રાજયમાં 344 સેન્ટરો પર 19916 ચૂંટણી સ્ટાફ દ્વારા સવારથી મતગણતરી

મતગણતરી સ્થળો પર આરોગ્યની ટીમો પણ તૈનાત: કોવિડ પ્રોટોકોલનું પાલન

સવારથી 9 વાગ્યાથી મતગણતરીનો આરંભ: કહી ખૂશી કહીં ગમ જેવો માહોલ

રાજ્યના 33 જિલ્લાની 8686 ગ્રામ પંચાયતો માટે ગત રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયા બાદ આજે સવારે 9 કલાકથી 344 સેન્ટરો ખાતે એકી સાથે મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપર દ્વારા મતદાન હાથ ધરવામાં આવ્યું હોય તમામ પંચાયતના પરિણામ આવતા મોડી સાંજ અથવા રાત પડી જશે પરિણામો આવવાનું શરૂ થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. 19916 ચૂંટણી સ્ટાફ દ્વારા મત ગણના હાથ ધરવામાં આવી રહી છે. મતગણતરી સ્થળોએ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 14291 પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

રાજ્યની 10879 ગ્રામ પંચાયતોની ચુંટણીની તારીખનું એલાન ગત 22મી નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. દરમિયાન 1165 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ હતી. 9613 વોર્ડના ઉમેદવારો બિનહરિફ જાહેર કરવામાં આવ્યા હતાં. દરમિયાન ગત રવિવારે 8686 ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાયુ હતું. જેમાં 74.70 ટકા જેટલું માતબર મતદાન થયું હતું. પાંચ ગ્રામ પંચાયતો માટે ગઇકાલે ફેર મતદાન કરવામાં આવ્યું હતું. આજે સવારે 9 કલાકથી રાજ્યના 33 જિલ્લાના 344 સેન્ટરો ખાતે 1711 હોલમાં એકી સાથે મતગણતરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. કુલ 4519 ટેબલો પર મત ગણતરી થઇ રહી છે. મત ગણતરીની કામગીરીમાં 19916 સ્ટાફ જોડાયો છે. મત ગણતરી કેન્દ્રો પર 4291 પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કાઉન્સીલ સેન્ટરો પર આરોગ્યની ટીમો પણ ખડેપગે રાખવામાં આવી છે. જેમાં આરોગ્ય વિભાગના 2576 કર્મચારીઓ જોડાયા છે. કોવિડ પ્રોટોકોલના આધારે મત ગણતરી કેન્દ્રો પર એજન્ટોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

રવિવારે યોજાયેલા મતદાનમાં 74.70 ટકા મતદાન થયું હતું. આજે 1.47 લાખ ઉમેદવારોના રાજકીય ભાવિની ગણતરી ચાલી રહી છે. રાજ્યમાં સરપંચ પદ માટે 27200 ઉમેદવારો અને વોર્ડના સભ્યોની ચુંટણીમાં 1,19,988 ઉમેદવારો મેદાનમાં છે. ચુંટણીમાં કુલ 23112 મતદાન મથકો અને 37451 મત પેટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેની ગણતરીમાં સારો એવો સમય પ્રસાર થઇ જતો હોય છે. તમામ 8686 ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થતા મોડી સાંજ પડી જશે.

રાજકોટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા રામનગર પંચાયતમાં 16 મતે જીત્યા

રાજકોટ જિલ્લાની રામનગર ગ્રામ પંચાયતની ચુંટણીમાં રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા 16 મતે વિજેતા બન્યા હતા. આજે સવારે હાથ ધરવામાં આવેલી મત ગણતરીમાં ગણતરીની કલાકોમાં તેઓનો વિજય થયો હતો. યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા સરપંચ તરીકે મેદાનમાં હતા. તેઓએ પોતાના હરિફ ઉમેદવારને 16 મતેથી પરાજય આપ્યો છે. ડિસેમ્બર માસ જયેશભાઇ બોઘરા માટે શુકનવંતો રહ્યો છે. ગત બીજી ડિસેમ્બરના રોજ તેઓની વરણી રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે કરવામાં આવી હતી. દરમિયાન રામનગર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેઓએ સરપંચ પદે ઝંપલાવ્યુ હતું. જેમાં પણ તેમને સફળતા પ્રાપ્ત થઇ છે. તેઓ માત્ર 16 મતોથી વિજેતા બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.