ગવર્મેન્ટ બોન્ડની ખરીદી કરી બજારને ધમધમતું કરવા માટેનો પ્રયાસ
કોરોના વાયરસના કારણે વૈશ્ર્વિક મંદીના પરિણામે ભારતીય બજારમાં પણ સુસ્ત વાતાવરણ જોવા મળી રહ્યું છે. ફાયનાન્સીયલ માર્કેટને મોટી અસર થઈ છે. રોકાણકારો ફફડી ઉઠયા છે. આવા સંજોગોમાં માર્કેટને સ્થિર કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રૂા.૧૦,૦૦૦ કરોડ માર્કેટમાં ઠાલવશે તેવું જાણવા મળી રહ્યું છે.
માર્ચ મહિનામાં વિદેશી રોકાણકારોએ ૩.૪૮ બીલીયન ડોલરની તોતીંગ સંપતિ વેંચી કાઢી હતી. ૨૦૨૦માં કુલ ૫.૦૪ બીલીયન ડોલરની સંપતિ તેમણે વેંચી હતી. ટ્રેડીંગ વોલ્યુમમાં સંપતિ વેંચવાના કારણે જબરો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં ભારતીય રોકારકારોને સસ્તા દરે સારી વસ્તુ ખરીદવાની તક સાંપડી છે. છેલ્લા ૧૦ દિવસમાં શેરબજારમાં ટ્રેડીંગ લગભગ રેડ ઝોનમાં થઈ રહ્યું છે ત્યારે સારી સ્ક્રીપ્ટમાં ઓછા દરે રોકાણ કરવાની તક મળી છે. બજારમાં વોલેટાલીટી વધુ છે. જેથી બજારને સ્થિર કરવા માટે ૨૦૨૨ અને ૨૦૨૫માં પાકે તેવા ૪ બોન્ડની ખરીદી આરબીઆઈ કરશે જેની કુલ કિંમત ૧૦,૦૦૦ કરોડ છે.
વર્તમાન સમયે શેરબજારમાં બોલેલી અફરા-તફરીના કારણે કોર્પોરેટ બોન્ડ અને કોમર્શીયલ પેપર માર્કેટ સહિતની બજારોમાં રોકાણ કરવા માટે રોકાણકારો દૂર રહ્યાં છે. આવી સ્થિતિમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આ ક્ષેત્રમાં બહોળા પ્રમાણમાં રોકાણ કરશે. નોંધનીય છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લાંબાગાળાના રેપો ઓપરેશન માટે રૂા.૧ લાખ કરોડની રકમ ઠાલવવાનું સુચન કર્યું હતું. આ સાથે જ ડોલર અને રૂપિયા વચ્ચેના અસંતુલનને ખાળવા માટે કરન્સીનું ખરીદ-વેંચાણ તિવ્ર કરવાનો નિર્ણય લેવાયો હતો. હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બજારને ધમધમતુ કરવા બોન્ડ ખરીદવાનો નિર્ણય કર્યો છે.