શિવરાત્રી, લીલી પરિક્રમા સહિતના તહેવારો દરમિયાન થતા ટ્રાફિકથી લોકોને રાહત થશે
વન વિભાગની મંજૂરી, જમીન સહિતની તમામ અંતરાયો દૂર થતા હવે રૂપિયા ૧.૨૦ કરોડના ખર્ચે જુનાગઢના દામોદર કુંડ પાસેનો રોડ ફોર ટ્રેક બનશે જેના કારણે શિવરાત્રી લીલી પરિક્રમા, તહેવારો દરમિયાન થતાં ટ્રાફિકથી લોકોને રાહત રહેશે.
જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીનો રસ્તો ફોર ટ્રેક કરવામાં આવ્યો છે, પરંતુ દામોદર કુંડ પાસેનો થોડો ભાગ વન વિભાગની મંજૂરી અને જમીન મેળવવા માટે ની પ્રોસિજર બાકી હોવાના કારણે ફોર ટ્રેક રસ્તો થઈ શક્યો ન હતો, જેને લઇને શિવરાત્રી, લીલી પરિક્રમા સહિતના તહેવારના દિવસોમાં આ રસ્તા પર ટ્રાફિક ચક્કાજામ થઇ જતા ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હતી.
દરમિયાન જૂનાગઢ મનપાના કમિશનર તુષાર સુમેરાના જણાવ્યા અનુસાર આ માટે વન વિભાગની મંજૂરીથી લઈને બાકી રહેતી તમામ પ્રક્રિયાઓ પૂરી કરી લેવામાં આવી છે, જેથી હવે દામોદર કુંડ નજીક ફોર ટ્રેક બનાવવા આડેના તમામ અંતરાયો દૂર થયા છે, અને ટૂંક સમયમાં ૧.૦૮ કરોડના ખર્ચે બનનાર ફોર ટ્રેક કરવા માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવશે, અને તે સાથે જ ખાત મુહૂર્ત પણ કરવામાં આવશે, જેને લઇને શિવરાત્રી અને લીલી પરિક્રમાના મેળા દરમિયાન થતી ટ્રાફિક સમસ્યાથી લોકોને છુટકારો પણ મળશે.