શિક્ષણ સમિતિ દ્વારા એવોર્ડ વિજેતા શિક્ષકોનો સન્માન કાર્યક્રમ સંપન્ન

ચાણકયના આ વાકયને સાર્થક કરતા ગુરૂજનોને રાજય સરકાર દ્વારા સન્માનવામાં આવે છે ત્યારે રાજય પારિતોષિક મેળવી રાજકોટનું ગૌરવ કહી શકાય તેવા સન્માનિત શિક્ષકો માટે સન્માન કાર્યક્રમનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-રાજકોટ દ્વારા કરવામાં આવેલ. સન્માન કાર્યક્રમમાં દિપ પ્રાગટય રાજકોટના મેયર બીનાબેન આચાર્યના હસ્તે કરવામાં આવેલ. આ તકે ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, સદસ્ય મુકેશભાઈ મહેતા, કિરણબેન માકડિયા, જગદીશભાઈ ભોજાણી તેમજ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલા, શાસનાધિકારી કિરીટસિંહ પરમાર ઉપસ્થિત રહેલ. સન્માનીય શિક્ષક વનિતાબેન રાઠોડ, ઉમેશભાઈ વાળા અને પ્રકાશભાઈ નિરંજનીને મહેમાનોના વરદ હસ્તે બુકે, શાલ અને શિલ્ડ આપી મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવેલ હતા.

મેયર બીનાબેન આચાર્યએ પોતાના વકતવ્યમાં જણાવેલ કે શિક્ષકને ગુરૂનું સ્થાન આપવામાં આવેલ છે. તેમજ ઉજજવળ સમાજના નિર્માણ માટે શિક્ષકની મહત્વની ભૂમિકા રહેલી છે તેવું જણાવેલ. જયારે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ તમામ શિક્ષકોને ઈનોવેટીવ કામગીરી કરવા જણાવેલ તેમજ હાલની કોરોના મહામારીનો અંત આવે તેવી ઈચ્છા વ્યકત કરેલ. આ તકે સન્માનીય શિક્ષકોને રાજય કક્ષાએ પારિતોષિક મેળવવા બદલ શુભેચ્છા પાઠવવામાં આવેલ. કામગીરીની વ્યસ્તતાના કારણે કાર્યક્રમમાં હાજર ન રહી શકેલ ફાઈનાન્સ બોર્ડ ગાંધીનગર ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી તેમજ સુરેન્દ્રનગર પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ દ્વારા સન્માનીય શિક્ષકોને શુભેચ્છા પાઠવવામાં આવેલ.

સન્માનીય શિક્ષક ઉમેશભાઈ વાળાએ પોતાના પ્રતિભાવો આપતા જણાવેલ કે ધર્મ, શિક્ષણ અને ચારિત્ર્ય આ ત્રણ પાસા ઉપર કામગીરીમાં ઝુંપડપટ્ટીના બાળકો માટે કામગીરી કરેલ છે. શિક્ષક કોઈ જાતિ, ધર્મ, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગના વાડામાં ન જોડાય ને બાળકો માટે કામ કરે તે જરૂરી છે. કાર્યક્રમમાં રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ એસ.સદાદિયા, યુ.આર.સી.કો.ઓર્ડી. દિપકભાઈ એમ.સાગઠીયા, શૈલેષભાઈ ભટ્ટ, જીજ્ઞેશભાઈ માધડ, તમામ સીઆરસી કો-ઓર્ડીનેટરો તેમજ પે સેન્ટર શાળાના આચાર્યો હાજર રહેલ. મહેમાનોનું સ્વાગત શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ. સદસ્ય કિરણબેન માકડિયા દ્વારા આભાર વ્યકત કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન જુઈબેન માંકડ દ્વારા કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.