મહાનગરપાલિકાની ચૂંટણીમાં મુંજકાના ગ્રામજનો પહેલીવાર કરશે મતદાન
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે.આગામી ૨૧ ફેબ્રુઆરીના રોજ ૧૮ વોર્ડના નગર સેવકો પસંદ કરવા લોકો લોકશાહી પર્વમાં જોડાશે. મુંજકા ગામનો નવા સીમાંકન મુજબ વોર્ડ નંબર ૯ માં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ગામના રહેવાસીઓને આવનારા નગર સેવકો પાસે અનેક આશાઓ અને અપેક્ષાઓ છે. મુંજકા ગામમાં ૩૦૦૦ જેટલા મતદારો છે. પહેલીવાર રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગ્રામજનો મતદાન કરવા જઈ રહ્યા છે. સ્થાનિકોને મત આપવાની પણ ખુબજ ઉત્તેજના છે ત્યારે જો ગામની સમસ્યાઓની વાત કરીએ તો ખુલ્લી નદીઓમાં ઠલવાતા કચરાનો યોગ્ય નિકાલ થાય તો મરછરોના ઉપદ્રવથી રહેવાસીઓ બચી શકે.તો સાથે જ લોકોના સ્વાસ્થ્ય માટે લોકો વોકિંગ કરી શકે તેમજ બાળકો હિંચકા લપસીયા વાળું પબ્લિક ગાર્ડનની પણ લોકો માંગ કરી રહ્યા છે.
રસ્તે રઝળતા ઢોર માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે: મહેશભાઈ સેગલીયા (સ્થાનિક)
મુંજકા ગામના રહેવાસી મહેશભાઈ સેગલીયાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મુંજકા ગામમાં રસ્તે રઝળતા ઢોર માટે એક અલગજ વ્યવસ્થા કરવામાં આવે તેવી આવનારા નગર સેવકો પાસે આશા છે. રસ્તા હજુ વધુ ચોખ્ખા બને તેવી પણ આશા છે કારણ કે અત્યારે અનેક માર્ગો પર કચરો હજુ પણ જોવા મળી રહ્યો છે જે દરરોજ સફાઈ થાય તેવી આશા છે.
ડિજિટલ સરકારી શાળા મળે તેવી આશા છે: પ્રવીણ સેગલીયા (સ્થાનિક)
મુંજકા ગામના રહેવાસી પ્રવીણ સેગલીયાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારું ગામ કોર્પોરેશન હદ વિસ્તારના વોર્ડ ૯માં ભળ્યું અમે નસીબદાર છીએ.મહાનગર પાલિકાની તમામ પ્રાથમિક સુવિધાઓ અમને મળશે તેવી આશા અને અપેક્ષા છે. મુંજકા ગામ શૈક્ષણિક ઝોન છે સારી એવી સરકારી શાળા મળે તેવી આશા છે. મુંજકા વિસ્તારમાં યુનિવર્સિટી આવેલ છે, હરિવંદના કોલેજ ક્રાઇસ્ટ કોલેજ આવેલ છે.બોયસ અને ગર્લ્સ હોસ્ટેલ ઘણી આવેલ છે. મુંજકામાં ૩૦૦૦ જેટલા મતદારો છે.સીસીટીવી ગામમાં મળે તેવી આશા છે.
પહેલીવાર મનપા ચૂંટણીમાં મતદાન કરી રહ્યો છું, મુંજકાના કામો કરશે તેને જ મારો મત: શર્મણ આહિર (સ્થાનિક)
મુંજકાના રહેવાસી શર્મણ આહિરે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ૪ મહિના પહેલા મુંજકા ગામનો રાજકોટ મહાનગર પાલિકાની હદમાં સમાવેશ થયો છે.અમે પહેલીવાર રાજકોટ મનપા ની ચૂંટણીમાં અમારો મત નગરસેવકોને આપીશું.અમારી આવનારા નગર સેવકો પાસે આશા છે કે ગામના મુખ્ય માર્ગો સરખા બન સાથે જ ગામમાં બાળકોને ભણતર માટે ડિઝિટલ સરકારી શાળા સ્થપાઈ અને નગર સેવકો સતત અમારા સંપર્કમાં રહી ને રહેવાસીઓને પડતી તકલીફોનું જલ્દીથી નિરાકરણ કરે.
સાફ સફાઈને પ્રાધાન્ય મળે અને માર્ગો સ્વરછ રહે તેવી આશા છે: સાગર આહિર (સ્થાનિક)
મુંજકામાં ટીપરવાન દ્વારા ડોર ટુ ડોર કચરો લેવા આવી રહ્યા છે ત્યારે હજુ પણ ગામની નજીક ખુલ્લી નદી મા ગામની ગંદકી ઠલવાય છે જેને કારણે મરછરોનો ઉપદ્રવ ખુબજ રહે છે અને રોગચાળાની શકયતા રહે છે. આવનારા નગર સેવકો પાસે આશા છે કે મુંજકામાં ડ્રેનેજની સારી સુવિધા કરી આપે,જેથી મુંજકામાં માંદગી દસ્તક ન આપે.
પબ્લિક ગાર્ડન મુંજકામાં બને તેવી નગર સેવકો પાસે આશા છે: યુવરાજ લોખીલ (સ્થાનિક)
મુંજકા ગામના રહેવાસી યુવરાજ લોખીલે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજકાલના સમયમાં શારીરિક તંદુરસ્તી જરૂરી છે ,માટે નાના બાળકોને રમવા માટે તેમજ વડીલોને એક્સરસાઇઝ માટે ગાર્ડન મળે તે જરૂરી છે. વોર્ડ નંબર ૯ માં ૩૩ ગાર્ડનો આવેલા જ છે હવે જો મુંજકા નો સમાવેશ વોર્ડ ૯ માં થયો છે તો અમારા ગામને સુંદર પબ્લિક ગાર્ડન મળે તેવી આશા છે.સાથેજ જીમનેશિયમ તેમજ સ્વિમિંગ પુલ મુંજકામાં બને તો નગરજનો ખુબજ ખુશ થશે.