પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરાશે: શાળાઓએ વિદ્યાર્થીઓને તેઓના પરિણામની ઝેરોક્ષ આપીને તેમના પરિણામની જાણ કરવાની રહેશે
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આવતીકાલે 31 જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ result.gseb.org પર મૂકવામાં આવશે. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાનું પરિણામ ઈન્ડેક્ષ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગીન કરી શકશે તથા પ્રિન્ટ કરી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેઓના પરિણામની ઝેરોક્ષ આપીને તેમના પરિણામની જાણ કરવાની રહેશે.
રાજય સરકારે ધો. 10ના નિયમિત વિદ્યાર્થીઓને પરીક્ષા નહીં લેવાનો નિર્ણય લીધા પછી ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો હતો. એવામાં પહેલીવાર ધો. 12 બોર્ડમાં સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સાથે 100 ટકા પરિણામ જાહેર કરાશે.
સદર ઠરાવ અનુસાર જાહેર કરેલ નીતિ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત સામાન્ય પ્રવાહ , વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના ગુણ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરેલ હતા. જેના આધારે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવેલ છે.
નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર આવતીકાલે 31-07-2021 ના રોજ સવારના 8:00 કલાકે જાહેર કરવામાં આવશે. શાળાઓ તેઓની શાળાનું પરિણામ શાળાના ઇન્ડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગીન કરી ડાઉનલોડ કરી જોઇ શકશે તથા પ્રિન્ટ કાઢી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેઓના ગુણપત્રકની નકલ આપી તેમના પરિણામની જાણ કરવાની રહેશે.