ગુજરાત દર્શન યોજના હેઠળ રાજ્યની મુલાકાતે આવતા વરિષ્ઠ બિન-નિવાસી ગુજરાતીનો રહેવા-જમવા-ફરવાનો ખર્ચ ભોગવશે રૂપાણી સરકાર
ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનાં હેતુસર રૂપાણી સરકાર અનેક નવી યોજનાઓ અમલમાં લાવી રહી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની દેખરેખ હેઠળ બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ દ્વારા અન્ય રાજ્યોમાં વસતા બિન-નિવાસી ગુજરાતીઓનો રાજ્યની સંસ્કૃતિ, મૂલ્યો, અસ્મિતા, પરંપરા, ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો તેમજ પોતાના મૂળ વતન સાથેનો સંબંધ જોડાઈ રહે તેવા ઉમદા ઉદ્દેશથી ગુજરાત દર્શન યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાતની મુલાકાતે આવતા પ્રતિ વરિષ્ઠ બિન-નિવાસી ગુજરાતી માટે ૧૦ હજાર સુધીનો સરભરા ખર્ચ રૂપાણી સરકારે આપવાનો નિર્ણય કર્યો છે. આ કાર્યક્રમ માટે પ્રતિ વર્ષ મહત્તમ સંખ્યા ૧૫૦ નક્કી કરવામાં આવી છે, જેમાં લીડર સહિત મહત્તમ ૨૫-૨૫ વ્યક્તિઓનાં ૬ ગૃપ રહેશે. આ માટે રૂપાણી સરકારે ચાલુ વર્ષનાં અંદાજપત્રમાં ૧૫ લાખ રૂપિયાની જોગવાઈ પણ કરી છે.
ગુજરાત સમગ્ર દેશમાં પ્રવાસન ક્ષેત્રે આગવું અને અગ્રિમ સ્થાન ધરાવે છે. ગુજરાત દર્શન યોજના વડે ગુજરાતનાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. રૂપાણી સરકારે વરિષ્ઠ બિન-નિવાસી ગુજરાતીઓ માટે મહત્વનો નિર્ણય લેતા વર્ષ ૨૦૧૯-૨૦થી બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ દ્વારા અન્ય રાજ્યોમાં વસતા ૬૦થી ૭૦ વર્ષની આયુ ધરાવતા વરિષ્ઠ નાગરિકો ગુજરાતની મુલાકાતે આવી શકે તે માટે ’ગુજરાત દર્શન યોજના’ અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ નિયત આયુ ધરાવતા બિન-નિવાસી ગુજરાતીઓ ગુજરાતમાં ૬ દિવસ અને ૭ રાત્રિ રોકાણ કરી શકશે. આ દિવસો દરમિયાન તેમનો રહેવા-જમવાનો તથા વિવિધ સ્થળોની મુલાકાત સહિતનો પ્રતિ વ્યક્તિ ૧૦ હજાર સુધીનો ખર્ચ રૂપાણી સરકાર ભોગવશે. આ ઉપરાંતનો ખર્ચ જે-તે વ્યક્તિએ આપવાનો રહેશે.
ગુજરાત દર્શન યોજના અંતર્ગત અન્ય રાજ્યોમાંથી ગુજરાતની મુલાકાતે આવતા વરિષ્ઠ બિન-નિવાસી ગુજરાતીઓને તમામ સુવિધા રૂપાણી સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. અન્ય રાજ્યમાંથી અમદાવાદ સુધી આવવા અને જવા માટેનો ખર્ચ જે-તે વ્યક્તિ અથવા ગૃપે આપવાનો રહેશે. ગુજરાત દર્શન યોજનામાં છેલ્લા પાંચ વર્ષથી રાજ્યની મુલાકાતે આવેલા ન હોય તેવા વરિષ્ઠ નાગરિકોને અગ્રતા આપવામાં આવશે. આ નવિન યોજના અંતર્ગત ગુજરાતમાં આવેલા સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, બેટ દ્વારકા, સારંગપુર, અંબાજી, સૂર્યમંદિર – મોઢેરા, અડાલજની વાવ – ગાંધીનગર, લક્ષ્મી વિલાસ પેલેસ – વડોદરા, સાબરમતી આશ્રમ – અમદાવાદ, ઇન્ડો પાર્ક બોર્ડર – સૂઈગામ (નડાબેટ) તેમજ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિવિધ સ્થળોની મુલાકાત લઈ શકાશે. ગુજરાત દર્શન યોજના હેઠળ ગુજરાત બહારનાં ગુજરાતીઓને ગુજરાત પ્રવાસ દરમિયાન મદદરૂપ થવાના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં પ્રયાસો સફળ થાય તેમજ ગુજરાતનાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન મળી રહે એવી શુભકામનાઓ.