ઘાટકોપર અને થાણા (કોંકણ) બે વિધાનસભા બેઠક માટે ચૂંટણીની જવાબદારી સોંપાઈ: કાલે મુંબઈ જવા રવાના
રાજકોટનાં ભાજપનાં ત્રણેય ધારાસભ્યો અને સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનને મહારાષ્ટ્રમાં આગામી ૨૧મી ઓકટોબરે યોજાનારી વિધાનસભાની ચુંટણીમાં પ્રચારની જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મુંબઇની ઘાટકોપર વિધાનસભા સહિત બે બેઠકો માટે જવાબદારી આપવામાં આવી છે. આવતીકાલે શહેર ભાજપનાં આ ચારેય અગ્રણીઓ મુંબઈ જવા માટે રવાના થવાનાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી અને લાખાભાઈ સાગઠીયા તથા મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડને મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણી માટે પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે.
આવતીકાલે સવારે દાદાસાહેબ ફાળકે માર્ગ પર આવેલા ભાજપ કાર્યાલય વસંત સ્મૃતિ ખાતે એક બેઠક યોજાશે જેમાં રાજકોટનાં ત્રણેય ધારાસભ્યો અને સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન હાજરી આપશે.
રાજકોટમાંથી માત્ર ૪ જ અગ્રણીઓને મહારાષ્ટ્ર વિધાનસભા માટેની ચુંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. મુંબઈ મહાનગર અને થાણા (કોંકણ) વિભાગમાં તેઓને જિલ્લા અને મહાનગરની ફાળવણી કરવામાં આવનાર છે. ચારેય આગેવાનો ચાર દિવસ મુંબઈમાં રોકાશે અને ત્યારબાદ ફરી આવતા વિકમાં ચુંટણી પ્રચાર માટે મહારાષ્ટ્ર જશે.