દરેક રેસ્ટોરન્ટે સ્વાદ શોખીનો માટે રસોડાનું બારણુ ખુલ્લુ રાખવું પડશે
સ્વાદ શોખીનો ખરેખર હોટેલના દેખાવને જોઈને ત્યાંના ખોરાકને જજ કરતા હોય છે. જોકે હોટેલો કે રેસ્ટોરન્ટ સારા વાતાવરણ કરતા સારા ખોરાકથી ચડીયાત બનતા હોય છે. ત્યારે સરકારે સ્વાદશોખીનોને શુધ્ધ અને હેલ્ધી ખોરાક મળી રહે તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં કોઈપણ ગ્રાહક હોટેલ કે રેસ્ટોરન્ટનાં રસોડામાં બેધડક જઈને ચેક પણ કરી શકશે.
મોંઘી દાટ હોટેલો તેમજ રેસ્ટોરન્ટો તેના લુક અને વાતાવરણને કારણે ગ્રાહકોને આકર્ષે છે. ત્યારે ખરેખર સારા વાતાવરણને પ્રાધાન્ય આપવા કરતાસારા ફૂડને પ્રાધાન્ય આપવું વધુ યોગ્ય છે. આ ઉપરાંત ભૂતકાળમાં નામચીન હોટેલો તેમજ રેસ્ટોરન્ટમાં ભોજનમાં જીવજંતુ નીકળવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. તેમજ તંત્ર દ્વારા હાથ ધરાયેલા ચેકીંગમાં વારંવાર અખાધ ચીજ વસ્તુઓનાં જથ્થા પણ પકડાતા હોય છે ત્યારે સરકાર દ્વારા ગ્રાહકોને શુધ્ધ ખોરાક મળે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવ્યો છે.
રાજ્યની રૂપાણી સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પરિપત્ર જારી કરાયો છે, જે મુજબ સામાન્યથી લઈ ને સેવનસ્ટાર હોટેલની રેસ્ટોરાંમાં પણ ગ્રાહકને કિચનમાં જતાં રોકી નહિ શકાય. કોઈપણ ગ્રાહક રેસ્ટોરાં ચાલુ હોય ત્યારે બેધડક તેનાં રસોડાંમાં સ્વચ્છતા, હાઇજિન અને ખોરાકની ગુણવત્તા અંગે જાતતપાસ કરી શકશે. ગ્રાહકની અને વિશાળ જનહિતની તરફેણમાં આવેલાં આ નિર્ણયની હકારાત્મક અસર આ ઇન્ડસ્ટ્રી પર થશે એ નક્કી છે.
પરિપત્ર મુજબ દરેક રેસ્ટોરાંમાં ફરજીયાત કાચનાં દરવાજા પણ મુકવાના રહેશે, જે થી બહારથી પણ ગ્રાહકો જે-તે રેસ્ટોરાંનું રસોડું જોઈ શકે. આ પરિપત્રમાં વિવિધ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓના સંબંધિત અધિકારીઓને રેસ્ટોરાંમાં જઇ ને રસોડા પર લાગેલાં “નો એન્ટ્રી”નાં અને “એન્ટ્રી વિથ પરમિશન ઓન્લી”ના પાટિયાં ઉતરાવી લેવા આદેશ થયો છે.