સોનામાં ક્યાંથી લાગે કાટ… સોનામાં ક્યારેય કાટ લાગવાનો જ નથી, અડધી રાતનો હોકારો અને સમૃદ્ધિના પ્રતિક અને સોનાના દાગીના ખરીદવા માટે હવે દરેકે નિયમ અનુસરવા પડશે. તા.15મી જુનથી ગોલ્ડ હોલમાર્કિંગને ફરજિયાત કરવામાં આવતા હવે 14, 18, 22 કેરેટના સોનાના દાગીના માટે હોલમાર્કિંગ બીઆઈએસ પ્રમાણીત કરેલા દાગીનાની ચકાસણી અનિવાર્ય બની છે. હોલમાર્કિંગ વગર જો સોનાના દાગીના વેંચતા વેપારી પકડાશે તો તેને એક વર્ષ સુધીની સજા અને ગોલ્ડ જવેલરી વેલ્યુની 5 ગણી પેનલ્ટી કરવામાં આવશે.
સોનાની શુદ્ધતા: બજારનો વિશ્વાસ અને સુવર્ણ વ્યવહાર હોલમાર્કની એરણે મપાશે 22 કેરેટ, 18 કેરેટ, 14 કેરેટના દાગીના હોલમાર્ક વગર નહીં મળે: નિયમ ભંગ કરનારને દંડથી લઈ જેલના સળીયા ગણવા સુધીની સજા ભોગવવી પડશે
હોલમાર્કને લઈને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા દોઢ વર્ષથી નિયમના અમલનું આયોજન વિચારાધીન હતું. પરંતુ 15મી જુનથી સમગ્ર દેશમાં હવે હોલમાર્કિંગનો કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે ત્યારે હવે સોનાની ખરીદી માટે હોલમાર્કિંગની ચકાસણી અનિવાર્ય બની છે. હોલમાર્કિંગને સરકારની ગેરંટી અને શુદ્ધતાનો આધાર માનવામાં આવે છે. એજન્સી બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા ઉત્પાદકને નક્કી માપદંડ મુજબના સોનાના વપરાશ માટે પ્રમાણીત કરવામાં આવે છે જે ગ્રાહકને અપાયેલી ગુણવત્તાની તપાસ કરે છે.
સોનાના સિક્કા કે ઘરેણા, કોઈપણ સોનાના દાગીના બીઆઈએસ દ્વારા હોલ માર્કિંગ કરવામાં આવ્યા હોય તો તે શુદ્ધતાના પ્રતિક ગણવામાં આવશે. કોઈપણ નિયમોનું પાલન ન થાય તો 1 લાખ થી લઈ વેંચાયેલા માલના પાંચ ગણા સુધીના દંડ અને બીઆઈએસ એક્ટ 2016ની કલમ 29 હેઠળ જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. એક વર્ષની જેલની સજાની તપાસ માટે સરકારે બીઆઈએસ કેર નામની એપ્લીકેશન પણ લોંચ કરી છે. આ એપ્લીકેશન પર સોનાની શુદ્ધતાની તપાસ અને ફરિયાદ કરી શકાશે.
અગાઉ કેટલીક તારીખો બદલવામાં આવી હતી પરંતુ હવે 15મી જુનની ડેડલાઈન પૂરી થયા બાદ હોલ માર્કિંગનો નિયમ લાગુ થયેલો ગણાય. હોલ માર્કિંગ લાગુ થયા બાદ ઘરમાં પડેલા જૂના દાગીનાનું શું થશે તેવો પ્રશ્ર્ન ઉભો થયો છે. તેના માટે હોલ માર્કિંગ સેન્ટર પર જઈ હોલ માર્કિંગ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જૂના ઘરેણાનું મુલ્ય વધારે રહેશે. હોલ માર્કનો નિયમ સોનાના દાગીના વેંચનાર જવેલર્સ માટે ફરજિયાત છે. ગ્રાહક હોલમાર્ક વગર માલ વેંચી શકે છે. સરકાર દ્વારા લેવાયેલા આ પગલાથી સોનાનામાં ભેળસેળનું પ્રમાણ કાબુમાં આવશે અને શુદ્ધ દાગીના ગ્રાહકોને મળશે.