બાવળો ઉગી નીકળતા અડધો રોડ બંધ: રોડ પુન: નવો બનાવવા ઉઠતી લોક માંગ
જામનગર થી રાજકોટ જવાના મુખ્ય માર્ગ કાલાવડ તરફ જતાં માર્ગ પર (જાડા ટી.પી. સ્કીમ નં. ૧, રોડ નં. ૧) પર દરગાહની સામેના ભાગમાં આવેલ એક શેરીમાં પાંચેક વર્ષ પહેલા ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. આ ડામર માર્ગનું ત્રણેક વર્ષ પહેલા ભૂગર્ભ ગટરની લાઈન તેમજ ગેસની લાઈન નાખવા માટે જે તે કંપની દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને આજ સુધી આ કંપની દ્વારા આ રોડનું ફરી રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી.
આ રોડ પર ઈન્કમટેક્સ દ્વારા એક નવું અધતન બિલ્ડીંગનું પણ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે જે કંપની દ્વારા આ રોડ પર ખોદકામ કરી અને લાઈનો નાખવામાં આવી હતી તે કંપનીને નોટીસ આપી અને ફરીથી આ રોડ બનાવવા માટે અધિકારીઓ સૂચના આપશે કે શું…? આ ડામર રોડ પર બાવળો પણ ઉગી નિકળ્યા છે. જેટલો રોડ હતો તેનાથી અડધો રોડ થઈ ગયો છે. ત્યારે ત્યાં કચરાના પણ એટલા જ ઢગલાઓ થઈ ગયા છે. કંપનીના અધિકારીઓ સાથે કોઈ મિલી ભગત તો નથી ને તેવો પણ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. જ્યાં પણ કોઈ કામ માટે લાઈનો ખોદવા માટે જે તે કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે ત્યારે જ કોન્ટ્રાક્ટમાં આ રોડ જેવી હાલતમાં હોય તેવી જ હાલતમાં પાછો બનાવવી આપવાનો હોય છે. તો આ રોડને ખોદી લાઈનોનું કામ પૂર્ણ કરીને કોન્ટ્રાક્ટરો દ્વારા આમ જ આ રોડને ખખડધજ હાલતમાં મુકી દેવામાં આવ્યો છે. ત્યારે કોઈ અધિકારીઓ આ કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી અને આ રોડને ફરીથી નવો બનાવી દેવામાં આવે તેવી માંગણી ઉઠી છે.