ઓનલાઈન દવાનું વેંચાણ ગેરકાયદે હોવાનો કેમિસ્ટોનો મત: ઈ-ફાર્મસી મુદ્દે કાયદાકીય જંગ છેડાશે?
ઈ-ફાર્મસી માત્ર સ્થાનિક દવાની દુકાનો જ નહીં પરંતુ લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ ગંભીર ખતરો હોવાનું ચર્ચાય છે. પ્રિસ્ક્રીપ્શનમાં અથવા દવા લેવામાં ભુલ થઈ જાય તો દર્દીના જીવન ઉપર જોખમ તોળાય છે. આવા સમયે ઓનલાઈન ફાર્મસી સામે ઓલ ઈન્ડિયા ઓર્ગનાઈઝેશન ઓફ કેમિસ્ટ દ્વારા જંગ છેડવામાં આવી છે. દેશમાં ૮.૫ લાખથી વધુ કેમિસ્ટ છે. તેમના પર ઓનલાઈન ફાર્મસીના કારણે જોખમ છે. એસોસીએશનના મત મુજબ ઈ-ફાર્મસી ગેરકાયદે છે અને દેશમાં ઈ-ફાર્મસીને મંજૂરી આપવી જોઈએ નહીં.
ઈ-ફાર્મસી મુદ્દે ઘણા સમયથી દેશભરમાં વિવાદ છેડાઈ ગયો છે. એમેઝોન, રિલાયન્સ સહિતની મસમોટી કંપનીઓએ પણ ઓનલાઈન દવાના કારોબારમાં ઝંપલાવ્યું છે. બીજી તરફ ઈફાર્મસીના કારણે સ્થાનિક દુકાનદારોનો ધંધો છીનવાઈ જાય તેવી ભીતિ છે. આવા સંજોગોમાં એસોસીએશન દ્વારા એમેઝોનના જેફ બેજોસને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે, દેશમાં ઈ-ફાર્મસી ગેરકાયદેસર છે. ડ્રગ એન્ડ કોસ્મેટીક એકટ હેઠળ ઈ-ફાર્મસીને આવરી લેવાઈ નથી.
નોંધનીય છે કે, ગયા મહિને એમેઝોન દ્વારા બેંગ્લોરમાં ઓનલાઈન ફાર્મસીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધીમીગતિએ આખા દેશમાં ઈ-ફાર્મસી શરૂ કરવાની વિચારણા એમેઝોનની હોવાનું માનવામાં આવે છે. એમેઝોનની ફાર્મસીએ પ્રિસ્ક્રીપ્શન આધારીત દવા આપવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત પરંપરાગત હર્બલ દવાઓ પણ ફાર્મસી આપે છે. ગ્લુકોઝ મીટર, નેબ્યુલાઈઝર અને મસાઝ કરવા માટેના સંશાધનો પણ એમેઝોનની ફાર્મસી બેંગ્લોરમાં અત્યારે પુરા પાડી રહી છે. દરમિયાન સ્થાનિક દુકાનોએ ઈ-ફાર્મસીનો કારોબાર ભારતમાં ગેરકાયદે હોવાનું ઠેરવ્યો છે. નિદાનની કચાસ અને ઓનલાઈન પ્રિસ્ક્રીપ્શનથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાનું જોખમ પણ હોવાનું માનવામાં આવે છે.
ભારતમાં પ્રિસ્ક્રીપ્શન થયેલી દવાઓ ઓનલાઈન વેંચવી ગેરકાયદે હોવાનો દાવો ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ દ્વારા થયો છે. કાયદેસર રીતે દવાની હોમ ડિલીવરી થઈ શકે નહીં. અલબત કોરોના મહામારી જેવી આપાતકાલની સ્થિતિમાં સરકારે કેટલીક છુટછાટ આપી છે. અલબત આ છુટછાટ માત્ર નજીકમાં હોય તેવી ફાર્મસીને જ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં વન એમજી, નેટમેડ, મેડલાઈફ સહિતની ઈ-ફાર્મસીનો ઝડપથી ધંધો વિસ્તર્યો છે. દરમિયાન ગત અઠવાડિયે રિલાયન્સ રિટેલ દ્વારા પણ નેટમેડ જેવી મોટી કંપનીમાં રૂા.૬૨૦ કરોડના ખર્ચે હિસ્સો ખરીદવાની જાહેરાત થઈ હતી. હવે આ સેકટરમાં મોટામાથા પણ પ્રવેશી ચૂકયા છે. ફલીપકાર્ટ પણ તૈયાર છે. દેશમાં અત્યારે ઓનલાઈન દવાનું માર્કેટ માત્ર ૩ થી ૩.૫ ટકા જેટલું જ છે. આ માર્કેટ ભવિષ્યમાં ખુબ ઝડપથી વિસ્તરશે તેવી આશા વચ્ચે અત્યારે સ્થાનિક દવાની દુકાનો અને ઈ-ફાર્મસી વચ્ચે જંગ છેડાઈ છે.