તોફાન કરવાનું કારણ સામાન્ય પણ અજીબ હતું; મેટ્રીકના વિર્દ્યાીઓને પોલીસ સ્ટેશનવાળા બિલ્ડીંગમાં બેસાડવાનું !
વરતેજ હાઈસ્કુલનું મકાન જુના ભાવનગર રાજકોટ રોડ ઉપર રેલવે સ્ટેશન તરફ ઘાંચીવાડામાં આવેલું હતુ. હાઈસ્કુલની પૂર્વે ગ્રામ પંચાયતનું નવુ ધમધમતું કાર્યાલય આવેલું હતુ ઉતરે આ જુનો રોડ મુકી ને ભાવનગર તાલુકાનું વરતેજ પોલીસ સ્ટેશનનું રાજાશાહી વખતનું વખંભર અને ખખડધજ દેશી નળીયાવાળુ જુનવાણી મકાન કે ડેલો હતો. પશ્ર્ચિમે વરતેજ સોપ ફેકટરી અને દક્ષિણે બે ત્રણ મકાન મૂકીને માળનાથના ડુંગરોમાંથી નીકળી ભીકડા, શેઢાવદર, ફરીયાદકા થઈ આવતી માલેશ્રી નદી કાટખૂણે વળાંક લઈ પશ્ર્ચિમ તરફ જતી હતી. હાઈસ્કુલનું મુખ્ય બિલ્ડીંગ બે માળનું નવુ પાકા સ્લેબ વાળુનું આધુનિક સુવિધાવાળુ હતુ. પરંતુ સ્કુલનું કાર્યાલય અને એક વર્ગ ખંડ રોડના સામે છેડે આવેલા પોલીસ સ્ટેશન વાળા બિલ્ડીંગમાં હતા. જોકે સ્કુલના દરવાજા બારોબાર રોડ ઉપર પડતા હતા અને પોલીસ સ્ટેશનનો વિશાળ ગઢ જેવો ડેલો અલગ જ ગ્રામ પંચાયત તરફ હતો. પરંતુ પોલીસ સ્ટેશનમાં જયારે કોઈ બીજા ગામડાઓમાંથી અસામાજીક તત્વો કે ગુનેગારોને લાવી તેમની આગતા સ્વાગતા થતી સાથે સાથે પોલીસ મંત્રોચ્ચાર પણ થતો અને તે બઘડાસટીનો લ્હાવો વિદ્યાર્થીઓને પણ મળતો.
પરંતુ હાઈસ્કુલમાં આ ચાર વર્ષમાં ચોથા આવેલા મુત્સદી આચાર્યએ પોતાના વ્યુહાત્મક કાર્યક્રમ મુજબ સ્કુલના તોફાની વિદ્યાર્થીઓનાં ગળામાં ગાળીયો નાખવા માટે પોલીસ સ્ટેશન સાથે મીઠા સંબંધ કેળવવાનાં ચાલુ કરી દીધા પરંતુ તોફાની વિદ્યાર્થીઓ આ કોઈને ગાંઠે તેમ ન હતા તે આચાર્યને ખબર નહતી. ગ્રામ પંચાયત તો બાજુમાં જ હતી તેથી પદાધીકારીઓ સાથે ઘરોબો કેળવ્યા પછી આચાર્યએ એક પછી એક વર્ગમાં રોલો પાડી રોફ છાંટવાની શરૂઆત કરી. પરંતુ જે વિદ્યાર્થીઓ તોફાની હતા તેતો બનેલા તોફાની જ હતા. તેઓ ડરવાની તો ઠીક સામે ડરાવવાની ફીરાકમાં હતા. પરંતુ આચાર્ય જો કોઈ નબળો વિદ્યાર્થી વાંકમાં આવે કે ભૂલમાં કાંઈ મશ્કરી કરતા પકડાઈ જાય તો તેને પોતાની આગવી અને ઉદાહરણીય અવળવાણીથી તેને ઉતારી પાડી તેનું હળાહળ અપમાન કરી નાખતા. આમ સ્કુલમાં આ ચર્ચાનો મુદો બન્યો હતો. આથી સ્કુલના જુના ચતુર અને આદર્શવાદી શિક્ષકે આચાર્યને કહ્યું કે ‘તમે સીધા સાદા અને નબળા વિદ્યાર્થીઓને વધારે પડતા અપમાનીત કરો છો. ખરેખર તોફાની વિર્દ્યાીને જો ભૂલે ચૂકે કહેવાઈ ગયું તો વળતો પ્રહાર અપમાનીત નો જ હશે મારી તમને સલાહ એવી છે કે જે અગીયારમું ધોરણ છે. તેમાં જ મોટાભાગના માથા ફરેલા તોફાનીઓ છે. વળી આ તેમનું મેટ્રીકનું છેલ્લુ વર્ષ છે. નવમાસીક પરીક્ષા પછી તો વાંચવાની રજા પડી જવાની છે. તો સાત આઠ મહિના જાળવી જાવ પછી કોઈ વાંધો નથી.’ આથી આચાર્યએ આ જયદેવવાળો અગીયારમાં ધોરણ વાળો વર્ગ કે જુની એસ.એસ.સી. કે મેટ્રીક કહેવાતુ તેમાં રોલા નાખવાનું ઓછું કર્યું અને આ વર્ગને કયારેક ખાસ પ્રવાસમાં મોકલી ને કે ખાસ કોઈ પ્રસંગની ઉજવણી પ્રદર્શન વિગેરેમાં જોતરી રાખીને મને કમને આ તોફાની વિદ્યાર્થીઓની નાદાનીયત ભરી જો હુકમી ગબડાવ્યે જતા હતા. એમ વિચારીને કે આ વર્ગ જાય પછી પાછળ તો બીજા કોઈ વર્ગમાં વાંધો નથી.
આમ થતા થતા નવ માસિક પરીક્ષાને એક મહિનાની વાર હતી અને આચાર્યને શું મતિ સુજી કે તેમણે આ મેટ્રીકનો કલાસ રૂમ જે નવા બિલ્ડીંગમાં બીજા માળે હતો તે ફેરવીને પોતાના કાર્યાલય પાસે પોલીસ સ્ટેશન વાળા જુના ખખડધજ બિલ્ડીંગમાં ફેરવ્યો અને વાત અહીથી બગડી. આ મેટ્રીકના કલાસમાં તેંત્રીસ વિદ્યાર્થીઓમાંથી તેર વિદ્યાર્થીઓતો માથા ફરેલા હતા. તેમણે આચાર્યને કહ્યું કે અમે હવે સ્કુલના એકાદ મહિના માટે જ મહેમાન છીએ રૂમ ફેરવવાનું રહેવા દો. પરંતુ આચાર્યમાંથી પ્રિન્સીપાલ બની ગયેલા સાહેબે જીદ કરી કે નહિ ચાલે તમારે તે પોલીસ સ્ટેશન વાળાબિલ્ડીંગમાં જ બેસવાનું છે. આથી તોફાની વિદ્યાર્થીઓ ઘા ખાઈ ગયા અને થયું કે માળાએ છેલ્લે છલ્લે ઘા કર્યો ખરો પરંતુ વિદ્યાર્થીઓ નમતુ જોખવાના મુડમાં જ નહતા અને ‘વાત દોઢે ચડી’ આ ગજગ્રાહ થતા આ પ્રશ્ર્નનું નિરાકરણ કરવા માટે જૂના શિક્ષકોએ પ્રિન્સિપાલ ને સમજાવ્યા કે હવે આ વિદ્યાર્થીઓ એક મનિના જ મહેમાન છે. બાકી આ વિદ્યાર્થીઓ પણ જીદી ના સરદાર છે. લીધી વાત મૂકશે નહિ. પરંતુ પ્રિન્સિપાલે હઠાગ્રહ કરીને કહ્યું આ તેમનું મેટ્રીકનું વર્ષ છે હવે બોર્ડના ફોર્મ ભરવાનો સમય પણ આવી ગયો છે. આ તોફાનીઓ હવે કયાં જવાના છે? પરંતુ પેલા આદર્શવાદી શિક્ષકે પ્રિન્સીપાલને કહ્યું ગમે તેમ તોય બાળકો છે. જવાદોને અને વાત પડતી મૂકો’ પરંતુ પ્રિન્સીપાલ ને તો રોલો જ પાડવો હતો કે દાખલો બેસાડવો હતો તો બીજી તરફ વિદ્યાર્થીઓ હડતાળ પાડવા ઉપર આવી ગયા.
તોફીની વિદ્યાર્થી નેતા પદુભાએ જયદેવને પૂછયું ‘બાકીના તો હડતાળ ઉપર જશે જ તમારૂ શું છે?’ જયદેવ માટે એક બાજુ પોતાની કારકીર્દી અને બીજી બાજુ આ વિદ્યાર્થી સમુહ બંને વચ્ચે તે મુંઝાયો આથી તેણે કહ્યું હું હાલ તો કોઈ નિર્ણય જણાવતો નથી વિચારૂ છું પરંતુ તમે તમારી રીતે સ્વતંત્ર છો.
આથી તોફાનીઓ ઉભા થયા અને લખવાની બેંચ ઉપર ચડીને જે આ જુના પોલીસ સ્ટેશન બિલ્ડીંગ રૂમમાં બેઠા હતા તેના છાપરાનાં વાંસના ખપાટીયા ખેંચી બેચાર દેશી ગોળ નળીયા ઉતારી લીધા. હવે વર્ગમાંથી સ્પષ્ટ રીતે આકાશ દર્શન થતુ હતુ એક નળીયા ઉપર લખવાનાં ચોકથી ચિત્રામણ કરી ટેબલ ઉપર મૂકયું અને બ્લેક બોર્ડ ઉપર એક માણસના ચહેરાનું કાર્ટુન બનાવ્યું અને નિકળી ગયા રૂમની બહાર ત્યાં તો પેલા આદર્શવાદી શિક્ષક દોડી આવ્યા અને તમામને સમજાવવા લાગ્યા કે તમે આ શું કરી રહ્યા છો? તોફાની વિદ્યાર્થીઓએ કહ્યું ન્યાય માટે સત્યાગ્રહ ! પરંતુ તે દરમ્યાન રૂમમાં રહેલ જયદેવે બ્લેક બોર્ડ ઉપર જે કાર્ટુન બનાવ્યું હતુ તેની નીચે લખી નાખ્યું “અશિતય ફૂફસય ફક્ષમ મજ્ઞ ક્ષજ્ઞિં તજ્ઞિંથા શિંહહ વિંય લજ્ઞફહ શત યિફભવયમ પેલા આદર્શવાદી શિક્ષક તે દરમ્યાન તોફાની વિદ્યાર્થીઓને થોડીવાર સમજાવવા પૂરતા વર્ગ ખંડમાં લઈ આવ્યા વર્ગ ખંડની હાલત જોઈને તેઓ આભા બની ગયા છતા તેમણે વિદ્યાર્થીઓ સાથે સમજાવટથી કામ લીધું અને કહ્યું કે જુઓ આ તમારૂ મેટ્રીકનું જીંદગીનું અગત્યનું વર્ષ છે. કાંઈક સમજો આથી વિદ્યાર્થી નેતા પદુભાએ કહ્યું કે આ હેડ માસ્ટરની આડોડાઈ છે. હવે એક મહિના માટે આ જેલની કોટડીમાં ઈરાદા પૂર્વક બદલ્યા છે. અમે હવે એક મહિના માટે તો આ કોટડીમાં નહિ જ બેસીએ ભલે જે થવું હોય તે થાય! આથી આ આદર્શ વાદી શિક્ષકે જયદેવને કહ્યું ભાઈ તારા માટે તો આ વર્ષ અમુલ્ય છે. બાકીનાંઓએ તો એમએ બીએફની ડીગ્રીનું નકકી કરી લીધું છે. તે સમયે સ્કુલમાં મજાકાં આ એમએ બીએફની ડીગ્રી એટલે કે ‘મેટ્રીક અપીઅર બટ ફેઈલ’ એમ કહેવાતું બાકીના વિદ્યાર્થીઓ પણ જયદેવ શું જવાબ આપે છે. તે સાંભળવા આતુર હતા. પરંતુ જયદેવે કાંઈ બોલ્યા સિવાય બ્લેક બોર્ડ ઉપર આ લખેલ સુત્ર તરફ આંગળી ચિંધી. સ્વામી વિવેકાનંદજીનું સુત્ર આ આદર્શવાદી શિક્ષક કલાસમાં હાલતા ચાલતા વારંવાર વિદ્યાર્થીઓને સંભળાવતા તે જ સુત્ર બોર્ડ ઉપર લખેલું જોઈને તેઓ વિચારમાં પડી ગયા. તેઓ જયદેવનો કહેવાનો દ્વિઅર્થી આશય સમજી ગયા કે જેને જે મેળવવું છે તે મેળવીને જ રહે છે. આથી તેઓ તેમનો પીરીયડ લેવા જેવા બીજા વર્ગમાં ગયા સાથે જ તમામ વિદ્યાર્થીઓ પણ બહાર નીકળી ગયા. આ મેટ્રીકના વર્ગમાં સાત વિદ્યાર્થીની બહેનો પણ હતી. તેમણે પૂછયું કે હવે અમારે આગળ શું કરવાનું? પદુભા એ કહ્યું આ આંદોલનતો પેલા નવા બિલ્ડીંગમાં રૂમ મળે ત્યાં સુધી ચાલુ રહેવાનું છે. હડતાળ જ રહેશે. તમારે દરરોજ સવારે અગીયાર વાગ્યે અહીં સ્કુલ તરફ આંટો મારીને પ્રગતિ જાણીને ઘેર જતુ રહેવાનું બાકી અમે લડી લઈશું. આમ મેટ્રીકની પરીક્ષાઉપર કપરા સમયે જ યુધ્ધનું મંડાણ થયું. જયદેવ પણ અગીયાર વાગ્યે સ્કુલ ઉપર એક આંટો મારી ને પાછો ઘેર જઈ પોતાની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવામાં લાગી જતો. હેડ માસ્ટરે તો હઠ પકડી હતીકે આ મેટ્રીકનું વર્ષ છે વિદ્યાર્થીઓ કયાં જવાના છે? આમ ને આમ આ એક વર્ગ પૂરતી ત્રણ ચાર દિવસ હડતાલ ચાલુ રહી.
તોફાની હડતાળીયા ટોળકી અગીયાર વાગ્યે સ્કુલ ઉપર એક આંટો મારી પછી માલેશ્રી નદીનાં સામા કાંઠે પંચમુખી મહાદેવ મંદિરનાં આંબાના વનમાં ટોળુ વળી ડાયરો કરી ટોળ ટપ્પા મારતા અને આગળ શું કરવું તે પણ નકકી કરતા કોઈ વળી આક્રમક થઈને કહેતું કે હેડ માસ્ટરે હજુ વરતેજ નો પ્રસાદ ચાખ્યો નથી ચખાડવાની જરૂરત છે. પણ તેમાં ના ડાહ્યા વિદ્યાર્થીઓ તેને સમજાવતા કે રાહ જુઓ આ હડતાલમાં હેડ માસ્ટરની પણ જવાબદારી થાય. આ ટોળકી નાસ્તા પાણી કરતી અને તેમાં મોરલી જેવા વિદ્યાર્થીઓ મજાક મસ્તી કરી આનંદ કરાવતા હતા.
આ બાજુ હેડ માસ્ટરે ફોજદાર કરપડાનો સંપર્ક કરી વિદ્યાર્થીઓને ધમકાવી દબાવી હડતાલ સમેટવા મદદ કરવા કહ્યું ફોજદાર કરપડાએ બે જમાદારો રમજુભા અને વાળાને આ વિદ્યાર્થીઓને દમદાટી કરવા આંબાના વનમાં મોકલ્યા. પરંતુ આ વિદ્યાર્થીઓ પણ દોઢ ફોજદાર જ હતા. તેમણે વાતો બનાવી ને બંને જમાદારો ને જ સમજાવી પટાવી પાછા મોકલી દીધા. હવે ગામ આખામાં આ હડતાળની ચર્ચા થતી હતી પરંતુ તે વિદ્યાર્થીઓ તરફેની જ થતી હતી.
વરતેજ ગ્રામ પંચાયતના સરપંચ કે જેમને હાઈવે ઉપર કેમીકલ ફેકટરી હતી તેમણે રજા ઉપર ઉતરીને સરપંચનો ચાર્જ ઉપ સરપંચને સોંપી દીધો. આ બાજુ જયદેવ પણ ચિંતાગ્રસ્ત હતોકે કયાંક હાજરી અભાવે બોર્ડમાં પ્રવેશ ફોર્મ રદ ન થાય આવી તેણે તેના મોટાભાઈ કે જેઓ ભાવનગર જીલ્લા સંઘમાં નોકરી કરતા હતા તેમને કહ્યું કે, ભાવનગરની કોઈપણ સ્કુલમાં એડમીશન મળે તો તપાસ કરજો. તે દરમ્યાન આ મેટ્રીકના તમામ વિદ્યાર્થીઓ ભાવનગરની ગમે તે સ્કુલમાં પ્રવેશ લેવા તૈયાર થઈ ગયા. આ વાતની હેડ માસ્ટરને ખબર પડી અને તેને પેટમાં તેલ રેડાયું કે તોતો વરતેજ હાઈસ્કુલની મેટ્રીકની મંજુરી જ બોર્ડમાંથી રદ થઈ જાય. આ બાજુ ભાવનગરની ધી ન્યુ, પ્રકાશ વિગેરે સ્કુલોમાં દસ દસ વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની તૈયારી થયાનું જાણતા જ હેડ માસ્ટરે ઉપસરપંચનો સંપર્ક કરી હડતાલનો વાવટો સંકેલવા આજીજી કરી.
જોગાનુજોગ ઉપસરપંચના દિકરી પણ આ મેટ્રીકના જ વિદ્યાર્થી હતા. આથી સમાધાન માટે કહેણ આવ્યું કે બીજે દિવસે અગીયાર વાગ્યે ભેગા થવાનું છે આથી આ હડતાળીયા વિદ્યાર્થીઓ અગીયાર વાગ્યે સ્કુલમાં આવીને નવા બિલ્ડીંગ વાળા રૂમમાંજ બેસી ગયા. ઉપ સરપંચ ને હેડ માસ્ટરે કાંઈક ચઢાવ્યા હશે તે રમ રમ કરતા ગરમી ખાઈને રૂમમાં આવ્યા વર્ગમાં પીન ડ્રોપ સાયલન્સ હતુ. ઉપ સરપંચએ કહ્યું તમારા બધાની હાજરી પુરી લેવામાં આવશે. પણ તમારે જુના બિલ્ડીંગમાં જ બેસવાનું છે. તમારે શું કહેવાનું છે? બે ત્રણ વખત પુછયું પણ કોઈ કાંઈ નહિ બોલતા ઉપસરપંચએ તેમના દિકરી ને જ પુછયું તારે શું કહેવાનું છે? દિકરી ઉભા થયા પણ કાંઈ બોલ્યા નહિ. આથી ઉપસરપંચ બરાબર લાલધૂમ ગરમ થયા અને પગ પછાડતા પછાડતા ચાલ્યા ગયા. આથી તો મામલો વધુ ગરમાયો અને દોઢે ચડયો,વિદ્યાર્થીઓએ એકાદ કલાક વર્ગમાં બેસીને રાહ જોઈ કે કોઈ શિક્ષક ભણાવવા આવે છે કે નહિ, પરંતુ કોઈ નહિ આવતા વિદ્યાર્થીઓએ હાઈસ્કુલના કલાર્ક પાસે સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ માગ્યા. આ વાત સાંભળીને હેડ માસ્ટરના હાજા ગગડી ગયા અને સરપંચ પાસે કેમીકલ વકર્સ તરફ દોટ મૂકી અને સરપંચને વિનંતી કરી કે ગમે તેમ કરીને આ હડતાલ સમેટાવો ફરીથી વિદ્યાર્થીઓને પટ્ટાવાળા ઉસ્માનભાઈ ગોગદા મારફત બીજા દિવસે અગીયાર વાગ્યે સ્કુલમાં આવવાનું સરપંચનું કહેણ મળ્યું કે જે મુશ્કેલીઓ હોય તેની રજુઆત માટે વાલીઓને સાથે લાવીને કરવાની છે. આથી વિદ્યાર્થી નેતા પદુભાએ જયદેવનો સંપર્ક કરી ને કહ્યું કે કાકા હવે લાજ તમારા હાથમાં છે. જયદેવે કહ્યુંઆપણે બધા સાથે જ છીએને? પરંતુ આપણે વાલીઓમાં તો બે ચાર ને જ બોલાવીશુ જે આપણી વાતને સમર્થન આપે. આથી નકકી થયુંકે એકતો જયદેવના મોટાભાઈ તો હતા જ અને બીજા એક રઘુભાઈ હતા. જેઓ વાલી ઉપરાંત અગ્રણી પણ હતા. તેમને સાથે લેવાનું નકકી થયું. વિદ્યાર્થીના પ્રશ્ર્નોમાં તો આજુનો કે નવો રૂમ અભ્યાસ કરવા વાળા માટે મહત્વનો ન હતો. પણ અભ્યાસ મહત્વનો હતો ને જયદેવ જાણતો હતો આથી જયદેવે કહ્યું આપણા કલાસના બે સીધા સાદા વિદ્યાર્થીઓ પ્રવિણ અને મનજી સાથે હેડ માસ્ટરે અગાઉ વાણી વિલાસ કરેલા તેથી કાલે રજુઆતમાં તેમની પુરાવા તરીકે જરૂર પડશે જોકે બંને હાજર જ હતા.
બીજે દિવસે વિજ્ઞાનરૂમમાં સરપંચે મીટીંગનું આયોજન કરેલુ જેમાં અગીયાર વાગ્યે જ સરપંચ,ઉપસરપંચ અન્ય શિક્ષકો તથા વિલે મોઢે હેડ માસ્ટર પણ હાજર હતા. વિદ્યાર્થીઓ તરફે રજુઆત કરવાનો કળશ જયદેવ ઉપર જ ઢોળાયેલો હતો. જયદેવ તેના વાલી મોટાભાઈ તથા રઘુભાઈ સાથે વિજ્ઞાન રૂમમાં ગયો. સરપંચે પુછયું કે ખરેખર પ્રશ્ર્ન શું છે? જયદેવે કહ્યું પ્રશ્ર્નોતો ઘણા છે. પણ છેલ્લો પ્રશ્ર્ન જે પોલીસ સ્ટેશન વાળા બિલ્ડીંગમાં રૂમ આપ્યો તે છે કેમકે ઘણી વખત પોલીસ સ્ટેશનમાંથી બુમબરાડા અને રાડો પાડવાના અવાજો આવે તો વિક્ષેપ પડે પણ વિદ્યાર્થીઓને હેડ માસ્ટરના જોહુકમી ભર્યા એક તરફી હઠાગ્રહ અને વર્તુણુકનો પણ મોટો પ્રશ્ર્ન છે. સરપંચે પુછયું તે શું પ્રશ્ર્નો છે? જયદેવે કહ્યું અમારા વર્ગનો એક હોંશિયાર વિદ્યાર્થી પ્રવિણ છે. જેણે એક વખત હેડમાસ્ટરને જેઓ શરીર વિજ્ઞાન પણ ભણાવતા તેમને પ્રશ્ર્ન પુછયો કે ‘સાહેબ શરીરમાં લોહીની ધમનીઓની નીકળવાની શરૂઆત હૃદયમાંથી થાય છે તો લોહીની શિરાઓ કયાંથી નીકળે છે અને હૃદય તરફ જાય છે? આથી હેડ માસ્ટર મુંઝાયા હોય કે ગમે તે કારણે આ સિધા સાદા વિદ્યાર્થીને ઉતારી પાડવા વ્યંગમાં જ કહ્યું કે ‘માલેશ્રી નદીમાંથી’ આ વિદ્યાર્થી અહિં હાજર છે. સરપંચે કહ્યું બીજુ ? જયદેવે કહ્યું હેડમાસ્ટર સ્પેશ્યલ ભૂગોળનો વિષય પણ ભણાવે છે. તેથી કલાસમાં એક વખત તેઓ ભૂગોળની ઢગાબંધ નકશા પોથીઓ લાવેલા અને તેના વખાણ કરતા હતા. કે આ નકશાપોથીમાંથી જ બોર્ડના પ્રશ્ર્ન પુછાય છે. ખૂબ સારી છે. આથી એક મનજી નામના વિદ્યાર્થીએ હેડ માસ્ટરને પુછયું કે સાહેબ આ નકશા પોથીના પૈસા દેવાના કે મફત આપવાની છે? ‘આથી હેડ માસ્ટરે અવળવાણીમાં તેને કહ્યું ‘મારા ખોળે બેસી જા તો મફત’ આ મનજી પણ હાજર છે. આ વાત સાભળીને સરપંચ સહિતના તમામ અવાચક થઈ ગયા. હેડ માસ્ટરની આંખોમાં પાણી આવી ગયા પરંતુ પેલા આદર્શવાદી શિક્ષક ‘હોઠમાં મલકતા’ હતા.
સરપંચે મામલો સંભાળી લીધો અને કહ્યું કે આ મેટ્રીકના વિદ્યાર્થીઓ નવા બિલ્ડીંગમાંજ બેસશે. આ વર્ષમાં મેટ્રીકમાં જેટલા વિદ્યાર્થીઓ ઉતિર્ણ થશે તેને ગ્રામ પંચાયત તરફથી સમગ્ર સૌરાષ્ટ્રનો પ્રવાસ કરાવવામાં આવશે તથા જે વિદ્યાર્થી પ્રથમ વર્ગમાં ઉતિર્ણ થશે તેને કોલેજનો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી પાઠય પુસ્તકો ગ્રામ પંચાયત તરફથી ભેટમાં મળશે અને હડતાળ સમેટાઈ ગઈ.
જયદેવની આવાત સાંભળી પ્રોફેસરે કહ્યું ‘આમાં તમારૂતો કોઈ તોફાન જ કયાં છે? તોફાનો તો બીજાઓએ કર્યા તમે તો ફકત વિજયી ફટકો જ માર્યો કહેવાય. આમ ગામડાના વિદ્યાર્થીઓના આ સાહસીક અને રોમાંચક ઉપરાતં બુધ્ધી ગમ્ય તોફાનોની મસ્તીની વાત સાંભળી મુંબઈના પ્રોફેસર આશ્ર્ચર્ય પામી ગયા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com