પ્રથમ દિવસે લાયસન્સ, ડ્રાઇવિંગ ટેસ્ટ અને નંબર પ્લેટ સહિતની કામગીરી માટે અરજદારો ઉમટ્યા : થર્મલ સ્ક્રીનીંગ બાદ જ અરજદારોને પ્રવેશ: શનિ- રવિ ડ્રાઇવિંગ ટેસ્ટની સેવા ચાલુ રહેશે
રાજકોટ આરટીઓ કચેરી આજથી ખાસ તકેદારીના પગલાં સાથે ધમધમતી થઈ ગઈ છે. આજે પ્રથમ દિવસે જ લાયસન્સ, ડ્રાઇવિંગ ટેસ્ટ અને નંબર પ્લેટ સહિતની કામગીરી માટે અરજદારો ઉમટી પડ્યા હતા. તમામ અરજદારોને થર્મલ સ્ક્રીનીંગથી જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સાથે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.
અબતક સાથેની વાતચીતમાં આરટીઓ ઇન્ચાર્જ અધિકારી પી.બી. લાઠીયાએ જણાવ્યું હતું કે અરજદારોએ ઓનલાઈન અરજી કરી એપોઇનમેન્ટ લઇ આરટીઓ ઓફિસની તમામ સેવાઓનો લાભ લેવાનો રહેશે. ઇંજછઙ ફિટમેન્ટ બપોરના ૩કલાક થી સાંજના સમય સુધી ચાલુ રાખવામાં આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટ અરજદારો માટે શનિવાર અને રવિવાર ચાલુ રહેશે. ફેસલેસ સેવાઓ માટે અરજદારે આરટીઓ ઓફિસ આવાનું રહેશે નહીં. તકેદારીને ધ્યાનમાં રાખી આરટીઓ ખાતે આવેલ દરેક વ્યક્તિને થર્મલ ગનથી ચેક કરવામાં આવે છે. સેનિટાઈઝરનો ફરજીયાત ઉપયોગ કરવામાં આવે છે. અરજદારોની વ્યવસ્થા જાળવવા જી.આઈ.એસ.એફ.એસના જવાનોની મદદ લેવામાં આવી છે. હાલ ઓનલાઈન અરજદારો માટે નવ સ્લોટમાં કામગીરી કરવામાં આવી રહી છે સાથો સાથ લઘુતમ સંખ્યા સાથે અરજદારોની એપોઈમેન્ટ લઇ કામ કરવામાં આવી રહ્યું છે જેથી આરટીઓ કચેરી ખાતે અરજદારોનો ઘસારો ન થાય આવનારા દિવસોમાં ઓનલાઈન એપોઇટમેન્ટ કરનાર અરજદારોની સંખ્યામાં વધારો કરવામાં આવશે અને આરટીઓ કચેરીની તમામ સેવાઓ સરળતાથી મેળવી શકે તેની તકેદારી રાખવામા આવશે.