ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૦ની પરીક્ષાનું પરીણામ ૨૮ મેએ જાહેર થાય તેવી શકયતા જોવા મળી રહી છે. ૨૮ મેના રોજ સવારે ૮:૦૦ વાગ્યે પરીણામ જાહેર કરવામાં આવશે જેને બોર્ડની વેબસાઈટ GSEB.ORG અને GIPL.NET પર સવારે ૮:૦૦ વાગ્યે જોઈ શકાશે. આ ઉપરાંત ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૩૧મીએ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૧૦મી મેએ પરીણામ જાહેર થાય તેવી સંભાવના જોવા મળી રહી છે.
માર્ચ-૨૦૧૯માં લેવાયેલી એસએસસીનું પરીણામ જાહેર થયા બાદ સવારે ૧૧ થી લઈ બપોરના ૨ વાગ્યા સુધી જિલ્લા વિતરણ સ્થળોએ વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ મેળવવાની રહેશે. રાજયની સ્કુલોના આચાર્યોએ પોતાના સ્કુલની માર્કશીટ અને પ્રમાણપત્રો લેવાના રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં રાજકોટ જિલ્લામાં કુલ ૯૭ હજારથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. બોર્ડના ઈતિહાસમાં આ આંકડો સૌથી મોટો હતો. આ વર્ષે સામુહિક ચોરી કે અન્ય પ્રકારની ગેરરીતિઓ અટકાવવા માટે તમામ પગલા લેવામાં આવ્યા હતા. ધો.૧૨ સાયન્સ-કોમર્સના તમામ પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરા હેઠળ આવરી લેવાયા હતા. તેમજ ધો.૧૦ના ૯૦ ટકા જેટલા વર્ગખંડોમાં સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ જયાં સીસીટીવી કેમેરા ન હોય ત્યાં ટેબલેટ દ્વારા સતત મોનીટરીંગ રાખવામાં આવ્યું હતું. આ વર્ષે પરીણામ વહેલું જાહેર થાય તેવી શકયતા જોવા મળી રહી છે.
ધો.૧૦નું પરીણામ ૨૮મી મેના રોજ જાહેર થાય તેમજ ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૩૧મી મેના રોજ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૧૦મી મેના રોજ પરીણામ જાહેર થઈ જશે તેવી સંભાવના જોવા મળી રહી છે.