કારખાનાના મેનેજરે જ કારખાનેદારને લૂંટવાનો જેલમાં પ્લાન બનાવ્યાની કબુલાત: બે શખ્સોની શોધખોળ
સાધુવાસવાણી રોડ પર આવેલા તુલશી બંગ્લોઝમાં રહેતા કારખાનેદારને છ માસ પહેલાં બાઇક પર આવેલા બે શખ્સો છરી બતાવી એક લાખ રોકડાની લૂંટ ચલાવવાના ગુનામાં સંડોવાયેપલા કારખાનાના મેનેજરની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા વેશ્યાવૃતિના ગુનામાં જેલ હવાલે થયો ત્યારે બે શખ્સો સાથે મળી પોતાના જ માલિકને લૂંટવાનો પ્લાન બનાવ્યાની કબૂલાત આપતા લૂંટના ગુનામાં સંડોવાયેલા બંને શખ્સોને ઝડપી લેવા પોલીસે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાધુવાસવાણી રોડ પર આવેલા તુલશી બંગ્લોઝમાં રહેતા અને ખોડીયારપરામાં કારખાનું ધરાવતા દિનેશભાઇ પ્રેમજીભાઇ સુથારને ગત તા.૮ જુને બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ છરી બતાવી એક લાખ રોકડાની લૂંટ ચલાવ્યાની યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.લૂંટના ગુનામાં દિનેશભાઇ સુથારના કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવતા સંત કબીર રોડ પરના ગોકુળનગરના રાજેશ ઉર્ફે રાજા ઉર્ફે ડોલ્યો વશરામ કટારીયા નામનો શખ્સ સંડોવાયો હોવાની અને ભક્તિનગર સર્કલ પાછળ ધારેશ્ર્વર મંદિર પાછળ આવ્યો હોવાની બાતમીના આધારે ભક્તિનગર પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. એમ.જે.રાઠોડ, એએસઆઇ ઇન્દુભા રાણા, હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ પઢારીયા, નિલેશભાઇ મકવાણા, વાલજીભાઇ જાડા, દિપકભાઇ ડાંગર, દેવાભાઇ ધરજીયા, સલીમ મકરાણી, રાણાભાઇ કુંગસીયા, ભાવિનભાઇ ગઢવી, અને પ્રવિણભાઇ જામંગ સહિતના સ્ટાફે ધારેશ્ર્વર મંદિર પાછળથી રાજેશ ઉર્ફે રાજા ઉર્ફે ડોલ્યો કટારીયાની ધરપકડ કરી હતી.
રાજેશ ઉર્ફે રાજા કટારીયાની પૂછપરછ દરમિયાન ખોડીયારપરામાં દિનેશભાઇ સુથારના કારખાનામાં પોતે મેનેજર તરીકે ફરજ બજાવતો હોવાથી તેઓ દરરોજ સાંજે પોતાની સાથે મોટી રકમ લઇને જતા હોવાની માહિતી હતી. દરમિયાન રાજેશ ઉર્ફે રાજા કટારીયાની વેશ્યાવૃતિના ગુનામાં પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો ત્યારે મારામારીના ગુનામાં જેલમાં રહેલા જંગલેશ્ર્વરના દિનેશ ઉર્ફે ટીનો જીવા વાળા અને યાદવનગરના શરદ ઉર્ફે ભૈયા દિલીપ ભરખડાના પરિચયમાં આવતા તેને કારખાનેદાર દિનેશભાઇ સુથારને લૂંટવાની વાત કરી જેલમાંથી છૂટી લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી.
ભક્તિનગર પોલીસે રાજેશ ઉર્ફે રાજા કટારીયા પાસેથી રૂ.૭ હજાર રોકડા કબ્જે કરી તેની સાથે સંડોવાયેલા જંગલેશ્ર્વરના દિનેશ ઉર્ફે ટીનો જીવા વાલા અને શરદ ઉર્ફે ભૈયા દિલીપ ભરખડાની શોધખોળ હાથધરી છે.