હકક જતો કરનાર પત્ની અને પુત્રના ભરણ પોષણ ચૂકવવાનો ફેમિલી કોર્ટનો ઐતિહાસીક ચૂકાદો
છૂટાછેડા વખતે પોતાના તમામ હકક જતા કરનાર પત્ની બાળક ને ભરણ પોષણ ચૂકવાનો પતીને હુકમ અદાલતે ફરમાવ્યો છે. હરીપર પાળ ખાતે રહેતી પરણીતા સોનલબેનના લગ્ન 1996ની સાલમાં પુના મુકામે રહેતા દિપકભાઈ વીઠલાણી સાથે થયેલા હતા. અને આ લગ્ન જીવનથી તેઓને એક પુત્ર સંતાન નામે મલયનો જન્મ થયેલો હતો.
દંપતી વચ્ચે વિવાદ થતા પત્ની રાજકોટ સગીર સંતાન સાથે પરત ફરેલી હતી અને આ પછી પતી પત્ની એ તા.15.5.15ના રોજ છૂટાછેડા મેળવી લીધેલા હતા. અને પત્નીએ તે સમયે પોતાના અને સગીર સંતાનના તમામ ભરણ પોષણ સહિતના હકક જતા કરી આપેલ હતા. પત્નીને પૈસાની જરૂરત પડતા તેની પાસે કોઈ રકમ ન હોઈ છૂટાછેડા પછી તેણે પોતાના પતી દિપક પાસેથી સને 2018ની સામાં ભરણ પોષણની માંગ કરતી અરજી ફેમીલી કોર્ટમાં દાખલ કરેલી હતી અને તેમાં પોતાનું અને સંગીર સંતાનના ભરણ પોષણની માંગ કરેલી જેથી અદાલતે પતીને પોટીસ કરતા તે અદાલતમાં હાજર થયેલા અને પોતાનો બચાવ રજૂ કરેલો અને છૂટાછેડા થઈ ગયેલ હોઈ પત્નીએ ભરણ પોષણ ના અધિકાર જતો કરી આપેલો હોઈ હવે તેની કોઈ જવાબદારી રહેતી નથી તેવો બચાવ લીધેલ અને ચાલુ કેસે સંતાન પણ તેના પિતા સાથે પૂના રહેવા જતું રહેતા પતીએ હવે તેની સામે કોઈ ભરણ પોષણનોહુકમ થઈ શકતો નથી તેવો મૌખીક દલીલમાં બચાવ લીધેલો હતો.
આ કેસ દલીલ પર આવતા પરણીતાના વકીલ અંતાણીએ દલીલો રજૂ કરેલી અને પત્નીને હકક જતા કરેલો હોય તો પણ ભરણ પોષણ મળી શકે તેવા ઉપરની અદાલતના જજમેન્ટ અદાલતમાં રજૂ કરેલું હતુ.તમામ દલીલોથી સહમત થઈ અને પત્નીએ છૂટાછેડાવખતે હકક જતા કરેલ હોવા છતાં ફેમેલી કોર્ટે પત્નીને અરજીની દાખલ તારીખથી માસીક 6500 તથા પુત્ર જેટલો સમય એટલે કે 15 માસ પત્ની સાથે રહેલો તે સમયના તેને માસીક 2000 પત્નીને ભરણ પોષણની રકમ પેટે દર મહિને ચૂકવવાનો હુકમ ફરમાવેલો છે. પરણીતા સોનલબેન વતી રાકોટના લગ્ન વિષયક કાયદાના નિષ્ણાંત એડવોકેટ સંદીપ અંતાણી અને સમીમબેન એમ. કુરેશી રોકાયા હતા.