દરિયાઈ વનસ્પતિ ઈન્દ્રજાળ, હાથીદાંત પાવડર અને શંખનો કાળો કારોબાર કરતા ત્રણ વેપારીઓને ફોરેસ્ટ વિભાગે દબોચી લીધા‘તા
જુનાગઢ માંથી પ્રતિબંધિત દરિયાઈ વનસ્પતિ ઇન્દ્રજાળ અને હાથીદાંતના પાવડર તથા શંખનો વેપાર કરતાં ત્રણ વેપારીઓને વન વિભાગે ટ્રેપ ગોઠવી ઝડપી પાડી, કોર્ટમાંથી ત્રણેયના રિમાન્ડ મેળવી ઝીણવટભરી તપાસ અને પૂછપરછ આદરતા, આ રેકેટમાં હજુ અનેકના નામ ખુલે તેવું મનાઈ રહ્યું છે. બીજી બાજુ વન વિભાગ દ્વારા જુનાગઢમાંથી શેડ્યુલ વનમાં આવતી વનસ્પતિઓ પકડી પાડી, વેપારીઓ સામે આકરી કાર્યવાહી કરતા, ઔષધ વેચનારા વેપારીઓમાં પણ હલચલ મચી જવા પામી છે.
જુનાગઢ શહેરના જગમાલ ચોક વિસ્તારમાં આવેલી ધનવંતરી ઔષધ ભંડાર અને તેની બાજુમાં આવેલ ગાંધી જેઠાભાઈ પરમાનંદ નામની દુકાનમાં પ્રતિબંધિત ઇન્દ્રજાળ, હાથીદાતનો પાવડર અને શંખ વેચાતા હોવાની વન વિભાગ અને બાતમી મળી હતી. આથી વન વિભાગ દ્વારા આ બંને દુકાનો પર ગ્રાહક બનીને ટ્રેપ ગોઠવવામાં આવી હતી. અને વન વિભાગને તેમાં સફળતા મળી હતી. અહીંથી શેડ્યુલ વનમાં આવતી દરિયાઈ વનસ્પતિ ઇન્દ્રજાળ તથા હાથી દાતનો પાઉડર અને શંખનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.
બાદમાં વન વિભાગના અધિકારીઓ અને કર્મીઓ દ્વારા ધનવંતરી ઔષધ ભંડાર અને ગાંધી જેઠાભાઈ પરમાનંદ નામની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવતા, આ બંને દુકાનોમાંથી ઇન્દ્રજાળ 151 કિલો અને હાથીદાંતનો પાવડર 7 કિલો મળી આવ્યો હતો. આ સાથે દુકાનોમાંથી નાના-મોટા અનેક શંખ મળી આવતા, વન વિભાગ એ આ પ્રતિબંધિત વસ્તુઓનો કબજો લીધો હતો. અને ગાંધી જેઠાભાઈ પરમાનંદ નામની દુકાનના ભરત મોહનભાઈ તથા અને કીર્તિ સંવંતીલાલ શાહ તથા ધનવંતરી ઔષધ ભંડારના ભાવિન રમેશભાઈ કાલરીયાને વન વિભાગ એ અટકમાં લઈ વન વિભાગની કચેરી ખાતે લઈ જઈ પૂછપરછ આદરી હતી.
જો કે, ત્રણેય દ્વારા પ્રતિબંધિતા આ માલ ક્યાંથી આવ્યો ? હજુ કેટલો જથ્થો છે ? તથા કોના દ્વારા આ માલ આવ્યો ? સહિતની પૂછપરછ દરમિયાન યોગ્ય સહકાર મળતો ન હોવાથી વન વિભાગ એ ત્રણેય વેપારીઓને રિમાન્ડની માગણી સાથે જૂનાગઢ કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા હાલમાં વન વિભાગ દ્વારા આ ત્રણેયની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.વન વિભાગ દ્વારા છેલ્લા ઘણા વર્ષો બાદ ઔષધી વેચતા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી શેડ્યુલ વનમાં આવતી વસ્તુઓને પકડી પાડવામાં આવી છે, જૂનાગઢના ડીસીએફ અક્ષય જોષીને બાતમી મળતા અને ગિરનાર રેન્જના ફોરેસ્ટ ઓફિસર અરવિંદ ભાલીયા એ પોતાના સ્ટાફ સાથે આ કાર્યવાહી હાથ ધરી શેડ્યુલ વનમાં આવતી વસ્તુઓ પકડી પાડી વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જુનાગઢના ઔષધીના વેપારીઓમાં પણ ખડભડાટ મચી જવા પામ્યો છે.
દરિયાઈ પ્રતિબંધીત વસ્તુઓ સાથે જોડાયેલી માન્યતાઓ
આમ જોઈએ તો ભારત શ્રદ્ધા અને અંધશ્રદ્ધા સાથે જોડાયેલો દેશ છે. ત્યારે ઇન્દ્રજાળને લોકો પવિત્ર અને શુક્રવંતી માને છે. અને એવી માન્યતા છે કે, ઇન્દ્રજાળ ઘરમાં અને વ્યવસાયના સ્થળ ઉપર રાખવામાં આવે તો વેપાર ધંધા ખૂબ સારા ચાલે છે, વિદ્યાર્થીઓ સારા પરિણામ લઈ આવી શકે છે, અમુક લોકો રંકમાંથી રાજા બનવા માટે તેને મંદિરમાં રાખીને તેનો મંત્રો ચાર સાથે પૂજન કરે છે. તો બીજી બાજુ વનસ્પતિને મઢાવીને ઘરમાં રાખવાથી પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા નથી તેવું મનાય છે.
ઇન્દ્રજાળ અને હાથીદાંતનો પાવડર એ શેડ્યુલ વનમાં આવતી વસ્તુઓ છે. અને તેનો સંગ્રહ કરવો કે વેચાણ કરવો તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે જુનાગઢ ખાતે વેપારીને ત્યાંથી મળી આવેલ આ ઇન્દ્રજાળ, હાથીદાત નો પાવડર અને શંખ ક્યાંથી આવ્યા ? હાલમાં કેટલા પ્રમાણમાં જથ્થો છે ? અને કેટલા સમયથી તેનું વેચાણ થઈ રહ્યું છે ? તે અંગેની તપાસ વન વિભાગ દ્વારા જારી કરાઈ છે