માનુનીઓની પહેલી મનપસંદ વસ્તુ શૃંગાર હોય છે. કઈ સ્ત્રીને સજવું સાવરવુંને સુંદર દેખાવું ના ગમે ? હિન્દુ લગ્નમાં સોળ શૃંગારના ગુણગાન ગવાયા છે અને આ શણગારની વસ્તુઓ પહેરવી શુભ માનવામાં આવે છે. ઋગ્વેદમાં પણ સૌભાગ્ય માટે 16 શૃંગારનું વર્ણન કરાયું છે, પરંતુ આ 16 શૃંગારઃ શું છે અને એનું મહત્ત્વ શું છે એ તમે જાણો છો ખરો? આજે આ બધા જ સોળ શૃંગારનાં નામ, એનું ધાર્મિક મહત્ત્વ અને એની પાછળનાં વૈજ્ઞાનિક તથ્ય તમારી સામે રજૂ કરીએ છીએઃ
પ્રથમ શૃંગારઃ ચાંદલો
માથામાં કપાળે બે ભ્રમરની વચ્ચે કુમકુમથી નાની બિંદી કરવામાં આવે છે. હવે જોકે રેડીમેડ મળતી બિંદીના સ્ટિકર સ્ત્રીઓ લગાવી દે છે. ચાંદલો કરવામાં આવે છે એ ભાગમાં નર્વ પૉઈન્ટ છે. ભ્રમરકેન્દ્ર પર ચાંદલો કરવાથી માત્ર સ્ત્રીઓ જ નહીં પણ પુરુષોમાં પણ એકાગ્રતા આવે છે એવું માનવમાં આવે છે.
દ્વિતીય શૃંગારઃ સિંદૂર
લગ્ન પછી પત્ની પ્રથમવાર પતિના હાથે માથામાં સિંદૂર ભરવામાં આવે છે. પતિના દીર્ધાયુ માટે સ્ત્રીઓ માથામાં સિંદૂર લગાવે છે. સિંદૂર લાલ લેડ ઑક્સાઇડ, પારો અને સીસુના ભુક્કામાંથી તૈયાર થાય છે. એને કારણે મગજની નસો નિયંત્રણમાં રહેતી હોવાનું મનાય છે. એ સ્ત્રીઓના શરીરના તાપમાનને નિયંત્રિત કરીને ઠંડક આપે છે અને શાંત રાખે છે.
તૃતીય શૃંગારઃ કાજલ
સ્ત્રીઓની આંખોની સુંદરતાને વધારે ધારદાર બનાવે છે કાજલ. કાજલ લગાવવાથી સ્ત્રીઓ પર કોઈની બૂરી નજર નહીં લાગે એમ માનવામાં આવે છે. કાજલથી આંખોને ઠંડક મળે છે અને સાથે નકારાત્મકતા ઓછી થાય છે. પહેલાના સમયમાં સ્ત્રીઓ ઘરે જ કાજલ બનાવટી હતી જે આંખ માટે સારું મનાતું હતું પણ હવે બજારના રેડિમેડ કાજલ આંખો માટે સેહતમંદ નથી એવું નિષ્ણાંતો કહે છે.
ચતુર્થ શૃંગારઃ મેંદી
લગ્ન વખતે અને વારતહેવારે સ્ત્રીઓ હાથ અને પગમાં મેંદી લગાવે છે. એવું કહેવાય છે કે કન્યાના હાથમાં મેંદીનો રંગ જેટલો વધારે ખીલે એટલો વધારે પતિનો પ્યાર મળે. સોળ શૃંગારમાં મેંદીને મહત્ત્વની માનવામાં આવે છે. એ કન્યાના તણાવને ઓછો કરવામાં મદદરૂપ થાય છે. મેંદીની ઠંડક અને સુગંધ મહિલાઓને આનંદ અને ઉત્સાહ આપે છે.
પંચમ શૃંગારઃ પાનેતર
લગ્ન વખતે કન્યાના શૃંગારમાં સૌથી અગત્યનું વસ્ત્ર એટલે પાનેતર. એમાં સફેદ, લાલ, પીળો કે ગુલાબી રંગ પસંદ થતો હોય છે. લાલ રંગ શુભ, મંગળ અને સૌભગ્યનું પ્રતીક છે. તેથી શુભ કાર્યોમાં લાલ રંગનું સિંદૂર, કુમકુમ અને પાનેતર અવશ્ય હોય છે. લાલ રંગ ઉત્સાહનું પણ પ્રતીક છે.
ષષ્ટમ શૃંગારઃ ફૂલગજરો
ફૂલોથી તૈયાર થતો ગજરો એક પ્રાકૃતિક શૃંગાર છે. વાળને વધારે સૌંદર્ય આપતો ગજરો કન્યાના ધૈર્યનું પણ પ્રતીક છે અને એને તેની મહેક તાજગી આપે છે. કહેવાય છે કે ચમેલીની મહેક કોઈને પણ પોતાની તરફ આકર્ષી શકે છે. ચમેલીની ખુશબૂ તણાવને પણ દૂર કરવાનું કામ કરે છે.
સપ્તમ શૃંગારઃ ટીકો
સોના, ચાંદી, હીરા અને મોતીથી તૈયાર થતું આ ઘરેણું સ્ત્રીના મસ્તકને શોભાવે છે. એવી માન્યતા છે કે નવવધૂએ માથાની બરાબર વચ્ચે એને પહેરવો જોઈએ, જેથી લગ્નજીવન બાદ તેનું જીવન હંમેશાં સીધા સરળ રસ્તે ચાલે. કોઈ પક્ષપાત વિના સંતુલિત રીતે નિર્ણયો કરી શકે. વૈજ્ઞાનિક માન્યતા પ્રમાણે માંગ ટીકા શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે અને તેથી શાંતચિત્તે સ્ત્રી નિર્ણયો લઈ શકે. વળી જાત જાતને ભાત ભાતની ડીઝાઇન વાળા માંગ ટીકા કપાળને શોભાવે છે.
અષ્ટમ શૃંગારઃ નથ
લગ્ન વખતે નવવધૂને નથણી પહેરાવામાં આવે છે. એવી માન્યતા છે કે સૌભાગ્યવંતી સ્ત્રી નથણી પહેરે તેનાથી પતિના સ્વાસ્થ્ય અને ધનધાન્યમાં વૃદ્ધિ થાય છે. એવું પણ કહેવાય છે કે નથણી પહેરવાને સીધો સંબંધ સ્ત્રીના ગર્ભાશય સાથે છે. નાકની કેટલીક નસો ગર્ભાશય સાથે જોડાયેલી હોય છે, જેથી નથણી માટે નાક વિંધાવેલું હોય ત્યારે પીડા ઓછી થાય છે.
નવમ શૃંગારઃ કર્ણફૂલ
કાનની બૂટી અનેક આકર્ષક સજાવટ અને સાઇઝમાં મળે છે. લગ્ન બાદ વહુએ બીજાની અને ખાસ કરીને પતિ અને સાસરિયાંની બૂરાઈ સાંભળવાથી દૂર રહેવાનું છે, એટલે આ કર્ણફૂલ. એવું પણ માનવામાં આવે છે કે કાનની બૂટીમાં ઘણા એક્યુપ્રેશન પૉઇન્ટ છે. એના પર આભૂષણનું દબાણ આવવાથી કિડની અને બ્લેડરની કામગીરીમાં રાહત મળે છે.
દસમ શૃંગારઃ મંગળસૂત્ર
લગ્નપ્રસંગે વરરાજા કન્યાના ગળામાં મંગળસૂત્ર પહેરાવે છે. ત્યાર બાદ સૌભાગ્યવંતી સ્ત્રી નિરંતર આ મંગળસૂત્રને ધારણ કરીને રાખે છે. પતિ અને પત્નીને જીવનભર મંગળમય એકસૂત્રમાં બાંધી રાખનારા આભૂષણ તરીકેનું સ્થાન એનું છે. એવી માન્યતા છે કે મંગળસૂત્રથી સકારાત્મક ઊર્જા આકર્ષિત થાય છે અને નારીના હૃદય અને મનને શાંત રાખે છે. મંગળસૂત્ર સોનાનું હોય છે અને સોનું શરીરમાં બળ અને તેજ વધારનારી ધાતુ મનાય છે.
એકાદશ શૃંગારઃ બાજુબંધ
બાવડા પર ઉપરની બાજુ આ આભૂષણ પહેરવામાં આવે છે. સોનું, ચાંદી, કુંદન જેવી મૂલ્યવાન ધાતુ અથવા પથ્થરમાંથી પણ બાજુબંધ બનાવવામાં આવે છે. અગાઉના સમયમાં સુહાગન સ્ત્રી માટે બાજુબંધ પહેરી રાખવું જરૂરી મનાતું હતું. એ સાપની આકૃતિ જેવું બનાવાતું હતું. એવી માન્યતા હતી કે સ્ત્રીઓ બાજુબંધ પહેરી રાખે, તેથી પરિવારના ધનની સુરક્ષા થાય. બાવડા પર પ્રમાણસર દબાણ તેનું આવે, એનાથી લોહીના ભ્રમણમાં પણ એ ઉપયોગી થાય છે.
દ્વાદશ શૃંગારઃ બંગડી અને ચૂડી
હાથ પર પહેરવામાં આવતી ચૂડી-બંગડી સૌથી મહત્ત્વનો અને હાથવગો શૃંગાર છે. કાચ, લાખ, સોના અને ચાંદીની એમ વિવિધ પદાર્થોની બંગડી બને છે. બંગડીઓ પતિ-પત્નીના ભાગ્ય અને સંપન્નતાનું પ્રતીક છે. ચૂડીનો સંબંધ ચંદ્ર સાથે પણ છે. એવું પણ માનવામાં આવે છે કે બંગડીને કારણે સ્ત્રીઓને બ્લડપ્રેશર કાબૂમાં રાખવામાં સહાયતા મળે છે.
ત્રયોદશ શૃંગારઃ વીંટી
લગ્ન પહેલાં સગાઈ થાય ત્યારે વીંટી પહેરાવાની વિધિ થાય છે. વર-વધૂ એક બીજાને અંગૂઠી પહેરાવે છે. રામાયણમાં પણ વીંટી પહેરાવાના પ્રસંગનો ઉલ્લેખ છે. સદીઓથી વીંટી પતિ-પત્નીના પરસ્પરના પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક બની છે. વીંટી પહેરવાથી એક-બીજાના હૃદયમાં સદાય સ્નેહ વીંટળાયેલો રહે છે. અનામિકા આંગળીની નસો દિલ અને દિમાગની સાથે જોડાયેલી હોય છે, તેથી તેના પર પહેરેલી વીંટીથી પ્રેશર આવે, એનાથી સ્વસ્થતા પણ રહે છે.
ચતુર્દશ શૃંગારઃ કમરબંધ
કીમતી રત્નોની સજાવટ સાથે જુદી જુદી ધાતુમાંથી કમરબંધ તૈયાર થાય છે. નાભિના ઉપરના હિસ્સામાં એને પહેરવામાં આવે છે અને એને કારણે દેહાવલી વધારે આકર્ષક લાગે છે. કમરબંધ એ વાતનું પણ પ્રતીક છે કે સૌભાગ્યવંતી નારી હવે પોતાના ઘરની સ્વામિની છે. એવું મનાય છે કે ચાંદીનો કમરબંધ પહેરવાથી સ્ત્રીઓને માસિક અને ગર્ભાવસ્થા વખતની પીડામાં રાહત મળે છે.
પંચદશ શૃંગારઃ વીછિયા
વિવાહ બાદ સ્ત્રીઓ પગની આંગળીઓમાં વીછિયા પહેરે છે. એવી માન્યતા છે કે વીછિયા પહેરવાથી સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સારું રહે છે. ઘરમાં સંપન્નતા પણ રહે છે. વીછિયા પહેરવાથી બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. હાલ સ્ત્રીઓ અવનવી પેટર્નના વીંછીયા પહેરવાનું વધુ પસંદ કરે છે.
ષોડશ શૃંગારઃ પાયલ
પગને સુંદર બનાવતું સૌથી આકર્ષક અને સુમધુર ધ્વનિથી ઘરને ભરી દેનારું આભૂષણ એટલે પાયલ. ઘરની વહુના પાયલ ઘરમાં ગુંજતા રહે અને એનો અવાજ આવે ત્યારે વડીલો સમજી જાય કે પુત્રવધૂ આવે છે એટલે તેમને જવા માટેની જગ્યા પણ કરી આપે. ઘુંઘરું પહેરવાથી સાઇટિકામાં રાહત મળતી હોવાનું મનાય છે અને એડીમાં સોજો હોય એમાં પણ રાહત મળે છે.