રાજ્યમાં દિવસેને દિવસે ચોરી-લુંટફાટના બનાવો વધતા જાય છે ત્યારે મોરબીમાં વધુ એક લુંટની ઘટના સામે આવી છે જેમાં લુંટારુઓ લાખોની લુંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ આ ઘટના ગઈકાલની છે જ્યાં મોડીરાત્રે ૩ શખ્સોએ ૨૯ લાખની લુંટ કરીને ફરાર થઈ ગયા હતા.
શું હતી ઘટના ??
મોરબીમાં જૂની પીપળી અને નવી પીપળી રોડ ઉપર કેલેફેકશન ટેકનો પ્રા.લીનો કેશિયર નોકરી પુરી કરી ઘરે પરત જઈ રહ્યો હતો ત્યારે કેશિયરના બાઇક સાથે કાર ભટકાડી ત્રણ શખ્સોએ રૂ.29લાખની લૂંટ ચલાવી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે.
કેલેફેકશન ટેકનો પ્રા.લીનો કેશિયર તરીકે કામ કરતા ચંદ્રેશભાઇ શીરવી પીપળી તાલુકાના રહેવાસી છે. તેઓ ગઈકાલે સાંજે પોતાના કામ પરથી પરત જઈ રહ્યા હતા ત્યારે ૩ અજાણ્યા ઇસમોએ કાર દ્વારા બાઈકને ઠોકર મારીને ચંદ્રેશભાઈને પછાડી દીધા હતા અને તેમના પાસે રહેલા રોકડ રકમનો થેલો ભરીને ફરાર થઇ ગયા હતા. હાલ ફરિયાદીએ આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુન્હો નોંધી શહરેમાં નાકાબંધી કરીને તપાસ શરૂ કરી છે.