સ્મશાનમાં ફર્નેશ ઘટતા લાકડા જમીન પર ગોઠવીને અગ્નિદાહ આપવો પડે છે. જામનગર શહેર-જિલ્લામાં કોરોનાથી મૃત્યુદરમાં વધારો થતાં નોનકોવિડ મૃતદેહોના અગ્નિ સંસ્કાર માટે પણ મુશ્કેલી ઉભી થઇ છે. હિન્દુ ધર્મ મુજબ શબના અંતિમ સંસ્કાર જમીનથી ઉપર લોખંડની ફર્નેશ એટલે કે લોખંડના ટેકા ઉપર રાખીને પૌરાણિક રીતે કરવામાં આવે છે. હાલ કોરોનાના કારણે મૃત્યુદર વધ્યો છે ત્યારે સ્મશાનની ઈલેક્ટ્રીક તેમજ લાકડાની ફર્નેશ ટૂંકી પડી રહી છે.
સ્મશાનમાં હાલ 2 ઈલેક્ટ્રીક ફર્નેશ કાર્યરત છે, જેમાં સતત કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોના અગ્નિ સંસ્કાર થતાં રહે છે. આદર્શ સ્મશાનગૃહમાં લાકડાની 3 ફર્નેશ છે પણ શુક્રવારે એ ત્રણેય ફર્નેશમાં પણ મૃતદેહો હતાં અને અંતિમ સંસ્કાર માટે વૃદ્ધનો ચોથો મૃતદેહ પણ આવ્યો હતો આથી તેને જમીન પર લાકડા ગોઠવીને અગ્નિદાહ આપવો પડયો હતો.
પૌરાણિક શાસ્ત્રો શું કહે છે…?
ગરૂડ પુરાણ, અથર્વવેદ અને ઋગ્વેદ વગેરે હિન્દુ ધર્મના મહાન ગ્રંથોમાં અંતિમ સંસ્કારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનો ટૂંક સાર જોઈએ તો માનવ શરીર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જાય તે રીતે અગ્નિદાહ આપવો જોઈએ જેથી તેને મોક્ષની પ્રાપ્તિ થાય. જો મૃતદેહ સરખી રીતે ન બળે તો તેને મોક્ષ ન મળે અને તેનો આત્મા ભટકતો રહે તેવી માન્યતા છે માટે મૃતદેહને યોગ્ય રીતે ચારેય દિશાથી અગ્નિ મળે અને ભસ્મિભૂત થાય તે રીતે અગ્નિ સંસ્કાર થાય તે અત્યંત જરૂરી છે.