ચારધામ સહ્તિ ૫૧ મંદિરોના સંચાલન માટે ઉત્તરાખંડ સરકારે બનાવેલા ચારધામ દેવસ્થાનમ્ મેનેજમેન્ટ એકટ ૨૦૧૯ની બંધારણીય કાયદેસરતાને પડકારતી બે અરજીઓને કાઢી નાખતી ઉતરાખંડ હાઈકોર્ટ
કેદારનાથ, બદરીનાથ, ગંગોત્રી, જમુનોત્રી સહિતના ૫૧ મંદિરોનો વહીવટ રાજય સરકાર સંચાલિત ચારધામ શ્રાઈન બોર્ડને સોંપવા સામે થયેલી અરજીને ઉત્તરાખંડ હાઈકોર્ટ કાઢી નાખી છે. ભાજપના વરિષ્ટ નેતા સુબ્રમણ્ય સ્વામીએ ઉતરાખંડ સરકાર દ્વારા ચારધામ દેવસ્થાનમ્ મેનેજમેન્ટ એકટ ૨૦૧૯ દ્વારા ચારધામ સહિતના રાજયના ૫૧ મંદિરોનો વહીવટ પોતાના હસ્તક લેવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. સ્વામીએ એવો દાવો કર્યો હતો કે ચારધામ મંદિરોનો વહીવટમાં દખલગીરી કરીને રાજય સરકારે બંધારણમાં અપાયેલા સમાનતા, ધાર્મિક સ્વતંત્રતા યોગ્ય લાગે તે સંપ્રદાયને અનુસરવાના અને મિલ્કત ધરાવવાના હકક પર તરાપ મારી છે. ઉતરાખંડ હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસ રમેશ રંગરાજન અને જસ્ટીસ રમેશચંદ્ર ખુલબેએ આ અરજી કાઢી નાખી છે. સાથે સ્પષ્ટ કર્યું છે કે રાજય સરકારને ચારધામ મંદિરોની વ્યવસ્થાનો હકક છે. પરંતુ આસ્થા પર હકક નથી.
ઉતરાખંડ સરકાર દ્વારા ગત વર્ષે ચારધામ દેવસ્થાનમ્ મેનેજમેન્ટ એકટ ૨૦૧૯ પસાર કરીને ચારધામ સહિત રાજયના ૫૧ મંદિરોનો વહીવટ ચારધામ શ્રાઈન બોર્ડ હસ્તક લેવાનો નિર્ણય કર્યો હતો. આ કાયદાની બંધારણીય માન્યતાનો સુબ્રમણ્ય સ્વામી અને સેમવાલ બ્રાહ્મણ સમાજ દ્વારા ઉતરાખંડ હાઈકોર્ટમાં પડકારી હતી. આ અરજીઓની સુનાવણી કરતા ઉતરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ રમેશ રંગનાથનની બેંચે જણાવ્યું હતુ કે દેશના વિવિધ રાજયોમાં લાંબા સમયથી અનેક હિન્દુ મંદિરોનું સંચાલન રાજય સરકાર દ્વારા બનાવાયેલા શ્રાઈન બોર્ડ દ્વારા કરવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં અમરનાથ અને વૈષ્ણોદેવી મંદિરનું સંચાલન અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા જયારે પુરીના જગન્નાથમંદિર અને તિરૂપતિના વેંકટેશ્ર્વર મંદિરનું સંચાલન પણ રાજય સરકારના વોર્ડ દ્વારા કરવામાં આવે છે.
ગુજરાતનાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ સોમનાથ મંદિર ઉપરાંત અન્ય ૬૪ મંદિરોનું સંચાલન અને જાળવણી કરવામાં આવે છે. આમ, મંદિરોનું સંચાલન રાજય સરકાર દ્વારા કરવાથી ભારતના બંધારણમાં અપાયેલા કોઈ પણ હકકનો ભંગ થતો નથી. જેથી અરજીમાં બંધારણની કલમ ૧૪,૨૫,૨૬ અને ૩૧ એના ઉલ્લંઘન થતુ હોવાની અરજી ગ્રાહય રાખી શકાય નથી ચારધામ શ્રાઈન બોર્ડના પ્રમુખ ઉતરાખંડના મુખ્યમંત્રી હોવા બાબતે સ્વામીએ ઉપસ્થિત કરેલા મુદાને પણ હાઈકોર્ટે નકારી કાઢતા જણાવ્યું હતુ કો આ કોઈ રાજકીય વિષય નથી યાત્રાધામની પવિત્ર પરંપરાઓને જાળવી રાખવા અને યોગ્ય વ્યવસ્થા કરવા માટે સુ વ્યવસ્થિત રીતે કરવામાં આવેલા આયોજન સમાન છે. અને તેમાં કોઈ બંધારણીય હકકનું ઉલ્લંઘન થતું હોવાનું કદી જોવા મળ્યું નથી.
અત્યાર સુધી ગંગોત્રી ધામ મંદિરનું સંચાલન કરતા સેમવાલ બ્રાહ્મણ સમાજ દ્વારા પણ ઉતરાખંડ સરકારના આ નિર્ણયને હાઈકોર્ટને પડકાર્યો હતો. આ અરજીનો સમાને દાવો કર્યો હતો કે આ મંદિરનું નિર્માણ સેમવાળ બ્રાહ્મણોએ કર્યું હોય તેમનો પહેલો હકક છે. જેમાં કેરળના શ્રી પદ્મનાભ સ્વામિ મંદિર મુદે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે રાજવી પરિવારનો પ્રથમ હકક હોવાના હુકમને પણ જોડવામાં આવ્યો હતો. ઉતરાખંડ હાઈકોર્ટે આ અરજીને કાઢી નાખી છે. આ હુકમ સામે ચારધામ તિર્થ પૂરોહિતની સંસ્થા દ્વારા સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટકટાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ અંગે સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતુ કે તેઓ ઉતરાખંડ હાઈકોર્ટના હુકમનો અભ્યાસ કર્યા બાદ આ મુદે ટીપ્પણી કરશે.
અમરનાથ યાત્રાને કોરોનાનું સંક્રમણ: યાત્રા સ્થગિત પરંતુ દરરોજ લાઇવ દર્શન કરી શકાશે
જમ્મુ કાશ્મીર સહિત દેશભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને અમરનાથ શ્રાઈન બોર્ડે ચાલુ વર્ષની અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા બોર્ડે કરેલા નિર્ણય મુજબ ગઈકાલથી એટલે કે શ્રાવણ માસના પ્રારંભથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થનારો હતો તેમાં પણ યાત્રાળુઓને ૫૦૦-૫૦૦ના જથ્થામાં યાત્રાએ મોકલવામાં આવનારા હતા. પરંતુ જમ્મુ કાશ્મીરમાં કોરોનાના કેસોની સંખ્યા વધવા લાગતા શ્રાઈન બોર્ડે યાત્રા શરૂ કરવાથી કોરોનાનું સંક્રમણ વધવાની સંભાવનાથી ગઈકાલે આ નિર્ણય લીધો છે. આ અંગેનો વિધિવત નિર્ણય રાજયપાલ જીસી મુર્મુની અધ્યક્ષતામાં મળેલી અમરનાથ શ્રાઈન બોર્ડની બેઠકમાં કરવામાં આવ્યો હતો.
આ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. પરંતુ શ્રધ્ધાળુઓને બાબા બર્ફાનીના દર્શનનો લાભ મળી શકે તે માટે બોર્ડે દરરોજ સવાર સાંજ થતી બાબાની આરતીનું લાઈવ ટેલીકાસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ યાત્રા ૩ ઓગષ્ટ સુધી ચાલનારી હતી. જોકે બોર્ડની આ બેઠકમાં અમરનાથ યાત્રા પુર્વે થતી છડી મુબારકની પરંપરાગત ધાર્મિક વિધિ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. જેથી ગઈકાલે છડી મુબારક વિધિ યોજાઈ હતી જેમાં શ્રક્ષનગરનાં હરિપર્વત પર આવેલા ત્રિપુરા સુંદરી મંદિરે શાસ્ત્રોકત વિધિ દ્વારા સાધુ સંતોએ પવિત્ર છડીનું પૂજન કર્યું હતુ.