કોરોના સામે સંપૂર્ણ સુરક્ષા કવચ માટે ત્રીજો ડોઝ તરીકે ‘બુસ્ટર ડોઝ’ આપવો જોઈએ કે કેમ? વૈજ્ઞાનિક ડોકટરોમાં મતમતાંતર
હજુ બે ડોઝની માથાકૂટ નથી મટી ત્યાં ત્રીજો ડોઝ આપવાનું શરૂ થાય તેવી શકયતા
કોરોના વાયરસને નાથવા હાલ એક રસી અને બીજુ નિયમ પાલન જ મહત્વનું અસ્ત્ર સમાન મનાઈ રહ્યા છે. કોરોના આવ્યાથી અત્યાર સુધી રસીની કિંમત, તેની સંગ્રહ ક્ષમતા, કેટલા ડોઝ આપવા કેટલા સમયાંતરે આપવા..? તેની આડઅસર, વગેરે પર પ્રશ્નો ઊભા થતા રસીની રસ્સાખેંચ શરૂ થઈ હતી.
પરંતુ આજે પણ આ રસીની રસ્સાખેંચ યથાવત જ છે. હવે રસીના બે ડોઝ બાદ ત્રીજો ડોઝ પણ આપવો પડે તેવી દહેશત ઉભી થતા રસીની રસ્સાખેંચ વધુ જામી છે. પરંતુ આ અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. કોરોના સામે સંપૂર્ણ સુરક્ષા કવચ મેળવવા ત્રીજા ડોઝ તરીકે બુસ્ટર ડોઝ આપવો જોઈએ કે કેમ..?? તે અંગે હજુ ડોક્ટર અને વૈજ્ઞાનિકો પણ મૂંઝવણમાં છે.
ઉલ્લેખનીય છે કે, રસીના બંને ડોઝ લીધા પછી પણ સંક્રમણ થવાના કેસ સામે આવી રહ્યા છે. આથી વિદેશોની જેમ ભારતમાં પણ ત્રીજા ડોઝ તરીકે બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત થાય તેવી શકયતા છે. જો કે, મોટાભાગના ડોક્ટરો અને વૈજ્ઞાનિકો બુસ્ટર ડોઝ પર ઓછું મહત્વ આપી હાલ બે ડોઝથી સંપૂર્ણ વસ્તીને રસીકૃત કરવામાં આવે તે પર ધ્યાન દેવાનું જણાવી રહયા છે.
ભારતની મોટાભાગની વસ્તીને હજુ રસીના બંને ડોઝ મળવાના બાકી છે. જો કે, બંને ડોઝ મેળવનારાઓને બૂસ્ટર ડોઝની જરૂર છે કે કેમ તે અંગે ચર્ચા શરૂ થઈ ચૂકી છે. રસી ઉત્પાદકો દાવો કરે છે કે બે કારણોસર બૂસ્ટર ડોઝની જરૂર પડી શકે છે: એક લાંબી રોગપ્રતિકારકતા પૂરી પાડવા અને બીજું કોરોના વાયરસના પરિવર્તનીય પ્રકારો સામે લડવા.
“મુંબઈ કરો”ને રેલવે ડોઝ!! રસીના બે ડોઝ લીધા હશે તેઓ જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે!!
નોંધનીય છે કે ફ્રાન્સ,જર્મની અને ઇઝરાયેલ જેવા દેશો, જ્યાં નોંધપાત્ર વસ્તીએ રસીના બંને ડોઝ મેળવ્યા છે અને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. જો કે, ભારતમાં જાહેર આરોગ્ય નિષ્ણાતો કહે છે કે તેને અહીં આપણે આ પ્રણાલી અનુસરવાની જરૂર નથી. નિષ્ણાંત ડોકટર એસ કે સરીનને કહ્યું કે ઘણા હેલ્થકેર કામદારો અને રસી પ્રાપ્તકર્તાઓની ફરિયાદ છે કે સંપૂર્ણ રસીકરણ પછી પણ તેમની એન્ટિબોડીની સંખ્યા ઓછી છે. આ એન્ટીબોડીને વધારવા ત્રીજા ડોઝની જરૂર પણ પડી શકે છે.
જો કે આ અંગે દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ત્રીજા અથવા બૂસ્ટર ડોઝની જરૂરિયાતને ટેકો આપવા માટે અત્યારે પૂરતો ડેટા નથી. અત્યાર સુધીમાં આપણને એ જરૂર જાણવા મળ્યું છે કે રસી સંક્રમણને રોકી શકતી નથી. પરંતુ ગંભીર ચેપ અને મૃત્યુદર સામે રક્ષણ આપે છે. અને હાલમાં આ માટે રસીના બે ડોઝ તે પૂરતા છે. જણાવી દઈએ કે, બુસ્ટર ડોઝ એટલે એવો ડોઝ કે જેમાં બે રસીઓનું મિશ્રણ કરીને આપવામાં આવે છે.