દામનગર, નટવરલાલ જે ભાટિયા:
દામનગર નગર પાલિકાના જાગૃત કોર્પોરેટરે સરાહનીય કામગીરી કરી છે. દામનગર નગરપાલિકા દ્વારા નવા એસટી બસ સ્ટોપની પાસે આર.સી.સી. રોડનું અંદાજીત ૧૩ લાખ રૂપિયાનું કામ થયું હતું. પરંતુ નવનિર્મિત આ રોડને તોડી પાડવામાં આવ્યો છે. આ રોડમાં અંદાજિત 65 ફૂટ લોખંડ નાખવા સૂચવાયું હતું. પરંતુ આ મુજબ કામ ન થતાં, 65 ફૂટ લોખંડ ન નખાતા કોન્ટ્રાકટરને સબક શીખવાડવામાં આવ્યો હતો.
નિયમાનુસાર આરસીસી રોડનું કામ ન થતાં ભાજપના કોર્પોરેટર અરવિંદભાઈ બોખા, ખીમજીભાઈ કસોટીયા અને યાસીનભાઈ ચુડાસમાએ મધરાતે સ્થળ પર જઈ રોડ તોડાવ્યો હતો. પાલિકા કોર્પોરેટરોએ ચીમકી આપતા એજન્સીએ રોડ તોડવો પડ્યો હતો.
આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ નવું કામ કર્યા પહેલા આ રોડ તોડી 65 ફૂટ લોખંડ નાખી નવેસર કરવામાં આવશે એવા માત્ર આશ્વાસન જ આપવામાં આવ્યા હતા. નગરપાલિકાના સભ્ય ખીમજીભાઈ કસોટીયા, યાસીનભાઈ ચુડાસમા, અરવિંદભાઈ બોખા અને ડિઝાઇન પોઇન્ટ અમરેલીના પરેશભાઈ સાથે મળીને પંચરોજ કામ કરવામાં આવ્યું હતું અને RCC રોડ તોડીને સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.
પાલિકાના ટેન્ડરથી કામ કરતી એજન્સી ઉપર કોનું મોનિટરીગ ?? તેવા પણ પ્રશ્નો ઉઠ્યા છે. આરસીસી રોડમાં લોખંડ નહીં વાપરી કામ કરતી એજન્સી મલિનવૃત્તિ ભાજપના સદસ્યને ધ્યાને આવતા આરસીસી રોડ તોડી ફરી બનાવવા એજન્સીએ તૈયારી દર્શવતા રાત્રે જ રોડ તોડી દેવાયો હતો. જો કે ભાજપના જ કોર્પોરેટરે આ રોડ તોડતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે તો આ સાથે ભાજપની પાલિકામાં જૂથવાદ પણ સામે આવ્યો છે.