આજે ભરાડ વિશ્વવિદ્યાપીઠ ખાતે આરટીઇ અંતર્ગત કર્મચારીઓની તાલિમ યોજવામાં આવી
ગુજરાતમાં રાજકોટ સહિત રાજ્યની ખાનગી શાળાઓમાં ૫ એપ્રિલથી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધો. ૧માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થનાર છે. શિક્ષણ વિભાગ દ્વારા સોમવારના વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. રાઇટ ટુ એજ્યુકેશનની વેબસાઇટ પર તમામ કાર્યક્રમની માહિતી મુકવામાં આવશે. રાજકોટમાં આજે ત્રંબા સ્થિત ભરાડ વિશ્વવિદ્યાપીઠ ખાતે કર્મચારીઓની તાલિમ યોજાઇ હતી. જેમાં ઝોનલ ઓફિસર અને નોડલ ઓફિસર તેમજ જે તે રિસિવિંગ સેન્ટરના જવાબદાર કર્મચારીઓ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આગામી ૫મી એપ્રિલથી આરટીઇની પ્રવેશ પ્રક્રિયા શરૂ થનારી હોય અત્યારથી જ આરટીઇને લઇ તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પરિપત્રના જણાવ્યા મુજબ આરટીઇ કામગીરી માટે રિસિવિંગ સેન્ટરના જવાબદાર કર્મચારી તરીકે કર્મચારીઓએ કામગીરી કરવાની રહેશે તે માટે ઇન્ટરનેટ કનેક્ટીવિટી સાથેનો કોમ્પ્યુટર સેટ તૈયાર રાખવાનો રહેશે.
રિસિવિંગ સેન્ટરની કામગીરી દરમિયાન જરૂર લાગ્યે નોડલ ઓફિસર તેમજ ઝોનલ ઓફિસરના સંકલનમાં રહી કામગીરી કરવાની રહેશે. રિસિવિંગ સેન્ટર પર કામગીરી માટે જરૂરીયાત મુજબ સ્ટાફ જે-તે કચેરીને જાણ કરી લેવાની રહેશે. તેમજ ફરજપરના કર્મચારીઓનું દૈનિક હાજરીપત્રક નિભાવવાનું રહેશે. કામગીરીપૂર્ણ થયા બાદ ફરજ બજાવ્યા અંગેનો દાખલો પણ આપવામાં આવશે. રાજકોટમાં ઝોનલ ઓફિસર વિપુલભાઇ મહેતા, રીનાબેન કાલાણી અને નમ્રતાબેન મહેતાને જવાબદારી સોંપવામાં આવી છે.