કાયદો અને વ્યવસ્થા જાળવવા ફરજ પરના પોલીસ સ્ટાફને ટોળા સાથે અવાર નવાર ઘર્ષણના બનાવ દરમિયાન પોલીસ કે આંદોલનકારને ઇજા ન થાય તેનું ધ્યાન રાખવાની પોલીસની પ્રાથમિક ફરજ
ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ પોલીસના રક્ષણ, પોલીસનો સ્વબચાવ, લોક બચાવ અને માનવ અધિકાર પંચના મુદે ‘અબતક’ સાથે કરી વિસ્તૃત ચર્ચા
બંધારણમાં વ્યક્તિગત હક્ક અને અધિકારનું જતન કરવા માનવ અધિકાર પંચ રાષ્ટ્રીય કક્ષાએ અને રાજયકક્ષાએ કાર્યરત
‘મે આઇ હેલ્પ યુ’ પોલીસ માટે ખાસ લખવામાં આવે છે અને પોલીસ હમેશા પોલીસ પ્રજાને મદદરૂપ થવા તત્પર હોય છે. તેમ છતાં લોકશાહીમાં પોતાના હક્ક માટે થતા આંદોલન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની પોલીસની પ્રથમ ફરજ અને જવાબદારી બની રહે છે ત્યારે આંદોલનકારો અને પોલીસ વચ્ચે થતા ઘર્ષણના બનાવ અવાર નવાર બનતા હોય છે. ત્યારે માનવ અધિકાર પંચની ભૂમિકા મહત્વની બની છે. પરિસ્થિતી મુજબ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા કરાયેલા બળ પ્રયોગના કારણે પોલીસનું રક્ષણ, પોલીસનો સ્વબચાવ, પોલીસનો લોક બચાવ અને માનવ અધિકાર પંચના મુદે ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ ‘અબતક’ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.
પ્રજાના જાન-માલના રક્ષણની પોલીસની ફરજ છે. ફરજ દરમિયાન પોલીસ પર થતા હુમલાની ઘટનાના કારણે પોલીસના સ્વબચાવ અને ત્યાર બાદ માનવ અધિકાર પંચ દ્વારા થતી તપાસના કારણે પોલીસને રક્ષણની જરૂર પડતી હોય છે.
જો કે ભારતીય બંધારણ મુજબ વ્યક્તિગત હક્ક અને અધિકારનું જતન કરવા અને રક્ષણ કરવા માટે રાષ્ટ્રીય કક્ષાએ અને રાજય કક્ષાએ માનવ અધિકાર પંચ કાર્યરત છે. તે આવકાર્ય છે. તેના કારણે જ પોલીસ દ્વારા કાયદાનો અમલ કરાવવામાં અતિરેક ન થતો હોવાનું અને પોલીસ કાયદાની મર્યાદામાં રહી કામ કરે તે જરૂરી ગણાવી ડીસીપી મનોહરસિંહ જાડેજાએ વ્યક્તિને સ્વમાનભેર જીવવાનો અધિકાર હોવાનું જણાવ્યું હતું. લોકશાહીમાં વાણી સ્વતંત્રતા અને બંધારણીય હક્ક માટે ઘણી વખત આંદોલન થતા હોય છે આંદોલન દરમિયાન પોલીસ અને આંદોલનકારો વચ્ચે ઘર્ષણના બનાવ બને છે ત્યારે બંદોબસ્તમાં રહેલા પોલીસ સ્ટાફને બેકાબુ બનેલા ટોળાને પરિસ્થિતી મુજબ કાબુ કરવાની હોય છે ઘર્ષણ દરમિયાન ટોળામાંથી કે પોલીસ સ્ટાફને ઇજા ન થાય તેની પુરી તકેદારી રાખવામાં આવે છે. પોલીસ કે આંદોલનકારી ઘાયલ થાય ત્યારે તેને પ્રાથમિક સારવાર આપવાની વ્યવસ્થા કરવાની પણ પોલીસની જ જવાબદારી હોય છે. તેમ બેકાબુ ટોળુ લોકોને વધુ ન નુકસાન કરે તેની પણ પોલીસને તકેદારી રાખવાની હોય છે.
ટોળુ પોલીસને ટારગેટ બનાવી હુમલો કરે ત્યારે પોલીસ પોતાના સ્વબચાવ માટે લાઠીચાર્જ, ટીયરગેસ અને જરૂર પડે તો ફાયરિંગની મદદ લઇ સ્વબચાવ કરે છે. લાઠીચાર્જ, ટીયરગેસ કે ફાયરિંગની પરવાનગી સ્થળ પર હાજર સિનિયર પોલીસ અધિકારના નિર્ણય લેતા હોય છે અને સિનિયર પોલીસ અધિકારી તેના ઉપરી અધિકારીના સતત સંપર્કમાં રહી પરિસ્થિતીનો ચિતાર આપતા હોય છે ત્યારે લાઠીચાર્જ કે ફાયરિંગ માટેની મંજુરી સ્થળ પરના પોલીસ અધિકારીએ જ આપવાની હોય છે.
આંદોલન દરમિયાન પ્રથમ તો પોલીસ આંદોલનકારીઓની ડીમાન્ડ શુ છે અને તેનો સરળ રીતે હલ કંઇ રીતે આવે તેમ છે તેને મહત્વ આપીને કામ કરતા હોય છે. આમ છતાં ઘર્ષણનો બનાવ બને ત્યારે પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવા અને લોકોના જાન-માલનું રક્ષણ કરવા બળપ્રયોગ કરવો પડે છે. પોલીસ દ્વારા થયેલા એકશન બાદ આક્ષેપ સાથે તપાસની થતી માગની સાથે માનવ અધિકાર પંચ પણ તપાસમાં આવી પોલીસ દ્વારા થયેલી કાર્યવાહી યોગ્ય હતી કે કેમ તે દિશામાં તપાસ કરે છે. ત્યારે પોલીસ સ્ટાફ પોતાના રક્ષણ અને બચાવની ભૂમિકામાં આવી જતી હોય છે. પોલીસ દ્વારા લોકોને ઓછુ નુકસાન કંઇ રીતે થાય તેની તકેદારી રાખી કરેલા બળ પ્રયોગની તપાસમાં અંતે પોલીસની તરફેણમાં જ આવતો હોય છે કેટલાક કિસ્સામાં પોલીસ દ્વારા અતિરેક કરી ચોક્કસ ઇરાદા સાથે કાયદાની મર્યાદા ઓળંગે ત્યારે પોલીસ સ્ટાફ સામે શિક્ષાત્મક કાર્યવાહી થતી હોવાનું ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.