- એ ડિવિઝન પોલીસે જીવંતીકાનગરમાં રહેતા કમલેશ રાઠોડને ઝડપી રૂ.2.87 લાખની રોકડ કબજે કરી: પૈસાની જરૂર હોવાથી હાથફેરો કર્યાનું રટણ
શહેરના કરણપરામાં રહેતા વેપારી પરિવાર સાથે ધુળેટીએ બગસરા ગયા હતા. દરમિયાન તેમના બંધ ફલેટમાંથી રૂપિયા 3.25 લાખની ચોરી થઈ હતી. એ ડિવિઝન પોલીસે જીવંતિકાનગરમાં રહેતા રિક્ષાચાલકને ઝડપી ચોરીના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ. 2.87 લાખની રોકડ અને મોબાઈલ કબ્જે કર્યો હતો. આર્થિક સંકળામણમાં હોવાથી તેને ચોરી કર્યાનું રટણ કર્યું હતું.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના કરણપરા શેરી નંબર 26 વિશાલ એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટ નંબર 202 માં રહેતા જગદીશભાઈ રાજેન્દ્રભાઈ જોગી(ઉ.વ 46) કે જેમને આશાપુરા મેઈન રોડ પર શ્રીજી ડ્રેસીસ નામની દુકાન હોય તેઓ ગત તા.13/ 3 ના હોળીની રાત્રે બગસરા ખાતે રહેતા તેમના માતાને મળવા માટે પરિવાર સાથે ગયા હતા. બીજા દિવસે પાડોશીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારા ફ્લેટના દરવાજાનો નકુચો તૂટેલો છે બાદમાં પરિવારે અહીં આવી તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, બંધ ફ્લેટમાંથી રોકડ અને ઘરેણા સહિત કુલ રૂપિયા 3.25 લાખની મત્તાની ચોરી થઇ ગઇ છે. જે અંગે તેમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ચોરીના આ બનાવને લઇ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.જી. બારોટની રાહબરી હેઠળ પી.એસ.આઇ કે.એમ.વડનગરા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એએસઆઈ એમ.વી.લુવા, હેડ કોન્સ્ટેબલ ધારાભાઈ ગઢવી અને અજયભાઈ બસીયાને મળેલી બાતમીના આધારે રામનાથપરા મહાદેવ મંદિર પાસેથી એક શખસને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. પોલીસે તેની પૂછતાછ કરતા તેનું નામ કમલેશ ઉર્ફે કમલો નારણભાઈ રાઠોડ(ઉ.વ 29 રહે. જીવંતિકાનગર શેરી નંબર 2, ગાંધીગ્રામ મૂળ, ધાંગધ્રા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસની પૂછપરછ કરતા વેપારીના ફ્લેટમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો. આરોપી કમલેશ ઉર્ફે કમલો રિક્ષાચાલક હોય છેલ્લા ઘણા દિવસોથી આર્થિક સંકળામણમાં હતો. દરમિયાન અહીં ફ્લેટ બંધ જોતા તેણે હાથફેરો કરી લીધો હોવાની કબુલાત આપી હતી. પોલીસે આરોપી પાસે રોકડ રૂપિયા 2,87,500 અને મોબાઈલ ફોન કબજે કર્યો હતો.