ગત વર્ષની સરખામણીમાં યાત્રિકોની માંગમાં ૪૮ ટકાનો જોવા મળી શકશે ઘટાડો
લોકડાઉનનાં પગલે સમગ્ર વિશ્ર્વમાં ધંધા-રોજગારો ઠપ્પ થઈ ગયા છે ત્યારે ઉધોગો દ્વારા ઘણાખરા નોકરીયાતોને રજા પણ આપી દીધેલ હોવાનું સામે આવ્યું છે ત્યારે ઉડ્ડયન ક્ષેત્રે પણ માઠી અસરનો સામનો કરવો પડયો હોય તેવું લાગી રહ્યું છે. હાલ ઉડ્ડયન ક્ષેત્રે ૨૦ લાખ નોકરીઓ ઉપર જોખમ હોવાનું સામે આવ્યું છે. સરકારે બીજી વખત લોકડાઉન જાહેર કરતા કોમર્શીયલ ફલાઈટ પણ ૩ મે સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે. જેને લઈ ૧૧ હજાર જેટલા લોકોને તેની માઠી અસરનો સામનો કરવો પડયો છે. લોકડાઉનનાં પગલે ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસીએશન વૈશ્ર્વિક સ્તર પર પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યું છે. એવીએશન મંત્રાલય દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ ચાલુ વર્ષમાં યાત્રિકો તરફથી મળતી રેવન્યુમાં ૮.૮ બિલીયન ડોલરની ઘટ જોવા મળશે જે ગત વર્ષની સરખામણીમાં ૩૬ ટકા ઓછું હોવાનું સામે આવ્યું છે. નફામાં ઘટાડો થતાની સાથે જ આશરે ઉડ્ડયન ક્ષેત્રે ૨૦ લાખ નોકરીયાતોની નોકરી જોખમમાં મુકાઈ છે તેમ આઈએટીએનાં આસિસ્ટન્ટ ડાયરેકટર કોર્પોરેટ કોમ્યુનિકેશનનાં આલબર્ટ ટોઈંગે જણાવ્યું હતું.
આઈએટીએનાં માનવા મુજબ ભારતીય સરકારે એર લાઈન્સમાં પુરતા નાણા રાખવાની પણ તાકિદ કરી છે જેથી લોકડાઉન સમય બાદ તેઓને બીજી કોઈ તકલીફનો સામનો ન કરવો પડે. સાથોસાથ સરકારને એ પણ જણાવ્યું છે કે, ઉડ્ડયન ક્ષેત્રે નાણાકિય સહાય, લોન સહિત અનેકવિધ રીતે તેઓની સારસંભાળ લેવામાં આવે. એરોનોટીકલ ચાર્જ જે ઉડ્ડયન ક્ષેત્રે લગાવવામાં આવતા હોય છે તેને પણ માફી આપવામાં આવે જેથી આવનારા સમયમાં એવીએશનને કોઈ તકલીફનો સામનો ન કરવો પડે. આઈએટીએ હસ્તે ૨૯૦ એર લાઈન્સ રહેલી છે જેમાં એર ઈન્ડિયા, વિસ્ટારા, ઈન્ડિગો અને સ્પાઈસ જેટનો સમાવેશ થાય છે.
વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં યાત્રિકોની માંગમાં ૪૮ ટકા જેટલો ઘટાડો નોંધાશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. જયારે ઉડ્ડયન ક્ષેત્રે રેવન્યુ લોસ ૩૧૪ બિલીયન ડોલર વૈશ્ર્વિક સ્તર પર જોવા મળશે તેમ પણ આઈએટીએનાં સંપર્ક સુત્ર દ્વારા જાણવામાં આવ્યું છે. હાલ તમામ એર લાઈન્સ તરલતાને લઈ ઘણી ખરી ચિંતા વ્યકત કરી છે અને તેઓનું માનવું છે કે, આવનારા સમયમાં આ જ સ્થિતિ યથાવત રહી તો ઘણી તકલીફનો સામનો પણ કરવો પડશે. હાલ જે એડિએશન દ્વારા ૬૧ મિલીયન ડોલરનો કેસ રીઝર્વ રાખવામાં આવ્યો છે તે પણ વહેલાસર પૂર્ણ થઈ જશે તેવું માનવામાં આવી રહ્યું છે. આઈએટીએનાં ડાયરેકટર જનરલ અને સીઈઓ એલેકઝેન્ડર ડી જયુનેકે આ ક્ષેત્ર માટે આવનારા દિવસો અત્યંત કપરા હોવાનું પણ જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ એવીએશન ક્ષેત્રમાં જો રીકવરી આવશે તો તે ડોમેસ્ટીક ટ્રાવેલ હસ્તે આવી શકશે. હાલની એવીએશનની સ્થિતિ જોતા એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, આગામી સમયમાં ઉડ્ડયન ક્ષેત્રે ૨૫ લાખ નોકરીઓ જોખમમાં મુકાઈ છે.