લો સર, હું કિન્નરી બોલું છું… સાંભળ્યું છે કે આપની પાસે તૃતીય વર્ષ બી.એ.નાં પેપર્સ….” એ અધવચ્ચે જ ત્રાટકયો, ‘‘ના ના, મારી પાસે કોઇનાં પેપર્સ નથી આવ્યાં…”
‘‘સર પ્લીઝ…”
એણે રીસીવર મૂકી દીધું.
ફરીથી રિંગ આવી.
‘‘હલ્લો’’
‘‘હા સર, હું કિન્નરી…
હું આપને એ વાત કહેતાં તો ભૂલી જ ગઇ હતી કે ચાલુ સાલ જિલ્લા કક્ષાની સૌંદર્ય સ્પર્ધામાં હું પ્રથમ આવી છું……
કિન્નરી, મારી પત્ની હંમેશની જેમ આજે પણ સાંજે પાંચ વાગ્યે દેવ- દર્શન માટે બે કલાક માટે બહાર જશે…” એણે ઘીમેથી કહ્યું.
નીલેશ પંડ્યા લિખિત લઘુકથા
સંગ્રહ ‘જૂઈના ફૂલ’માંથી સાભાર