તાજેતરમાં જ આપણે બધાએ ભવ્ય રીતે મધર્સ ડે ની ઉજવણી કરી. સોશ્યલમીડિયા પર માતાના ગુણગાન ગાતા ગીતો,કવિતાઓ અને વાર્તાઓ લખ્યા, ફોરવર્ડ કર્યા અને વાંચ્યા પણ. સતત બે દિવસ માતૃવંદના જ ચાલી અને જાણે કે આજના દિવસે જ લોકોને મા ની મહત્તા સમજાઈ હોય એવું લાગ્યું. ફેસબુક અને વોટ્સએપમાં પ્રોફાઈલ ફોટોમાં મા ને બેસાડી દીધી, કવરફોટોમાં મા ને વળગીને પણ ઉભા રહી ગયા, એમના વખાણ કરી લીધા, જાણે કે સમગ્ર વિશ્વમાં મા સિવાય કશું છે જ નહી અને એ જ્ઞાન આજે જ લાધ્યું હોય એમ એકદિવસીય તહેવારની ધામધુમભેર ઉજવણી કરી. સવાલ એ છે કે પછી શું?

થોડા દિવસ પહેલાં નજીકના વૃદ્ધાશ્રમમાં જવાનું થયું. સામાન્ય રીતે વૃદ્ધાશ્રમનું નામ પડતાં મનમાં એક ઇમેજ ઉભી થાય પરંતુ એ બધાથી પર , એક ફરવાલાયક સ્થળ જેવું આ આશ્રમ છે. આશ્રમના બગીચામાં લટાર મારતાં એક માજીને જોઈને મારા પગ થંભી ગયા. લગભગ ૭૦ની આસપાસની ઉંમરના એ માજી જાજરમાન લાગી રહ્યા હતા. સાધારણ ઉંચા,પાતળા,રૂપાળા અને ભારતીય છે કે વિદેશી એ નક્કી ન થઈ શકે એવું વ્યક્તિત્વ એટલે રેવાબા. એમના વતન અને પરિવાર વિશે પૂછતાં રેવબાની આંખમાં આંસુ આવી ગયા. રેવાબા એ અંગ્રેજી છાંટ મિશ્રિત ગુજરાતી ભાષામાં એમની આપવીતી જણાવી. એનું  આખરી વાક્ય હચમચાવી ગયું. મધર્સ’ડે ના મારો દીકરો આવશે મને મલવા. એ વર્ષમાં એક જ દિવસ આવે છે પણ ક્યારેય ચૂકતો નથી. કેક,મીઠાઈ અને રંગબેરંગી ગુલાબનાં ફૂલોનો બુકે લઈને આવે છે અને બહુ બધા ફોટોઝ લે છે. બહુ બધી સેલ્ફી મારી સાથે લે છે. પણ બસ, એ અહીંથી જાય પછી એનો  એકપણ કોલ નથી આવતો કે ન લેટર. એ ક્યારેય નેક્સ્ટ યર આવવાનો વાયદો નથી કરતો પણ મને રાહ હોય છે અને એ આવે પણ છે. આ વખતે પણ આવશે. હવેતો એને એક દીકરો પણ છે આ વખતે તો આશા છે કે એને પણ લઈને આવે કદાચ.’ આટલું બોલતાં બોલતાં રેવાબા હાંફી ગયા અને જાણેકે આખી જિંદગીનો થાક એના ચહેરા પર આવી ગયો. મને થયું કે રેવાબા કેટલા ભોળા છે. એક મલ્ટીનેશનલ કંપનીમાં બહુજ ઉંચા હોદ્દા પર બેઠેલા રેવાબના પુત્રને વર્ષે એક વખત કંપનીના કામસર ઇન્ડિયા આવવાનું થતું હોય એ આ જ દિવસ પસંદ કરે છે એવી પાછળથી મને જાણ થઈ. ’ મમ્મીને વિદેશમાં ફાવતું નથી’ના બહાના હેઠળ છેલ્લા ૧૧ વર્ષથી રેવાબા અહીં રહે છે.

એક તરફ  મધર્સ’ડે નું મહત્વ ઉત્તરોત્તર વધી રહ્યું છે ત્યારે બીજી તરફ એટલી જ ઝડપે વૃદ્ધાશ્રમો પણ વધી રહ્યા છે. રેવાબા જેવી અસંખ્ય માતાઓ આશ્રમમાં જીવે છે , જીવે તો શું? બસ, શ્વાસ લે છે, વૃદ્ધાવસ્થાનો ભાર વેંઢારે છે. અને દીકરાઓ વર્ષમાં એક દિવસ જઈને રેવબાના દીકરાની જેમ મા  સાથે સેલ્ફી લે છે માત્ર ફેસબુક પર અપલોડ કરવા માટે કે જેથી વર્ચ્યુલવર્લ્ડમાં એની ઇમેજ બની રહે. જે દીકરાને ઉછેરવા માટે માતા પિતાએ જાત ખર્ચી નાખી હોય એ દીકરા જ્યારે આમ આયાઓ અને કેરટેકરના હવાલે માબાપને છોડી દે ત્યારે એક વિચાર આવે કે આને જમાનાની અસર ગણવી કે પશ્ચાત્યસંસ્કૃતિની? મધર્સ’ડે નું મહ્ત્વ વિદેશમાં છે અને આ ત્યાંથી જ આવેલો તહેવાર છે પરંતુ વિદેશમાં સૌ પોતાની પ્રવૃત્તિમાં મશગુલ હોય છે, ત્યાં કુટુંબવ્યવસ્થા જેવું નથી. ત્યાં સયુંકત પરિવાર જેવી કોઈ સિસ્ટમ નથી અને દરેક વ્યક્તિ પોતપોતાની દુનિયામાં વ્યસ્ત હોય એવો જ વિદેશનો કોન્સેપ્ટ છે માટે ત્યાં એક દિવસ મા ને મળીને એને વિશ કરવું, એની સંભાળ લેવી અને એને સ્પેશિલ હોવાનું ફિલ કરાવવું એ તદ્દન સામાન્ય અને સમજી શકાય એવી વાત છે પરંતુ  આપણે ભારતીયોએ તો કઈ પણ વિચાર્યા વગર નક્કી જ કરી લીધું છે કે વિદેશીઓ કરે એ બધું જ કરવું. અને હવે વિચારસરણી પણ.

ભારતીય સંસ્કૃતિ અને પરંપરા તો એ છે કે હજી આજે પણ એવા ઘરો જોવા મળે છે જ્યાં ત્રણ કે ચાર પેઢી એક છત નીચે જીવતી હોય અને એક રસોડે જમતી હોય.પ્રગતિ ત્યાં જ શક્ય છે જ્યાં નવી પેઢીની ટેકનોલોજી અને જૂની પેઢીનો અનુભવ એક થાય. આજે પણ આપણાં દેશમાં ઘરથી દૂર રહેતું બાળક મા ની કિંમત સૌથી વધુ સમજતું હોય છે. બાળકના જન્મ સમયે એને એક ઇન્જેક્શનના લીધે તાવ આવી જાય ત્યારે આખી રાત જાગતી મા જ્યારે એની અવસ્થાની બીમારીમાં કણસતી હોય ત્યારે એને સધિયારો આપનાર દીકરો આમ વૃદ્ધાશ્રમમાં છોડી જાય એ ભારતીય સંસ્કૃતિ હોઈ શકે? જે ઘર બનાવવા મા એ પોતાના શોખ અધૂરા છોડ્યા હોય, પોતાના અંગત ખર્ચ કાપીને એ બચત દિકરાને એના શોખ પુરા કરવા આપી હોય, મા એ પરસેવો પાડીને જે ઘરને સજાવ્યું હોય, દીકરાનું બાળપણ અને જિંદગી સુવાસિત કરી હોય એ દીકરો પરણ્યા પછી મા ને ધકેલી દે અને સમાજમાં માથું ઊંચું રાખવા વર્ષમાં એકવાર સેલ્ફી અપલોડ કરી કેપ્શન પણ મૂકે, “*ખ/૦ .” બિચારી મા ને ક્યાં આ જોવું છે? અને જે મા આ બધું જોતી હોય છે એ પણ બિચારી ક્યારેય ત્યાં કોમેન્ટ નથી કરતી કે આ તારો એક દિવસનો પ્યાર મને વહેવાર લાગે છે અને તને તહેવાર.

સતત વધી રહેલા વૃદ્ધાશ્રમો અને સતત વધતું જતું મા નું મહત્વ એ બન્ને જોતાં એવું લાગે કે ઉછેર,સંસ્કાર કે શિક્ષણમાં કંઈક તો કચાશ છે. જીવ માંથી જીવને જન્મ આપનારી મા માટે એકાદ ગીત કે એક લેખ લખી નાખવાથી કે  એકાદ ફોટો  મૂકી દેવાથી મા નું ઋણ ઉતરી જવાનું? એક દિવસ એના નામે કરી દઈને એના ઉપકાર માંથી છૂટી જવાના? એને જન્મદિને કે મધર્સ’ડે ના દિવસે કેકનો એક ટુકડો ખવરાવી દેવાથી એની જિંદગી મીઠાશથી ભરી શકીશું?

મા આખરે મા છે. દીકરાની કોઈપણ અણગમતી હરક્તને પચાવી જવાનું એ પ્રેગ્નન્સીના સમયથી જ શીખી ગઈ હોય છે. દીકરો ખુશ રહે એ માટે એ પોતાના ખૂન પસીનાથી સીંચેલું ઘર પણ છોડી જવા તૈયાર હોય છે અને એ પણ દીકરાને આશીર્વાદ સાથે અર્પણ કરી દે છે આથી મોટું સમર્પણ-આથી મોટો ત્યાગ બીજો શું હોઈ શકે? અને આ મમતાની મૂર્તિને નવાજવા માટે માત્ર એક જ દિવસ?? મહેનત કરવાથી નાણું કદાચ મળી પણ જાય, પરંતુ મા ના આશીર્વાદ વગરની કમાણી માત્ર નાણું જ રહે છે એ ક્યારેય દોલત નથી બનતી.

મધર્સ’ડે ની ઉજવણી કરવામાં કશું ખોટું નથી પરંતુ એક દિવસ કરેલી ઉજવણી આખું વર્ષ યાદ રાખીએ અને એ એક દિવસે આવેલા કે મોકલેલા મેસેજ આખું વર્ષ મગજમાં રાખીએ તો જ આ દિવસની ઉજવણી સાર્થક ગણાય.

કવિ દલપતરામની આ રચનાને કોણ ભૂલી શકે?

હતો  હું સૂતો પારણે પુત્ર નાનો,

રડુ છેક તો રાખતું કોણ છાનો.

મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું,

મહા હેતવાળી દયાળી જ મા તું.

મા એ  દરેક બાળકને ઈશ્વરનું વરદાન છે અને એ વરદાન જેને જેમને બહુ જ અલ્પ સમય માટે મળે છે એમને આજીવન પોતે ગરીબ હોવાનો અહેસાસ રહે છે અને એવા સમયે મા માટે બાળક કંઈક આવું કહે…

મમતાનું ઝરણું ખોવાયું કોઈ મને દો ગોતી રે..!

ડૂબતાનું તરણું ખોવાયું કોઈ મને દો ગોતી રે.!!

ઘરનું ચાંદરણું ખોવાયું કોઈ મને દો  ગોતી રે..!

મારું એ શરણું ખોવાયું કોઈ મને દો ગોતી રે..!!

દરેક દીકરા પોતાની માતાની છત્રછાયામાં જીવવાનો નિર્ધાર કરે એ જ  મધર્સ’ડે ની સાચી ઉજવણી છે.

મિરર ઇફેક્ટ :જે ઘર અને જે  બાળકનું જતન કરવામાં મા એ પોતાનો પરસેવો રેડયો  હોય છે એ ઘર અને એ બાળક આજીવન માતાને સાચવી સંભાળી લે ત્યારે સમજવું કે માતાનો એ પરસેવો અત્તર થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.