- હાલ બજારમાં મહારાષ્ટ્રથી રત્નાગીરી હાફૂસ, દેવગઢ હાફૂસ કેરીની આવક: કિલોના 250થી 300 રૂપિયા ભાવ: રત્નાગીરી, હાફૂસ કેરીનું વેંચાણ વધુ
ઉનાળાની શરૂઆત થાય ત્યારથી જ કેરીની સૌ કોઇ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. સ્વાદ અને ક્વોલીટીને કારણે કેરીને ફળોની મહારાણી કહેવામાં આવે છે. દુનિયાભરમાં કેરીની 1500 કરતા વધુ વેરાયટી છે. જે પૈકી 1000 તો ભારતમાં જ છે. બધી જ કેરીનો સ્વાદ જુદો-જુદો હોય છે. ગરમીની સાથે બજારમાં મીઠી કેરીનું આગમન થવા લાગ્યું છે. જો કે, હાલમાં અન્ય રાજ્યોમાંથી કેરીની આવક શરૂ થઇ છે અને હાલમાં કેરીનો બજાર ભાવ થોડો ઉંચો છે.
ગુજરાતીઓને કેરી અતિપ્રિય હોય છે ત્યારે મે મહિનામાં કેરીની સિઝન જામતી હોય છે. હાલ બજારમાં રત્નાગીરી હાફૂસ, દેવગઢ હાફૂસનું વેંચાણ થઇ રહ્યું છે. જેના કિલોના 250થી 300 રૂપિયા ભાવે વેંચાણ થઇ રહ્યું છે. 10 થી 15 દિવસ બાદ ગીરપંથક અને કેસર કેરીની આવક શરૂ થશે.
મનપસંદ કેરીની આ છે ખાસિયત
- કેરીમાં વિટામિન-એ, વિટામિન-બી-6, વિટામિન-સી અને ફાઇબર હોય છે.
- કેરીમાં પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટ અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે.
- કેરીમાં સેચ્યુરેટેડ ફ્રેટ, કોલેસ્ટ્રોલ અને સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે.
10 થી 15 દિવસ બાદ ગીર પંથકની કેરીનું આગમન થશે : ભરતભાઇ ભલસોડા
‘અબતક’ સાથેની વાતચિતમાં કેરીના વેપારી ભરતભાઇ ભલસોડાએ જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી કેરીનું વેંચાણ કરીએ છીએ. આ વખતે બજારમાં મહારાષ્ટ્રથી રત્નાગીરી હાફૂસ અને દેવગઢ હાફૂસ કેરીની આવક શરૂ થઇ છે. હાલ કેરીના કિલોના 250થી 300 રૂપિયા છે. ધીમે-ધીમે કેરીના ભાવમાં ઘટાડો થશે. તેવી શક્યતા છે. શહેરમાં અત્યારે તો રત્નાગીરી હાફૂસનું વેંચાણ સારૂ થઇ રહ્યું છે. હજુ ગીરપંથકની કેરીના આગમનને 10 થી 15 દિવસ લાગશે. ત્યારબાદ ગીર પંથકની કેરીનું બજારમાં વેંચાણ થશે. આ વખતે વાતાવરણમાં ફેરફાર ઘણા થયેલ જેના
કારણે કેસર કેરીની આવક મોડી શરૂ થશે. કેસર કેરીના બોક્સનો ભાવ 1500 થી 2000 રૂપિયા સુધીનો રહેશે. આગામી દિવસોમાં બેંગ્લોર, કચ્છ, તાલાલા ગીર સહિતના રાજ્યોમાંથી કેરીની આવક શરૂ થશે અને ભાવમાં ઘટાડો થશે.
કેરીમાં કેસર હાફૂસ, બદામ, પાયરી, લંગડો, રત્નાગીરી, તોતા, વનફળ, દશેરી, રાજાપુરી સહિતની કેરીઓ બજારમાં વેચાતી હોય છે. જેનો સ્વાદ અલગ હોય છે. તેમાં પણ ખાસ કેસર કેરીની મિઠાશ દેશ-વિદેશમાં પહોંચી છે.