કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક: 18 દરખાસ્તો પૈકી 7 દરખાસ્ત માત્ર પેવિંગ બ્લોકના કામ માટે ખર્ચ મંજૂર કરવાની
સતત વરસાદના કારણે શહેરના મોટાભાગના રાજમાર્ગો પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તહેવારોમાં પણ શહેરીજનોને ખાડાઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં નિષ્ફળ રહેલા કોર્પોરેશનના ભાજપના શાસકોને પેવિંગ બ્લોકના કામમાં વધુ રસ હોય તેવું લાગી રહ્યું છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 18 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. સૌથી મોટી બાબતએ છે કે 18 પૈકી 7 દરખાસ્ત તો માત્ર પેવિંગ બ્લોકના કામ માટે ખર્ચ મંજૂર કરવા માટેની છે.
શહેરમાં પડેલા રસ્તાઓ તાત્કાલીક અસરથી બૂરી દેવા માટે રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. કારણ કે ખરાબ રસ્તાઓના કારણે વિધાનસભાની ચુંટણી પર તેની અસર થવાની સંભાવના જણાઇ રહી છે. છતાં કોર્પોરેશનના શાસકોને લોકોની હાલાકી ઓછી કરવાના બદલે પેવિંગ બ્લોકના કામો મંજૂર કરવામાં વધુ પડતો રસ હોય તેવું લાગી રહ્યું છે. કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં.9માં વિશ્ર્વકર્મા સોસાયટીમાં જનભાગીદારી યોજના હેઠળ પેવિંગ બ્લોક નાંખવા રૂ.29.04 લાખ, વિતરાગ સોસાયટી, નેમિનાથ સોસાયટી, દિપક સોસાયટીમાં પેવિંગ બ્લોક માટે રૂ.17.63 લાખનો ખર્ચ મંજૂર કરવા નંદન પાર્કમાં પેવિંગ બ્લોકના કામ માટે રૂ.29.04 લાખનો ખર્ચ મંજૂર કરવા, જ્યારે બોમ્બે હાઉસીંગ સોસાયટી અને અર્ચના પાર્કમાં જનભાગીદારી યોજના હેઠળ પેવિંગ બ્લોક નાંખવા રૂ.21.75 લાખ મંજૂર કરવાની દરખાસ્ત રજૂ કરાઇ છે.
આ ઉપરાંત વોર્ડ નં.2માં સુભાષનગર અને નરસિંહ નગર વિસ્તારમાં પેવિંગ બ્લોક માટે રૂ.32.28 લાખ, વોર્ડ નં.6માં જૈન દેરાસર મેઇન રોડ પર પેવિંગ બ્લોક નાંખવા માટે રૂ.17.97 લાખ અને વોર્ડ નં.4માં સતનામ પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં જનભાગીદારીથી પેવિંગ બ્લોક નાંખવા રૂ.11.43 લાખ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. 18 પૈકી એકપણ દરખાસ્ત અગત્યની ન હોવા છતાં સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા બેઠક બોલાવવામાં આવી હોવાનો પણ ગણગણાટ કોર્પોરેશનની લોબીમાં થઇ રહ્યો છે.
ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો રૂ.2.41 લાખનો ખર્ચ !
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલા ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ઇન્વીટેશન ટી-20 ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી.
જેમાં રાજકોટ મહાનગર પાલિકાની મેયર ઇલેવને છેલ્લી ઘડીયે ભાગ લેવાનું કેન્સલ કર્યું હતું. એક માત્ર કમિશનર ઇલેવને આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. છતાં 2.41 લાખ જેવો માતબર ખર્ચો થયો હોવાનું બહાર આવ્યું છે. જે મંજૂર કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ટુર્નામેન્ટમાં ભાગ લેવા ખેલાડીઓના ટ્રેક-શૂટ સહિતના સાધનો ખરીદી લેવામાં આવ્યા હતા પરંતુ છેલ્લી ઘડીયે ટુર્નામેન્ટમાં ભાગ લેવાનું કેન્સલ કરવામાં આવતા ખર્ચો માથે પડ્યો છે.