7 લોકોની ટિમ દ્વારા દૈનિક 150થી વધુ ટેસ્ટ કરવામાં આવશે: બીજી લહેર દરમિયાન સૌ.યુનિ દ્વારા 10 હજારથી વધુ RTPCR ટેસ્ટ કરાયા હતા
છેલ્લે ઘણા દિવસોથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કોરોનાના કેસોનો જે રીતે ઉછાળો જોવા મળી રહ્યો છે. જેને લઈ સરકારે પણ ટેસ્ટમાં વધારો કરી દીધો છે. કોરોનાની બીજી લહેરમાં જે રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા RTPCR સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું તેમ હવે આવતીકાલથી ફરી આ RTPCR સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવશે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે.
ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલથી 7 લોકોની ટિમ દ્વારા RTPCR લેબ શરૂ કરી કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવશે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ પરનું RTPCR ટેસ્ટિંગનું ભારણ ઓછું કરવા યુનિવર્સિટીના બાયોસાયન્સ અને ફાર્મસી ભવન દ્વારા ટેસ્ટિંગ લેબ શરૂ કરવામાં આવી છે અને રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાંથી પ્રતિદિન 200 ટેસ્ટિંગ કરી શકાશે. આ ટેસ્ટિંગ લેબ માટે રૂપિયા 30 લાખના ખર્ચે જરૂરી મશીનરી, સાધન-સામગ્રી, ફ્રીઝ વસાવાયા જ છે.
દર્દીએ સેમ્પલ આપવા યુનિવર્સિટી નહીં આવવું પડે પરંતુ સિવિલ હોસ્પિટલ ખાતે સેમ્પલ આપવાનું રહેશે. યુનિવર્સિટીની લેબમાં આ સેમ્પલની ઝડપી ટેસ્ટિંગ થશે અને જે રિપોર્ટ અગાઉ 24થી 48 કલાક દરમિયાન મળી રહ્યો છે તે રિપોર્ટ આ લેબ શરૂ થયા બાદ માત્ર 6 કલાકમાં જ મળી શકશે. એટલે કે કોઈ દર્દીએ સવારે સેમ્પલ આપ્યું હશે તો સાંજ સુધીમાં તેનો રિપોર્ટ આવી જશે.