રેકોર્ડ ૨૦ ગ્રાન્ડ સ્લેમ વિજેતાને ૨૦ વર્ષીય સ્ટેફાનોસે પરાજય આપતા કારકિર્દીનો સૌથી મોટો વિજય
રેકોર્ડ ૨૦ ગ્રાન્ડ સ્લેમ વિજેતા રોજર ફેડરરને પ્રિ-કવાર્ટર ફાઈનલમાં પરાજય આપી કવાટર ફાઈનલમાં પ્રવેશ મેળવનાર ૨૦ વર્ષીય ગ્રીસના સ્ટાફનોસ સિસિપાસે વિશ્વભરમાં આકર્ષણ જમાવ્યું છે. રોજર આઉટ થતા ટેનિસમાં મેજર અપસેટ સર્જાયો હતો પરંતુ એક નવા સિતારાનો પણ ઉદય થયો છે. સ્ટેફાનોસે ૩ કલાક ૪૫ મિનિટ સુધી ચાલનાર મેરેથોનમાં ફેડરરને ૬-૭, ૭-૬, ૭-૫, ૭-૬ થી પરાજય આપ્યો હતો.
કવાટર ફાઈનલમાં સિસિપાસનો સામનો સ્પેનના રોબર્ટો બ્યુટિસ્ટા અગટ સામે થનાર છે. અગટે પ્રથમ રાઉન્ડમાં એન્ડી મરેને પરાજય આપ્યો હતો. સ્ટેફાનોસનો પોતાની કારકિર્દીમાં આ સૌથી મોટો વિજય હતો. રોજર ફેડરરને હરાવ્યા બાદ સિસિપાસે કહ્યું હતું કે, હું પૃથ્વીનો સૌથી ભાગ્યશાળી માણસ બની ચુકયો છું. પૂર્વ ચેમ્પિયન રોજર ઉપરાંત મારિયા શારાપોવા પણ ટુર્નામેન્ટમાંથી હારી ચુકયા છે. ૨૦ વર્ષીય સિસિપાસ નિક કિર્ગિયોસ બાદ ઓસ્ટ્રેલિયન ઓપનની કવાટર ફાઈનલમાં પ્રવેશ મેળવનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો તો બીજી તરફ આ હારને કારણે રોજર ફેડરરની ઓસ્ટ્રેલિયન ઓપનમાં સતત ૧૭ મેચ બાદ પ્રથમ પરાજય રહ્યો હતો.
રોજર ફેડરર પાસે આ મેચમાં જીત દ્વારા કેન રોસવેલ બાદ સૌથી મોટી વયે ઓસ્ટ્રેલિયન ઓપનની કવાર્ટર ફાઈનલમાં પહોંચવાની તક તે ચુકયો હતો. રોજરને હરાવ્યા બાદ સ્ટેફાનોસે કહ્યું કે, હું આ જીતને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. હું અત્યારે પૃથ્વી પરનો સૌથી ખુશ માણસ છું. મેચની શરૂઆતથી જ મારી જીત ઉપર વિશ્વાસ ધરાવતો હતો. રોજર ફેડરર દિગ્ગજ ટેનિસ ખેલાડી છે. હું છ વર્ષનો હતો ત્યારથી જ તેમના દરેક મેચો ઉપર ધ્યાન રાખતો હતો.