“આરોપી ગજુભાઈ જે અત્યાર સુધી કડક અને ટાઈટ હતા તેમને ગોધરાની જેલમાં જવાનું જણાતા જ ઢીલાઢફ થઈ ગયા !
ગરનાળા ગામે ગજુભાઈ દરબારની ડેલી બહાર ગામના તેમના સમર્થક યુવાનો અને માણસો એકઠા થઈ ગયા હતા જયદેવે અમુક પોલીસ જવાનોને અગાઉથી જ ગજુભાઈની ડેલી બહાર બજારમાં ગોઠવી દીધા હતા. ગજુભાઈના ઘેર દીકરી સાથે તેના મામા અને ભાઈ હતા.
ગજુભાઈ અને તેમના ધર્મપત્ની આક્રોશમાં હોવા ને કારણે મરમમાં વાંકુ બોલતા હોવાથી જયદેવે બીજી કોઈ ચર્ચા નહી કરીને શરદભાઈએ આપેલી દીકરીને દહેજમાં આપેલ દર-દાગીના સહિતની યાદીની ઝેરોક્ષ કોપી ગજુભાઈને આપીને કહ્યું આટલી વસ્તુઓ કરીયાવરની છે અને તે તમામ વસ્તુ સ્ત્રીધન રૂપે મુદામાલ તરીકે કબ્જે કરવાની છે. આથી ગજુભાઈ સોફા ઉપરથી એકદમ ઉભા થઈ ગયા અને બોલ્યા કે લઈ લ્યો આ સોફો પણ કરીયાવરનો છે. આથી દીકરીનામામા ભાઈ સાથે લાવેલા મજૂરો સાથે પ્રથમ મોટી મોટી ચીજ વસ્તુઓ ટ્રકમાં ચડાવવા લાગ્યા, તે પછી ઘરમાંથી નાની નાની ચીજ વસ્તુઓ ટ્રકમાં ચડાવવા લાગ્યા જેમાં રેડીયો, ટેપરેકર્ડર, ઠામ વાસણો, કપડાની બેગો, વિગેરે લગભગ કરીયાવર આવી ગયો.
પરંતુ સોનાના ત્રણેક દાગીનાઅંગે માજીએ કહ્યું કે વહુ પીયર લેતા ગયા છે. આથી ઓસરીની ધારે ઉભેલી દીકરીએ ધીમા અને કરૂણાસભર શબ્દોમાં કહ્યું ‘જી… ના બા સાહેબ હું તો પહેર્યે કપડે જ જસદણ ગઈ હતી.’ આથી માજીનો ક્રોધ પ્રજવલી ઉઠ્યો અને બોલ્યા ‘અમે ભીખારી નથી જાગીરદાર છીએ, અમે કાંઈ તાતું લઈ લઈએ કે સંતાડીએ નહી સમજી?’ દીકરી જયદેવ સામે જોઈને રડી પડી અને આર્દ ભર્યા સ્વરે બોલી ‘સાહેબ હું ખરૂ કહુ છું ખોટું નથી બોલતી’.
આથી જયદેવે માજીને કહ્યું ‘માજી પુત્ર વધુ પણ દીકરી લેખુ જ ગણાય અને દીકરીનું રખાય નહી તો સારૂ, આ ત્રણ દાગીનાથી કાંઈ આખી જીંદગી નીકળી જવાની નથી.’ પરંતુ જમાનાના ખાધેલ ટીપકલ સાસુ એવા માજી એ કહ્યું ‘આ રહ્યું ઘર, હોય તો લઈ લો’. પોલીસે પંચો સાથે રાખી દીકરીને પણ સાથે રાખી સંભવીત દાગીના રાખવાની જગ્યાઓ પટારા ના ગુપ્તખાના મજૂસ કબાટ તીજોરીના ખાના તપાસ્યા પણ આ ત્રણ દાગીના મળ્યા નહી. એ સહજ છે કે આવી નાની અને કિંમતી ચીજ વસ્તુઓ તો તેના મૂકનાર ને જ મળે! જેથી આ ત્રણ સોનાના દાગીના સીવાય તમામ કરીયાવરનું જયદેવે પંચનામુ કરી એક ગરનાળાના પંચ અને એક ટ્રકમાં બાબરાથી આવેલ વ્યકિત રૂબરૂ કરી એફઆઈઆર મુજબ આરોપી તરીકે ગજુભાઈનું પણ નામ આરોપી તરીકે હોય તેમને સાથે બાબરા લીધા. માજીએ થોડા નાટક અને કકળાટ કર્યો જેથી જયદેવે ધીમેથી મર્મમાં કહ્યું આપને પણ સાથે આવવું હોય તો તેની છૂટ છે કાગળોમાં ગોઠવણ થઈ જાય તેમ છે! આથી ચતુર માજી સાનમાં બધુ સમજી ગયા.
જયદેવે બાબરા આવી એરેસ્ટ રજીસ્ટરમાં ગજુભાઈની ધરપકડ અંગે નોંધ કરીગ જુભાઈને વધારે હેરાનગતી ન થાય તે માટે સમજાવ્યા કે જો સોનાના દાગીના રજુ થાય તો તે પાછા આપવા માટે અદાલત હીઅરીંગ કરી કોને સોંપવા તેનો હુકમ કરે છે. માટે મુદામાલ રજૂ થઈ જાય તોઆગળ પછી રીમાન્ડ વગેરેની માથાકૂટ નહી. રીમાન્ડમાં અઠવાડીયું લોકઅપમાં અને પોલીસ સાથે રહેવું સહેલું તો નથી જ. જો સોનાના દાગીના આવી જાય તો આજે જ કોર્ટમાં રજૂ કરતા જામીન હુકમ પણ થઈ જાય. પરંતુ ગમે તે કારણ હોય આટલા દાગીના પૂરતી વાત વટે ચડી હતી. આથી જયદેવે તેની પધ્ધતી મુજબ ગુન્હાનાં કેસ કાગળો, કેસ ડાયરી, રીમાન્ડના કારણો સહિતનો રીમાન્ડ રીપોર્ટ તૈયાર કરી દીધો.
દરમ્યાન ગજુભાઈના ટેકેદારોએ સ્થાનિક નેતાઓ તેમજ અન્ય શહેરો ગામોએ ટેલીફોનથી ગજુભાઈની પોલીસે ધરપકડ કરી અને રીમાન્ડની તૈયારી ચાલતી હોવાની જાણ કરતા વધારે લોકો રૂબરૂમાં બાબરા આવી પહોચ્યા. અમુક જયદેવને મળ્યા ગજુભાઈની મૂકિત જલ્દી થાયમાટે ભલામણ કરતા જયદેવે ટુંકો જવાબ આપ્યો કે બાકીનો મુદામાલ રજૂ કરો અને આ તરફ હું ગજુભાઈને કોર્ટમાં રજૂ કરી દઉ. આમને આમ મોડી રાત સુધી દોડાદોડી ચાલી.
બીજે દિવસે સવારે બાબરા ગામમાં જાણે કોઈ મોટુ સંમેલન યોજાયું હોય તેમ હાઈવે ઉપર, બજારમાં, બસ સ્ટેન્ડ, ધરમશાળા, કચેરી કંપાઉન્ડમાં ગજુભાઈને ગામે ગામથી મળવા આવેલા લોકોના ડાયરા જામ્યા હતા!આ નેતાઓ છેક પંચાળ થાનગઢ, બાબરીયા વાડ રાજુલા, સોરઠ જૂનાગઢ અને બોટાદ પાળીયાદ ગઢડા(સ્વામીના) વિસ્તારોમાંથી ઉમટી પડયા હતા બાબરાની બજારમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટો અને ચાની કેબીનોમાં ચા બનાવવા માટેના દુધ ખૂટી ગયા હતા !
આથી જયદેવે માન્યું કે ગજુભાઈ જ્ઞાતીનાં ખૂબ મોટાગજાના પ્રતિષ્ઠીત અને કદાવર નેતાતો હતા. આ ટોળા બંધ લોકો ઉમટી પડવાનું બીજુ કારણ એ પણ હોઈ શકે કે જ્ઞાતીની સામાજીક પરંપરા ઉપર આ નવા કાયદાનો પ્રથમ પ્રયોગ હતો. જે તમામ માટે ઘણી જ. આઘાતજનક બાબત હતી. આ કારણોથી આટલા બધા લોકો અને આગેવાનો એક સાથે એકઠા થયા હતા. પરંતુ હવે સમાધાનના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. બગસરા સીપીઆઈ આપાભાઈ તો ખ્યાલ હોવાથી બાબરા બાજુ ફરકયા જ નહી પરંતુ આપાભાઈનો જયદેવ ઉપર ટેલીફોન આવ્યો તેમણે કહ્યું ‘જોયુંને હું નહોતો કહેતો?’ તમામ સાચુ પડયું ને? આતો અમારી નાત ! જયદેવે કહ્યું ‘વાત સાચી પણ તેથી કાયદેસરની કાર્યવાહીને શું ફેર પડે ? જે કરવાનું હતુ તે કરવાનું જ છેને?’ આથી સંકોચમાં આપાભાઈ વધું કાંઈ બોલી શકયા નહી કે કોઈ ભલામણ પણ કરી શકયા નહી ટુંકમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં આ ગરનાળા ગજુભાઈનો મામલો ચર્ચામાં હતો.
બીજી બાજુ જસદણથી દીકરીના પીતા શરદભાઈનો ફોન જયદેવ ઉપર આવ્યો કે ‘સાહેબ વાવડ મળે છે કે બાબરા ખાતે મોટુ કમઠાણ થયું છે મને હવે સંકોચ થાય છે કે તમને ધર્મસંકટમાં મૂકયા તો હવે જે થયું તે પરંતુ અમારા હિસાબે તમને મુશ્કેલી પડે તેવું કરતા નહી. આપ સાહેબ જે જોખમ લઈને અનેક રાજકીય ખાતાકીય દબાણો છતા અમારા માટે જે કાર્ય કર્યું છે તે બદલ હું જીંદગીભર તમારો ઋણી રહીશ. આવા સંજોગોમાં તો સગોભાઈ પણ પડખે ન રહે, તમે સાચા અર્થમાં મીત્રાચારી નીભાવી જાણી. જયદેવે શરદભાઈને કહ્યુંં ‘તમે ચિંતા ન કરો હવે તમારે કે મારે કાંઈ કરવાનું નથી. કાયદો જ કાયદાની કાર્યવાહી પૂરી કરશે. હું તો ફકત સાધન કે બહાના રૂપ છું. સામાવાળા માટે તો હવે કાં મુદામાલ સોનાના દાગીના રજૂ કરે અથવા રીમાન્ડ માટે તૈયાર રહે.
જ્ઞાતીના અમુક આગેવાનોએ કહ્યું કે દાગીના છે છતા રજૂ કરવા નથી દાગીનાનો સવાલ જ રહેતો નથી. તે હવે પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન છે હવે તો કોર્ટમાં જ લડી લેવાનું છે. જયદેવે સાત દિવસની રીમાન્ડ માટેનો રીપોર્ટ તૈયાર કર્યો હતો. બચાવ પક્ષે અમરેલીથી વિદ્વાન વકીલ શ્રી પંડયા ખાસ બાબરા કોર્ટમાં ગજુભાઈના બચાવ માટે આવ્યા હતા. જયદેવ અને પંડયા અગાઉ કેટલાક કેસોમાં સામસામે રહેલા તેથી એક બીજાને ઓળખતા હતા. કોર્ટ પરીસરમાં બંને જોગાનું જોગ મળતા હળવા હાસ્ય સાથે કેમ છો કેમ નહીની વાત કરતા હાથ મેળવી ઉભા રહ્યા આથી પંડયા એ પુછી લીધુ કે ફકત ફોર્માલીટી છે કે રીમાન્ડ લેવાની જ છે? જયદેવે કહ્યું રીમાન્ડ લેવી જ છે તે માટે મેરીટ ઉપર દલીલ પણ કરવાની છે.
ગજુભાઈને અદાલતમાં રજૂ કરીને જયદેવે નામદાર અદાલતને પ્રોસીકયુશનફેવરના રીમાન્ડ માટેના કારણો તથા નામદાર હાઈકોર્ટ, સુપ્રિમ કોર્ટના રૂલીંગો રજૂ કરી રીમાન્ડએ તપાસ કરનાર અધિકારીનો કાયદેસરનો હકક હોવાનો તથા સુપ્રિમ કોર્ટના લેટેસ્ટ સ્ત્રીધન અંગેના ચૂકાદાનો સંદર્ભ આપી બાકી ના કિંમતી મુદામાલ અને બાકીના આરોપી વિગેરે મુદાઓ રજૂ કરી આગ્રહ ભરી વિનંતી કરી ન્યાયના હિતમાં લાંબી રીમાન્ડ આપવાની માંગણી કરી.
બચાવ પક્ષના વિદ્વાન વકીલે દલીલ કરીકે ફરિયાદીની હાજરીમાં જ ઘરમાં જે મુદામાલ હતો તે કબ્જે થઈ ગયેલ છે બીજા આરોપીનું નામ સરનામું છે આ આરોપી ચોવીસ કલાકથી પોલીસ કસ્ટડીમાં છે જે પૂછપરછ કરવાની હોય તે થઈ ગયેલ છે વિગેરે રજૂઆતો કરી. પરંતુ અદાલતે ગજુભાઈના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા આરોપી પક્ષે ધારણાથી વિરૂધ્ધનો હુકમ થતા અદાલતમાં તથા અદાલત બહાર એકઠા થયેલા તેમના ટેકેદારો લોકોમાં સન્નાટો છવાઈ ગયો.
હવે તપાસમાં બાકીનો મુદામાલ ઉપરાંત અન્ય આરોપી એવો ગજુભાઈનો પુત્ર જે વડોદરા નોકરી કરતો હતો ત્યાં જવાનું હતુ. બાકીના મુદામાલ સોનાના દાગીના માટે ફરી એક વખત ગરનાળા ગામે આંટો માર્યો; ગજુભાઈને ખોટી હઠ છોડી મુદામાલ રજૂ કરી તાત્કાલીક છૂટકારો મેળવવા જયદેવે સમજાવ્યા, પરંતુ ગમે તે કારણ હોય ગજુભાઈ હજુ એવા જ કડક, ટાઈટ અને મકકમ હતા તેથી બોલ્યા કે ‘વેવાઈને જે હવા હોય તે ભલે કાઢી લે ને?’આમ મુદામાલ તો ન મળ્યો.
બીજે દિવસે જયદેવ સરકારી જીપ લઈ તેમાં આરોપી ગજુભાઈ તથા બીજા ત્રણ કોન્સ્ટેબલોને લઈને વડોદરા પહોચ્યો. આરોપી ગજુભાઈનો આરોપી પુત્ર જે શરદભાઈ જમાઈ હતો તેની પહોચ પણ સારી એવી હતી. એક સુવિખ્યાત પોલીસ ઈન્સ્પેકટર કે જેમનું જામનગર, પોરબંદરમાં મોટુ નામ હતુ તેમજ વડોદરામાં જે ગેંગસ્ટર રાજુ રીસાલદારનું બંને હાથે હાથકડી બાંધેલી છતા એન્કાઉન્ટર કરવું પડેલ તે વિવાદાસ્પદ ગુન્હાની તપાસ આ કાબેલ બુધ્ધીશાળી અને ઝાંબાઝ ઈન્સ્પકટરે કરેલી ! જે જયદેવના પણ સુપરિચિત હતા અને હજુ વડોદરામાં જ તેમની નિમણુંક હતી તેઓ જયદેવને મળ્યા. આમ તેમ જૂની વાતો કરી પછી તેમણે જયદેવને કહ્યું કે જૂઓને આ તમારી બાબરાની બાબત કેવી સામાન્ય છે.
તેમાં કેવું મોટુ પ્રકરણ થઈ ગયું નહીં? જયદેવે કહ્યું સંબંધોના સમીકરણો આડાઅવળા વમળો સર્જતા હોય છે. જયદેવે કહ્યું જે સંબંધ અને કારણ તમે અહી મને મળવા આવ્યા તેવા સંબંધોથી અને કારણોથી મેં આ આખું પ્રકરણ ખોલ્યું છે! ભોગ બનનાર દિકરીના પિતા મારા જૂના મિત્ર હતા વળી કાયદેસરની વાત હોય પછી કહેવાનું જ શું હોય? આથી તેમણે કહ્યું ખરીવાત છે પણ ગજુભાઈનો દીકરો લાયક અને સજજન વ્યકિત છે. દરમ્યાન કમાટીબાગ પ્રાણી સંગ્રહાલય (ઝૂ) સુપ્રિન્ટેડેન્ટ પણ આવી ગયા અને તેમણે પણ ભલામણ કરી અને વધુમાં સમાચાર આપ્યા કે ગજુભાઈની ધરપકડના સમાચાર મળ્યા એટલે તેમનો દીકરો પણ રજા મૂકીને વતન તરફ ગયો છે.
આમને આમ તપાસ કરતા સાંજ પડી ગઈ. જયદેવને બીજે દિવસે ગોધરા રેલવે કોર્ટમાં મુદત હતી અને તેજ દિવસે ગજુભાઈની રીમાન્ડ પૂરી થતી હતી જયદેવ વડોદરાથી ગોધરા રવાના થયો અને રસ્તામાં પાવાગઢ ખાતે ગુજરાત ટુરીઝમના ગેસ્ટ હાઉસમાં રાત્રી મુકામ કર્યો. રાયટર કોન્સ્ટેબલ અરૂણે ચિંતા વ્યકત કરી કે ગોધરા કોર્ટ પૂરી કરીને સાંજ સુધીમાં બાબરા નહી પહોચી શકાય, આરોપીને કોર્ટમાં કઈ રીતે રજૂ કરીશું? બંને કઈ રીતે ભેગુ થશે? જયદેવે કહ્યું તું તારે જોયે રાખને? ગજુભાઈને કાલે ગોધરા કોર્ટમાં જ રજૂ કરી દઈશુ.
આ વાતની ગજુભાઈને ખબર પડતા તેમને થયું કે ગોધરા કોર્ટમાં રજૂ કરે તો હવે ગોધરાની જેલમાં જવું પડે ! તેમને અનેક શંકા કુશંકાઓ થવા લાગી આથી જે ગજુભાઈ અત્યાર સુધી કડક, ટાઈટ અને મકકમ હતા તેઓ એકદમ ઢીલાઢફ થઈ ગયા અને અરૂણને કહ્યું સાહેબને કહો તેઓ ભલે બે પાંચ દિવસની વધારે રીમાન્ડ લે પણ અહિં ગોધરા જેલમાં તો ન જ મૂકે તેવી વિનંતી કરો.
બીજે દિવસે સવારે જયદેવે ગોધરા રેલવે સ્ટેશન ઉપરની રેલવે કોર્ટની સાહેદી માટેની તૈયારી કરી અને ગજુભાઈને રેલવે કોર્ટમાં રજૂ કરવાનો પ્રોડકશન રીપોર્ટ તૈયાર કર્યો અને સાથે સાથે વધુ રીમાન્ડ અથવા ટ્રાન્ઝીટ રીમાન્ડ મંજૂર કરવા માટે પણ રીપોર્ટ કર્યો. રેલવે અદાલતે ચોવીસ કલાકના ટ્રાન્ઝીટ રીમાન્ડ મંજૂર કર્યા સાથે જયદેવે જે રેલવે અદાલતમાં જે સાહેદી આપવાની હતી તે પણ આપી દીધી.
ત્યારબાદ જયદેવે મિત્ર પરીચીતોને મળી ડાકોર નડીયાદ, બગોદરા, ધંધૂકા જઈ બાબરા જવા રવાના થયો.
આ બાજુ બાબરા અને અમરેલી ખાતે રીમાન્ડ સમય પૂરો થયો ઉપરાંત ચોવીસ કલાક જેટલો સમય થવા છતા ગજુભાઈને અદાલતમાં રજૂ નહી કરતા ચકચાર મચી ગઈ હતી. આથી એકઠા થયેલા ડાયરાઓમાં ચર્ચા થયા લાગી હતી કે હવે ફોજદાર જયદેવને ખબર પડશે કે કાયદેસર શું કહેવાય?
તે દિવસે બાબરા મેજીસ્ટ્રેટ રજા ઉપર હોય બાબરાનો ચાર્જ અમરેલી કોર્ટમાં હતો. આથી હવે તમામ મામલો અમરેલી સ્થળાંતર થયો હતો. બચાવ પક્ષના વકિલ ઉપર આરોપી પક્ષનું દબાણ ચાલુ થઈ ગયું હતુ કે પોલીસ વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી ચાલુ કરો. પરંતુ હાલના અમરેલીના સરકારી વકીલ જયદેવ પોરબંદર હતો ત્યારે ત્યાં સાથે હતા અને બંને જણા અનેક કાયદાકીય આંટી ઘૂંટીમાં સાથે હતા. આથી તેઓ જયદેવને બરાબર ઓળખતા હતા. આ સરકારી વકીલે જ આરોપી પક્ષના વિદ્વાન વકિલ પંડયા સાહબેને કહ્યું કે સાંજ સુધી રાહ જુઓ નહી તો સાંજે પોલીસ વિરૂધ્ધ જે કાર્યવાહી કરવી હોય તે કરજો. વળી વધારામાં કહ્યું કે આ ફોજદાર જયદેવ નકકી કાંઈક ‘નવી રોન’ કાઢીને જ આવશે!
અને થયું પણ તેમજ; જયદેવે અમરેલી આવી ગજુભાઈને ટ્રાન્ઝીટ વોરંટ સાથે અદાલતમાં રજૂ કર્યા અને અદાલતે તેમને કસ્ટડીમાં લઈ અમરેલી મધ્યસ્થ જેલમાં મોક્લી આપ્યા જયદેવ બાબરા જવા રવાના થયો.
રસ્તામાં જયદેવ વિચારતો હતો કે એક કાયદેસરની સામાન્ય બાબતમાં કેવી કાયદાકીય લાંબી લડત? વ્યકિતગત, સામાજીક અને સંબંધોના કેવા કેવા વમળો સર્જાયા ! પતિ પત્ની સાસુ વહુ સસરા-વહુ વેવાઈ વેવાઈ, મોસાળીયા, કાઠીયાવાડના જ્ઞાતીના આગેવાનો છેક વડોદરા ઝું સુપ્રિન્ટેડેન્ટ અને ત્યાંના પોલીસ ઈન્સ્પેકટર એક ફોજદાર અને સહાધ્યાયી મીનીસ્ટર વચ્ચે ફરિયાદી આરોપી અને સીપીઆઈ આપાભાઈ એક જ જ્ઞાતીના બે મિત્રો ખાનગી અને સરકારી વકીલ વચ્ચે સંબંધ વ્યવહારની ભરતી અને ઓટની માયા જાળ ચાલતી જ રહી !
જસદણ વાળા મિત્ર શરદભાઈની દીકરી માટે ફોજદાર જયદેવે આ કરેલ કાયદેસરની કાર્યવાહીની ફલશ્રુતીનો વરવો કે કડવો અનુભવ તો પોલીસ વડા દ્વારા મીનીસ્ટરની ચીઠ્ઠી ભલામણ હોવા છતા આરોપીની ધરપકડ કરતા અમરેલીના રાજકારણીઓ નારાજ થવાને કારણે ભવિષ્યે એક પાઠ (સબક)રૂપે મળવાનો હતો!