ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના તમામ 31 સભ્ય દેશો તેમના વ્યૂહાત્મક ભંડારમાંથી 60 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ છોડવા માટે સંમત થયા છે. યુક્રેન પર રશિયાના હુમલાને કારણે તેલના પુરવઠામાં કોઈ અછત નહીં રહે તેવો સંકેત ઓઈલ માર્કેટને આપવા માટે તેણે પગલું ભર્યું છે. મંગળવારે આ નિર્ણય વિશે માહિતી આપતા, આઈઇએએ કહ્યું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે યુએસના ઉર્જા પ્રધાન જેનિફર ગ્રાનહોમની અધ્યક્ષતામાં ઊર્જા પ્રધાનોની અસાધારણ બેઠકમાં આ નિર્ણય લીધો હતો. અમેરિકા ઉપરાંત જર્મની, ફ્રાન્સ, બ્રિટન, જાપાન અને કેનેડા પણ આમાં સામેલ છે. સભ્યો પાસે 1.5 બિલિયન બેરલ તેલનો કટોકટી ભંડાર છે.
રિલીઝ થવાનું વોલ્યુમ આ સ્ટોકના ચાર ટકા છે એટલે કે 30 દિવસ માટે લગભગ 20 લાખ બેરલ પ્રતિ દિવસ રિલીઝ કરાશે. એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ફાતિહ બિરોલે જણાવ્યું હતું કે, ઊર્જા બજારોમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે.વૈશ્વિક ઊર્જાની સુરક્ષા જોખમમાં છે, આ સ્થિતિ એવા સમયે વિશ્વ અર્થતંત્રને જોખમમાં મૂકી રહી છે જ્યારે તે પુન:પ્રાપ્તિના નિર્ણાયક તબક્કામાં છે. બુધવારે જ ઓપેક પ્લસ દેશોની બેઠક યોજાવા જઈ રહી છે. જો કે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઓપેક તેલ ઉત્પાદન વધારવાની પોતાની જૂની યોજનાને વળગી રહેશે અને કોઈ નવો નિર્ણય લેશે નહીં.