• અંદામાનમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી : કેરળમાં પણ અઠવાડિયું વહેલું ચોમાસુ બેસે તેવી ધારણા
  • લક્ષદ્વીપ અને તમિલનાડુના દરિયા પર ચક્રવાતી પરિભ્રમણને કારણે આગામી પાંચ દિવસમાં કેરળ અને કર્ણાટકના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 
રૂમઝૂમ કરતું ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે. અંદામાનમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી : કેરળમાં પણ અઠવાડિયું વહેલું ચોમાસુ બેસે તેવી ધારણા છે. લક્ષદ્વીપ અને તમિલનાડુના દરિયા પર ચક્રવાતી પરિભ્રમણને કારણે આગામી પાંચ દિવસમાં કેરળ અને કર્ણાટકના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આઈએમડી દ્વારા સોમવારના રોજ જાહેરાત કરવામાં આવી કે અંદમાન અને બંગાળની ખાડી પર દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન સામાન્ય કરતા છ દિવસ પહેલા થઈ ગયું છે. આટલુ જ નહીં, ગત સપ્તાહમાં કરવામાં આવેલી આગાહી અનુસાર, કેરળમાં પણ આ વર્ષે 27મી મેની આસપાસ ચોમાસાનું આગમન થઈ જશે. ગરમીથી ત્રાહિમામ પોકારી ચુકેલા દેશવાસીઓ માટે આ એક રાહતના સમાચાર છે.
આઈએમડીના વૈજ્ઞાનિક આર.કે.જેનામણીએ જણાવ્યું કે, અમારી દેખરેખ અને વિશ્લેષણ અનુસાર, વહેલા ચોમાસા બાબતે કરવામાં આવેલી આગાહી સાચી પડશે. ઉલ્લેખનીય છે કે સોમવારના રોજ ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં હીટવેવની સ્થિતિમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આગામી એક-બે દિવસમાં ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રી સેલ્યિસનો ઘટાડો થવાની શક્યતા છે. આટલુ જ નહીં, મધ્ય ભારતમાં પણ આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં 3-4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે લક્ષદ્વીપ અને તમિલનાડુના દરિયા પર ચક્રવાતી પરિભ્રમણને કારણે આગામી પાંચ દિવસમાં કેરળ અને કર્ણાટકના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે તમિલનાડુમાં 18મી મે સુધી ચોમાસાનું આગમન થઈ શકે છે. આ સિવાય મધ્ય પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર અને ઉત્તરાખંડમાં મંગળવારના રોજ સામાન્ય વરસાદની આગાહી છે. આગામી 24 કલાકમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા કરા પડવાની પણ શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આ સમય દરમિયાન વીજળી અથવા તો ભારે પવન ફૂંકાવવાની પણ શક્યા છે.
નોંધનીય છે કે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં સોમવારના રોજ મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી થોડા દિવસમાં આ વિસ્તારમાં વાવાઝોડા અથવા વરસાદની શક્યતા છે. આગાહી સાચી પડશે તો લોકોને ભીષણ ગરમીથી રાહત મળશે. આઈએમડીના જણાવ્યા અનુસાર, દિલ્હીનો પારો ઘટીને 42.4 ડિગ્રી થઈ ગયો છે. રવિવારના રોજ દિલ્હીમાં વર્ષનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.