દીપડો દેખાવાનો વિડીયો વાઈરલ થતા લોકોમાં ભયનો માહોલ
અંબાજીમાં ગબ્બરના પાર્વતીય વિસ્તારમાં દીપડો દેખાવાનો વિડીઓ સામે આવતાની સાથે જ દીપડો હોવાની વાત ક્ષણવારમાં આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગઈ છે. બીજી તરફ વનવિભાગ દ્વારા પણ દીપડો કોઈને નુકસાન પહોંચાડે તે પહેલા મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
વનવિભાગની ટીમ સહિત અન્ય સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા દીપડો દેખાવાની ઘટના મામલે વિવિધ રીતે તપાસ શરુ કરવામાં આવી છે. મહત્વનું છે કે, અહીં રોજના હજારો-લાખો દર્શનાર્થીઓ આવતા હોવાથી અને સ્થાનિકો વસવાટ કરતા હોવાથી દીપડાને પાંજરે પૂરવો જરુરી છે. જંગલ વિસ્તારમાંથી દીપડો ખોરાકની શોધમાં ગબ્બર પર્વત પર પહોંચ્યો હોવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગબ્બરના પર્વતિય વિસ્તારમાં દીપડો દેખાવાની ઘટના બાદ આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગની ટીમે કરેલી તપાસમાં જંગલી જાનવરના પગના નિશાન મળી આવ્યા છે. દીપડાને પકડવા માટે ગબ્બર પર્વતની આસપાસ તળેટી વિસ્તારમાં પાંજરાની ગોઠવણ કરવામાં આવી છે.