કેન્દ્ર સરકારના નવા નિયમોને લઈ લોકોનો ભારે ધસારો હોવાથી વાહન વ્યવહાર કમિશનરનો હુકમ
કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એકટમાં સુધારો કરી આકરા દંડની જોગવાઈ કરાયાબાદ દેશભરમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. અને લોકો લાયસન્સ તથા હાઈસિકયુરીટી નંબર પ્લેટ સહિતના કામકાજ માટે આટીઓ કચેરી ખાતે મોટી સંખ્યામાં દોડી આવતા ભારે ઘસારો જોવા મળી રહ્યો હોવાથી ગુજરાતમાં તમામ આરટીઓ કચેરી રવિવારે ચાલુ રાખવા વાહન વ્યવહાર કમિશ્નર દ્વારા હુકમ કરવામા આવ્યો છે.
આ અંગેની વિગત મુજબ નવા નિયમોના પગલે આકરા દંડથી બચવા લોકો પોતાનું લાયસન્સ કઢાવવા તથા પોતાના વાહનોની હાઈ સિકયુરીટી નંબર પ્લેટ નખાવવા ઓનલાઈન અપોયમેઈન્ટ લઈ આર.ટી.ઓ ખાતે જતા હોય અને રોજબરોજના કામકાજ કરતા આરટીઓમાં કામનું ભારણ વધી જતા લોકોની ભીડ જોવા મળી રહી છે.ગઈકાલે ઓનલાઈન એપોઈનમેન્ટ મેળવવા માટે એપલાય કરનાર અરજદારોને છ નવેમ્બર સુધીનું વેઈટીંગ હોવાનું જાણવા મળ્યું છે. અને ૧૦ હજારથી વધુ લાયસન્સ માટેનું વેઈટીંગ આરટીઓમાં હોવાનું જાણવા મળ્યું છે. રોજબરોજની રોજીંદી કામગીરીમાં ધરખમ વધારો થતા અને સ્ટાફની અછત હોવાથી લોકોને પડતી હાલાકીને નિવારવા ગુજરાત વાહન વ્યવહાર કમિશ્નર દ્વારા ગઈકાલે એક યાદી બહાર પાડી આગામી રવિવારે આરટીઓ કચેરી ખાતે રાબેતા મુજબ સવારથી સાંજ સુધી કામગીરી ચાલુ રાખવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. અને ગુજરાતની તમામ આરટીઓ કચેરીને હુકમ કર્યો છે કે આગામી તા.૨૨ને રવિવારના રોજ આરટીઓની કામગીરી ચાલુ રાખવા તાકીદ કરવામાં આવી છે.