સ્વર્ણિમ જયંતિની ગ્રાન્ટમાંથી રૂા.112 લાખના ખર્ચે જોગર્સ પાર્કથી સેન્ટ આન્સ સ્કૂલ (પી.એન.માર્ગ) સુધીના રોડને સીસીરોડ બનાવવા નિર્ણય કરાયો છે. વોર્ડ નં.5માં આવતા જોગર્સ પાર્કથી સેન્ટ આન્સ સ્કૂલ (પી.એન.માર્ગ) સુધીનો રસ્તો ઘણાં સમયથી ખખડધજ થઇ ગયો છે. આ રોડ અગાઉ ડામરનો હતો. હવે આ રસ્તો સીસીરોડ બનાવવા માટેનો નિર્ણય કરાયો છે. આ અંગે કમિશનર તરફથી રજૂ થયેલી દરખાસ્ત સ્થાયી સમિત્તિએ મંજૂર કરી છે જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ 2020-21ની ગ્રાન્ટમાંથી રૂા.112 લાખ (1.12 કરોડ)નું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે.
બેડેશ્વર અને રણજીતસાગર ખાતેના ડબ્બામાં રખાતા પશુઓ માટે ઘાસચારાનો 50 લાખનો ખર્ચ મંજૂર: વિવિધ સોસાયટીઓમાં લોકભાગીદારીથી સીસીરોડ અને બ્લોકના કામની દરખાસ્ત મંજૂર: સ્થાયી સમિતિની બેઠક મળી
સ્થાયી સમિત્તિની બેઠક 10 મી જૂને બપોરે ચેરમેન મનિષભાઇ કટારિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં તમામ 12 સભ્યો ઉપરાંત મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, કમિશનર સતિષ પટેલ, ડેપ્યુટી કમિશનર વસ્તાણી, આસી. કમિશનર (વહિવટ) ભાર્ગવ ડાંગર, આસી. કમિશનર (ટેક્સ) જીજ્ઞેશ નિર્મળ, સિટી ઇજનેર શૈલેષ જોષી તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં થયેલા અન્ય નિર્ણય મુજબ આરોગ્ય કેન્દ્રમાં કમ્પાઉન્ડ વોલ, બ્લોક, શેડ તેમજ મધ્યાહન ભોજનની બિલ્ડીંગ ડિમોલેશન કરવાના કામ માટે રૂા.6.92 લાખ, શહેરી સડક યોજનાની ગ્રાન્ટ હેઠળ વોર્ડ નં.11માં માધવપાર્ક મધુવન ટેનામેન્ટ, ન્યુ વાલ્મિકી સોસાયટી રામવાડી શેરી નં.5માં સીસીરોડના કામ અંગે રૂ.17.91 લાખનું ખર્ચ, વોર્ડ નં.12 વિસ્તારમાં ખાનગી સોસાયટીમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતમાં તથા અન્ય રહેણાંક વિસ્તારમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાના વિકાસની યોજના અંતર્ગત સીસીરોડ-સીસીબ્લોકના કામ માટે વધારાનું રૂ.11.53 લાખનું ખર્ચ મંજૂર કરાયું હતું. વોર્ડ નં.11માં આવા કામ માટે રૂ.17.41 લાખનું વધારાનું ખર્ચ, વોર્ડ નં.11માં બીજી દરખાસ્ત મુજબ રૂ.11.27 લાખ, વોર્ડ નં.4માં થયેલ કામ માટે વધારાનું રૂ.9.28 લાખનું ખર્ચ મંજૂર કરાયું હતું.
સોલીડ વેસ્ટ શાખા માટે 1100 લીટર કેપેસીટીના સિલ્વર બિન્સ ખરીદવા રૂ.117 લાખનું ખર્ચ, બેડેશ્ર્વર તથા રણજીતનગર ખાતેના ઢોર ડબ્બાઓમાં ઘાસચારો સપ્લાય કરવાના કામ માટે રૂ.50 લાખ, એસ્ટેટ શાખાની રોજિંદી કામગીરી માટે ટ્રેકટર વીથ ટ્રોલી ભાડે રાખવા રૂ.7 લાખનું ખર્ચ, બેડીબંદર ફોરલેન રોડ વાઇડનીંગ આસ્ફાલ્ટ રિ-કાર્પેટીંગનું કામ તેમજ નાગમતી નદીથી રાજકોટ રોડને જોડતા હાપા માર્કેટ યાર્ડ રોડને આસ્ફાલ્ટ ફોરલેન રોડ અન્વયે થયેલ વધારાનો ખર્ચ રૂા.59.11 લાખ, સાત રસ્તાથી નેતાજી સુભાષચંદ્ર બલઝ બ્રીજ સુધીના ફ્લારઓવર પ્રોજેક્ટ સંદર્ભે 30 મીટર પહોળા રસ્તાના ડી.પી.અમલીકરણ અંગે આગળની કાર્યવાહી કરવા સમિત્તિએ મંજૂરી આપતો ઠરાવ કર્યો હતો. સિક્યોરિટી શાખાના કર્મચારી પ્રવિણ પ્રેમજી દવેને બિમારી સબબ એક લાખની મર્યાદામાં સહાય ચુકવવાની દરખાસ્ત મંજૂર કરાઇ હતી. કુલ 4.24 કરોડનું ખર્ચ મંજૂર કરાયું હતું.