- મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇની ઘોષણા: દિવાળી બાદ રસ્તા પર લગાવાયેલા લોખંડના પોલ હટાવી દેવાશે
શહેરની ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા હાલ 10 સર્કલોને ટૂંકા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન કાલાવડ રોડ પર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સામે વર્ષોથી બંધ કરાયેલો રસ્તો આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા ખૂલ્લો કરી દેવામાં આવશે. તેવી સત્તાવાર જાહેરાત આજે મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ દ્વારા કરવામાં આવી છે.
હાલ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પોલીસ વિભાગના સૂચન અનુસાર કોર્પોરેશન દ્વારા કાલાવડ રોડ પર કોટેચા ચોક સહિતના અલગ-અલગ 10 વિસ્તારોમાં આવેલા ટ્રાફિક સર્કલોની સાઈઝ ટૂંકાવવા માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દિવસ દરમિયાન સર્કલની સાઇઝ ટૂંકી કરી નાંખવામાં આવે છે અને રાત્રે અહિં ડામર કામ કરી દેવામાં આવે છે. રાતોરાત થઇ જતી આ કામગીરીની શહેરીજનો દ્વારા સરાહના કરવામાં આવી રહી છે. દિવાળી બાદ કિશાનપરા ચોક સહિતના અન્ય સર્કલોની સાઇઝ પણ ટૂંકાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. દરમિયાન કાલાવડ રોડ પર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સામેનો રસ્તો જે અક્ષર માર્ગ અને રૈયા રોડ તરફ જતો હતો તે ખૂલ્લો હતો પરંતુ કોઇ કારણોસર વર્ષોથી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કોઇ વ્યક્તિએ કાલાવડ રોડ પરથી રૈયા રોડ સાઇડની સોસાયટીઓ તરફ જવું હોય તો મહિલા કોલેજ અન્ડરબ્રિજની કોટેચા ચોક સુધી લાંબું થવું પડે છે. જેના કારણે સમય અને ઇંધણનો ખૂબ જ બગાડ થાય છે. એમ્બ્યુલન્સે પણ મોટો રાઉન્ડ મારવો પડે છે. આસપાસની સોસાયટીઓમાં વસવાટ કરતા રહેવાસીઓએ અવાર-નવાર આ રસ્તો ખોલવા માટેની રજૂઆત કરી છે. છતાં કોર્પોરેશન દ્વારા કોઇ અકળ કારણોસર આ રસ્તો ખોલવામાં આવતો નથી. અગાઉ ટ્રાફિક સર્કલોની સાઇઝ ટૂંકી કરવા પણ સર્વે થયા હતા પરંતુ તત્કાલીન કમિશનરો દ્વારા આ કામગીરી કોઇ દબાણના કારણે કરવામાં આવતી ન હતી. દરમિયાન મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇએ યુદ્વના ધોરણે 10 સર્કલોની સાઇઝ ટૂંકી કરી નાંખી છે. હવે તેઓએ એવી પણ ઘોષણા કરી છે કે કાલાવડ રોડ પર બીએપીએસ મંદિર સામેનો જે રસ્તો વર્ષોથી બંધ છે. તેને ટૂંક સમયમાં ખોલી નાખવામાં આવશે. રસ્તા પર જે લોખંડના એંગલો લગાવવામાં આવ્યા છે. તેને હટાવી દેવામાં આવશે. આ માટે સ્વામિનારાયણ સંસ્થાને પણ વિશ્ર્વાસમાં લેવામાં આવશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે દિવાળી બાદ કિશાનપરા ચોક સહિતના અલગ-અલગ સર્કલોની સાઇઝ ટૂંકાવવા માટે પણ કામગીરી શરૂ કરવામાં આવશે.