21મી સદીને યુવાનોની સદી કહેવામાં આવી રહી છે, વિશ્વને હવે યુવાનો નું મહત્વ સમજાયું છે. દાયકાઓ પૂર્વે સ્વામી વિવેકાનંદે સમગ્ર વિશ્વને યુવા શક્તિનો પરિચય આપ્યો હતો અને યુવાનોને યુગ પરિવર્તનના મસાલચી ગણાવ્યા હતા. ભારતને વિશ્વની સૌથી મોટી લોકશાહીનુ માન આપવામાં આવી રહ્યું છે ત્યારે ભારત એક એવો દેશ છે જેમાં વસતીનો મોટો ભાગનો હિસ્સો યુવા વર્ગના નાગરિકો પાસે છે યુવાન જ દેશનું ભવિષ્ય ઘડી શકે છે.
દેશનું ભવિષ્ય યુવાનો ઉપર નિર્ભર છે. દેશમાં 45 ટકા વસ્તી યુવાનોની છે. ત્યારે કોઈ પણ ચૂંટણીમાં યુવાનો મહત્વનો ભાગ ભજવે છે. માટે જ અબતક દ્વારા મારો મત, મારૂ ભવિષ્ય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.
અત્યારના સમયમાં પણ યુવાનો મતદાનથી વંચિત રહે છે. જે કમનસીબી ગણી શકાય. જો ભારતના ભવિષ્યને ઉજળું બનાવવું હોય તો યુવાન મતદારોએ સક્રિય રહેવું જ પડે. કારણકે તેમનો મત તેમનું જ ભવિષ્ય નક્કી કરે છે. દેશનું સંચાલન અને જરૂરી નિર્ણયો રાજનેતાઓ લ્યે છે. આ રાજનેતાઓ ચૂંટણીમાંથી ચૂંટાઈને આવે છે. માટે યુવાનોએ ચૂંટણીમાં સક્રિયતા દાખવવી જ જોઈએ. આ ઉપરાંત રાજકારણમાં પણ હવે યુવાનોએ વધુ સક્રિય થવાની જરૂર છે.
જો ભારતને મહાસતા બનવું હોય તો યુવાનોનું યોગદાન વધારવું પડશે. તમામ ક્ષેત્રોમાં તેમાં પણ રાજકારણમાં યુવાનોનું યોગદાન રહે તો જ દેશ વિકાસના પંથે હરણફાળ ભરી શકે. આની શરૂઆત યુવાનો મતદાન પ્રત્યે જાગૃત થાય ત્યાંથી થઈ શકે છે. માટે યુવાનોએ મતદાન અવશ્ય કરવું. અને એક વખત નહિ 100 વખત તમામ પાસાઓ વિચારી કોઈ નેતા કે પક્ષને મત આપવો જોઈએ.