રૂા.૩૭ કરોડના રસ્તાના કામનું કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાના હસ્તે ખાતમુહૂર્ત
ઉપલેટામાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે રૂા.૭૬ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. ઉપલેટાથી જામકંડોરણા તાલુકાને જોડતા ૩૯ કિલોમીટર લંબાઈના રસ્તાને ૭ મીટર પહોળો કરીને ધ્વીમાર્ગીય કરવામાં આવશે. ૩૭ કરોડના ખર્ચે તૈયાર થનાર આ રસ્તાથી નાગરિકોને પરિવહનમાં સરળતા રહેશે. આ ઉપરાંત ઉપલેટા શહેરના લોકોને સંગીત, સાહિત્ય, કલાને પ્રોત્સાહન મળે એ માટે રૂ.૪૩૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર ટાઉનહોલનું ખાતમુહૂર્ત કરાયું હતુ.આ ઉપરાંત પાટણવાવ ખાતે ગ્રામ્ય પોલીસ સ્ટેશનના આધુનિક બિલ્ડીંગનું લોકાર્પણ મંત્રીશ્રીના હસ્તે યોજાયું હતુ.છેવાડાના લોકોને પીવાનું મળી શકે એ માટે વેણુ-૨ ડેમના ભાગ ૧ અને ૨ પાણી પુરવઠા સુધારણા યોજના હેઠળ રૂ.૩૩ કરોડના ખર્ચે કામ હાથ ધરાશે. જેનાથી આશરે ૭૨૮૩૩ નાગરિકોને લાભ મળશે.
આ પ્રસંગે મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું કે, લોકની જરૂરિયાત અને અપેક્ષા મુજબ ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના કામો થઈ રહયા છે અને તેમાં સફળતા મળી રહી છે. આ સમારોહમાં પીજીવીસીએલના મકવાણાએ સૂર્ય ગુજરાત યોજનાથી લોકોને માહિતગાર કર્યા હતા. પ્રાસંગિક ઉદબોધન ધારાસભ્ય પ્રવીણભાઈ માંકડિયા એ, શાબ્દિક સ્વાગત દાનાભાઈ ચંદ્રવાડિયાએ,આભાર વિધિ માવદિયાએ કરી હતી. આ પ્રસંગે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડિયા,નગર પાલીકાઓના પ્રાદેશિક કમિશ્નર સ્તુતી ચારણ, જયશ્રીબેન સોજીત્રા, હરસુખભાઈ સોજીત્રા,પોલીસ અધીક્ષક બલરામ મીણા, સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.