રાજયસભા બેઠકો માટે મતદાન શરૂ અહેમદ પટેલ સામેની નારાજગી સપાટીએ

ગુજરાતમાં ૨૨ વર્ષ પછી સૌ પ્રથમ વખત મંગળવારે રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી થઈ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાસે રહેલી એક બેઠકને આંચકી લેવાની વ્યૂહરચનાને આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાના કેટલાક વિશ્વાસુઓને સાથે રાખી આખરી ઓપ આપ્યો હતો. મતદાન પૂર્વે જ પોતાના ૧૨૧ વત્તા કોંગ્રેસ કેમ્પમાંથી ભાજપ તરફે વોટ કરવાની રણનીતિ મુજબ દરેકને એકડો, બગડો, તગડો ક્યાં કોના નામો સામે કરવો તેનો મેન્ડેટ અપાયો હતો.

રક્ષાબંધનનો પર્વ મનાવીને બપોરે ભાજપ કાર્યાલયે તમામ ધારાસભ્યો એકત્રિત થયા હતા. ધારાસભ્યોની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પ્રભારી ભુપેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યસભાના ઉમેદવારો કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઇરાની, બળવંતસિંહ રાજપૂત પણ ખાસ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં સંસદીય રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ચૂંટણી લીગલ સેલના પરિન્દુ ભગત સહિતના આગેવાનોએ દરેક ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીમાં કેવી રીતે મતદાન કરવાનું છે તેના અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને દરેક ધારાસભ્યોને ત્રણ ઉમેદવારો માટે મતદાન કરવાનો વ્હીપ પણ ઇસ્યુ કરાયો હતો.

રાજ્યસભાની ગુજરાતમાં ૨૨ વર્ષ પછી પ્રથમ વખત ચૂંટણી યોજાઇ રહી છે. ૨૦૧૪થી રાજ્યસભાની ચૂંટણીમાં લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીની જેમ નોટાનો અમલ થવાનો છે. નન ઓફ ધ અબાઉ (નોટા)ને મત આપવા ઇચ્છનાર ધારાસભ્યને રાજ્યસભાની ચૂંટણીના મુખ્ય અધિકારી એવા વિધાનસભાના સચિવ ડી.એમ. પટેલ એના ઇરાદાની ચકાસણી કરશે. ચૂંટણી અધિકારી આવા ધારાસભ્યને પુછશે કે શું તેઓ કોઇ લાભ લાલચ કે દબાણમાં આવીને નોટાના વિકલ્પને પસંદ કરવા માગે છે કે કેમ / ધારાસભ્યના જવાબથી સંતોષ થશે તો ચૂંટણી અધિકારી તેના નોટાવાળા મતપત્રને મત પેટીમાં નાખશે. આથી કોંગ્રેસ-ભાજપ વચ્ચેની મતોની ખેંચમતાણીવાળી ચૂંટણીમાં આવી સ્થિતિ ગંભીર કટોકટી ઊભી કરી શકે છે.

વિધાનસભાના સત્તાવાર રેકોર્ડ પ્રમાણે ભાજપના કુલ ઉમેદવારો ૧૨૧ છે જેમાં ગુજરાત પરિવર્તન પાર્ટીએ ભાજપમાં વિલિનીકરણ થઇ જવાથી તેના એક માત્ર ધારાસભ્ય નલીન કોટડીયા હવે ભાજપના જ ધારાસભ્ય ગણાય છે. જોકે, લાંબા સમયથી તેઓ પાટીદાર આંદોલનમાં સક્રિય રીતે જોડાયેલા રહેવાથી એમનો મત ક્યાં જઇ શકે એના પર શંકાના વાદળો છવાયેલા હતા, પરંતુ મંગળવારના મહત્વના મતદાન પૂર્વે જ કોટડીયાએ ભાજપ કેમ્પમાં હાજરી આપીને પોતાનો મત ભાજપના ઉમેદવારને આપવાની જાહેરાત કરી છે, તે વાતને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સમર્થન આપ્યું હતું. નાયબ મુખ્યપ્રધાને જ વિતેલા સપ્તાહમાં કોટડીયા સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અપક્ષ ધારાસભ્ય કેતન ઇનામદાર ભાજપને જ સમર્થન આપતા રહે છે એટલે ભાજપના પોતાના કુલ સભ્યો ૧૨૧ વત્તા અપક્ષ મળી કુલ ૧૨૨ થાય છે.

એહમદ પટેલ પહોંચ્યા હતા. એહમદ પટેલ રાજ્યસભાની બેઠક માટે ચૂંટણીના જંગમાં ઉતર્યા છે. ત્યારે તેમણે કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,હું સંપૂર્ણ આત્મવિશ્વાસ ધરાવું છું અને અમારો વિજય નિશ્ચિત છે. અમારા ૪૪ ઉપરાંત બાકીના સાત ધારાસભ્યો પણ કોંગ્રેસને વોટ આપશે.

તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે,ભાજપે બિનલોકશાહી પદ્ધતિ અપનાવી છે અને ધારાસભ્યો તથા તેમના પરિવારજનોને ધાકધમકી અને નાણાંકીય લાલચ આપીને તોડવાના હિન પ્રયાસો કર્યા છે. સત્તા તેમજ એજન્સીઓનો પણ દુરુપયોગ કર્યો છે. તેમ છતાં અમારા ધારાસભ્યો મક્કમ રહ્યાં છે જેનો મને ગર્વ છે.

કોંગ્રેસના ધારાસભ્યોને બેંગાલુરુ કેમ લઇ જવાયા તે અંગેના પ્રશ્ન અંગે તેમણે કહ્યું કે, બધા સારી રીતે જાણે છે અને ભાજપે જ અમને આવું કરવાની ફરજ પાડી છે. લોકશાહીની રક્ષા અને ધારાસભ્યોની સુરક્ષા માટે અમારે તેમને બેંગાલુરુ લઇ જવા પડ્યા હતા. શરૂઆતના પાંચ દિવસ કોંગ્રેસનાં ધારાસભ્યો પૂરપીડિતો વચ્ચે ગયા હતા. પરંતુ ત્યારબાદ જે રાજકીય ઘટનાક્રમ સર્જાયો  તેના કારણે ખુદ ધારાસભ્યોની માંગણીથી જ અમે એ પગલું ભર્યું હતું. શંકરસિંહ વાઘેલા વિશે પણ તેમણે કહ્યું કે, તેમણે મને જ મત આપવાનું કહ્યું છે, એટલે તેઓ તેમના વચન પર કાયમ રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું કે,આ ચૂંટણી કરવાની જરૂરિયાત જ ઊભી ન થઇ હોત. જો ભાજપે તડજોડની નીતિ અપનાવી ના હોત. અમારા ૫૭ ધારાસભ્યો હતા અને ત્રીજી બેઠક માટે તેમની પાસે ૧૬ ધારાસભ્યો ઓછા હતા. જેના માટે તેમણે આવી ગંદી રાજનીતિ અપનાવી અને લોકશાહીને બનાના ડેમોક્રેસી બનાવવા માગે છે. જે રીતે તેમણે પ્રયાસો શરૂ કર્યા તે જોતાં ધારાસભ્યો અને તેમના પરિવારને ટાર્ગેટ બનાવી ટોર્ચર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં મારું પોતાનું પણ સર્વેલન્સ કરવામાં આવે છે.

    ચૂંટણી પહેલા વિધાનસભાનું મહત્વનું સત્ર

રાજયની આગામી વિધાનસભા ચૂંટણી પહેલાનું છેલ્લુ ચોમાસુ સત્ર મંગળવારથી બે દિવસ માટે યોજાશે. જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તાજેતરના રાજકીય ઘટનાક્રમો અને ખાસ કરીને ભાજપ દ્વારા કોંગ્રેસના સભ્યોની જે રીતે તોડફોડ કરવામાં આવી છે તે જોતા ગૃહની કાર્યવાહી સામાન્ય કરતા વધુ તોફાની બની રહે તેવી પૂરેપૂરી શકયતા છે. મહાત્મા મંદિર ખાતે યોજાનારી વિધાનસભાની બે દિવસની બેઠકમાં રાજકીય અફડાતફડી વચ્ચે રાજય સરકાર દ્વારા ચાર જેટલા સરકારી વિધેયકો પણ પહેલા દિવસના એજન્ડામાં મૂકવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા સરકાર આ વિધેયકોને કાયદાનું સ્વરૂપ મળી જાય અને અમલમાં આવે તેમ ઇચ્છી રહી છે.

એકતરફ સચિવાલય ખાતેના સ્વર્ણિમ સંકુલના સાપુતારા હોલમાં સવારે ૯ વાગ્યાથી રાજયસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થશે ત્યારે વિધાનસભા ગૃહની કાર્યવાહી મંગળવારે ૧૨ વાગ્યાથી શરૂ થશે. રાજયસભાની ચૂંટણીના મતદાનના ગરમાવાની અસર ગૃહની કાર્યવાહી પર દેખાશે તે સાથે કોંગ્રેસના છ જેટલા ધારાસભ્યોના રાજીનામા, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર બનાસકાંઠામાં પથ્થરમારો સહિતના મુદ્દે કોંગ્રેસને ભાજપ પર રાજકીય પ્રહાર કરવાની તક મળશે. તેની સામે બનાસકાંઠામાં પુરમાં રાહતકામના કોંગ્રેસના સભ્યો બેંગ્લોર રિસોર્ટમાં જલસા કરવા ગયા તેવો મુદ્દો ઉપાડીને ભાજપ દ્વારા વળતો પ્રહાર કરાશે.

યોગાનુયોગ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને પણ એક વર્ષ પૂર્ણ થયું છે જેનો ભાજપના ધારાસભ્યો તેનો પણ ઉલ્લેખ ગૃહમાં કરશે. કોંગ્રેસ માટે તેમના રાજીનામા આપનારા છ ધારાસભ્યો ગૃહમાં નહીં હોય તો સિનિયર નેતા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના વિપક્ષી નેતાપદે નહીં હોય તેની પણ ખોટ સાલશે. જયારે ભાજપ માટે કોંગ્રેસની હાલની સ્થિતિ અને રાજયસભાની ત્રણે બેઠકો ભાજપ હસ્તક કરવાના ઉત્સાહ સાથે કોંગ્રેસ પર રાજકીય કટાક્ષ કરવાની કોઇ તક જતી નહીં કરાય તેમ ભાજપના વલણ પરથી દેખાઇ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો બે દિવસના ટૂંકા સત્રમાં શક્ય તેટલો મહત્તમ રાજકીય લાભ મેળવવા માટે પ્રયાસ કરશે.

ગૃહમાં ચાર જેટલા વિધેયકો રજૂ કરાશે. જેમાં ગુજરાત સહકારી મંડળી સુધારા વિધેયક, ગુજરાત સિંગલ વિન્ડો ક્લિયરન્સ વિધેયક, ગુજરાત ખેત-જમીન ટોચ મર્યાદા સુધારા વિધેયક અને શહેરી જમીન ટોચ મર્યાદા-નિયમન અધિનિયમ અંતર્ગત રાજય સરકારમાં નિહિત થયેલી વધારાની ખાલી જમીન પૈકીની કેટલીક જમીનના ભોગવટાને માન્ય ઠરાવવા અને તેની ફાળવણી કરવા અંગેનું સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.