દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સ્વચ્છતા અંગે શહેરો વચ્ચે હરીફાઈ જામે તે માટે સ્વચ્છ શહેરોને નંબર આપવામાં આવે છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯ હાથ ધરવામાં આવ્યું હતું. જેનું પરીણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. આ માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વીનભાઈ મોલીયા અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની રૂબરૂ દિલ્હી જઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટને દેશનું નંબર વન સ્વચ્છ શહેર બનાવવા માટે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણ માટે મહાપાલિકાએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. જાહેર શૌચક્રિયા મુકત શહેરમાં ડબલ પ્લસનું રેટીંગ હાંસલ કર્યા બાદ હવે કોર્પોરેશનનો લક્ષ્યાંક દેશનો સ્વચ્છ શહેર બનવાનો છે. કાલે કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા દેશના અલગ-અલગ શહેરોને સ્વચ્છતા માટે નંબર આપવામાં આવશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે મેયર, ડે.મેયર અને મ્યુનિ. કમિશનર આવતીકાલે દિલ્હી જઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.