ધોરણ-12 સાયન્સની પૂરક પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા પેટા નિયમો જાહેર કરાયા છે. જે મુજબ ધોરણ-12 સાયન્સની માર્ચ અને જુલાઈની પૂરક પરીક્ષાના વિષયવાર ઉત્તમ ગુણને ધ્યાને લઈને અંતિમ એટલે કે બેસ્ટ ઓફ ટુ પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ-12 સાયન્સની મુખ્ય પરીક્ષામાં નોંધાયેલા ઉમેદવારો જ પૂરક પરીક્ષા માટે પાત્રતા ધરાવશે.
માર્ચ માસની જે તે વર્ષની મુખ્ય પરીક્ષામાં નોંધાયેલા ઉમેદવારો જ પૂરક પરીક્ષા માટે પાત્રતા ધરાવશે: પૂરક પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા પેટા નિયમો જાહેર કરાયા
ધોરણ-12 સાયન્સમાં મુખ્ય પરીક્ષામાં પાસ થયેલો વિદ્યાર્થી પણ પૂરક પરીક્ષામાં તમામ વિષયની પરીક્ષા આપી પરિણામ સુધારી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યા બાદ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાને લઈને પેટા નિયમો જાહેર કર્યા છે. તાજેતરમાં રાજ્યના શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરી ધોરણ-12 સાયન્સમાં તમામ વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી. જેમાં વિદ્યાર્થી ધોરણ-12 સાયન્સમાં માર્ચમાં પાસ થયો હોય પરંતુ પરિણામ સુધારવા માટે તમામ વિષયની પુન: પરીક્ષા આપવા માંગતો હોય તો પણ તેને પૂરક પરીક્ષામાં બેસવા દેવાનું નક્કી કરાયું હતું.
આ અંગે શિક્ષણ બોર્ડ દ્વારા ટૂંકમાં પેટા નિયમો તૈયાર કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. દરમિયાન હવે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સની પૂરક પરીક્ષાને લઈને પેટા નિયમો તૈયાર કરાયા છે. શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાને લઈને તૈયાર કરવામાં આવેલા પેટા નિયમો અનુસાર, ધોરણ-12 સાયન્સની માર્ચ માસની જે તે વર્ષની મુખ્ય પરીક્ષામાં નોંધાયેલા ઉમેદવારો જ પૂરક પરીક્ષા માટે પાત્રતા ધરાવશે. ધોરણ-12 સાયન્સના માર્ચ માસમાં લેવાયેલી મુખ્ય પરીક્ષામાં અનુત્તીર્ણ થયેલા ઉમેદવાર પ્રાયોગિક વિષય સહિત જે વિષયમાં અનુત્તીર્ણ થયેલા હોય તે વિષયની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે.
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની માર્ચ માસમાં લેવાયેલી મુખ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવાર સૈદ્ધાંતિક વિષયોની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ પરિણામ સુધારી શકશે. માર્ચ માસની મુખ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારની પ્રાયોગિક વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવશે નહીં. સાયન્સના કેમેસ્ટ્રી, ફિઝીક્સ અને બાયોલોજી વિષયો પૈકી જે તે પ્રાયોગિક વિષયમાં અનુત્તીર્ણ અથવા તો ગેરહાજર રહેલા ઉમેદવારની જ તે વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવશે. જે પ્રાયોગિક વિષયમાં ઉમેદવાર ઉત્તીર્ણ થયેલો હોય તે વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવશે નહીં.મુખ્ય પરીક્ષામાં જે તે વિષયમાં ગેરહાજર રહેનારા ઉમેદવારનું તે વિષયનું પરિણામ પૂરક પરીક્ષામાં મેળવેલ ગુણ મુજબ ગણવામાં આવશે. પૂરક પરીક્ષામાં જે તે વિષયમાં ગેરહાજર રહેનારા ઉમેદવારનું તે વિષયનું પરિણામ માર્ચ માસની મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ મુજબ ગણવામાં આવશે. પૂરક પરીક્ષા બાદ માત્ર ગુણચકાસણી માટેની અરજી સ્વીકારવામાં આવશે.