શેહર તાલુકામાં સતત એકાદ માસ સુધી હળવા ભારે વરસાદ અને ડેમો ઓવર ફલો થવાને કારણે કમર ડુબ પાણી ખેતરમાં ભરાવાથી પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હોય તેવા 18 ગામો સર્વેથી વંચિત રહી ગયા હતા ત્યારે આ ગામોમાં કૃષિ મંત્રી દ્વારા સર્વેનો આદેશ અપાયો છે.
તાલુકાના ભાદર, મોજ, વેણુ કાંઠા વિસ્તારના ગામોના ખેતરોમાં ઉભા પાકમાં ભારે પાણી ધુસી ગયા હતા. જેના કારણે પાક સંપૂર્ણ ફેઇલ થઇ ગયો હતો. અગાઉ થયેલા પાક નુકશાન વળતર સર્વેમાં તાલુકાના 18 જેટલા ગામો બાકી રહી ગયા હતા. આ વાતની જાણ તાલુકાના આગેવાનોએ પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા, તાલુકા પંચાયતના પ્રમુખ વિનુભાઇ ચંદ્રવાડીયા અને જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાને કરતા ત્રણેય આગેવાનોએ રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલને ટેલીફોનીક રજુઆત કરી હતી.
આ રજુઆતાના પગલે રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે તાલુકાના પાનેલી મોટી, ઢાંક, વડેખણ, મેરવદર, તણસવા, ચરેલીયા, રાજપરા, મુરખડા, ડુમિયાણી, કેરાળા, ગઢાળા, વાડલા, નવાપરા, સાજડીયાળી, માખીયાળા, રબારીકા, સાતવડી અને ગધેથર ગામોમાં ખેતીમાં થયેલ નુકશાનીનો સર્વે કરવા જિલ્લા ખંતીવાડી અધિકારીને આદેશ કરતા સર્વેની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.