ખરાબ કાર્ય ન કરવાની પ્રતિજ્ઞા લેવી એ ‘કાન’ પકડવાનો મુખ્ય અર્થ
પ્રાચીન ગ્રંથો અનુસાર માનવ શરીરમાં પંચતત્વોનું પ્રતિનિધિત્વ વિવિધ અંગો દ્વારા કરવામાં આવે છે, જેમાં કાનને આકાશનું પ્રતિનિધિ ગણાવ્યું છે વિવિધ કારણોસર આકાશ સિવાયના અન્ય તત્વો દૂષિત થાય છે પરંતુ આકાશ જ એક એવું તત્વ છે જે દૂષિત થતુ નથી
ભાષાની સાથે સાથે મુદા અને હાવ ભાવથી પણ વાતો કરી શકાય છે. તેવી જ રીતે અમુક સંકેતો દ્વારા જવાબ આપી શકાય છે. ઉદાહરણ તરીકે, કોઈ કાર્યની સફળ પૂર્ણાહૂતિ દર્શાવવા માટે જમણા અથવા ડાબા હાથનો અંગુઠો દેખાડવામાં આવે છે, એજ પ્રમાણે જયારે કોઈ વ્યકિતથી ભૂલ થાય તો તે પોતાની ભૂલનો સ્વીકાર ‘કાન’ પકડીને કરવામાં આવે છે. તેનું શું કારણ છે? તે વાત ખરેખર જાણવા જેવી છે.ગૌતમ, વશિષ્ઠ, આર્યસ્તંભ ધર્મ સૂત્રો, અને પારાશર સ્મૃતિ સહિત અન્ય ગ્રંથોમાં જ્ઞાનની ઘણી વાતો દર્શાવવામાં આવી છે. આ ગ્રંથોમાં રહન-સહન (રહેણી-કરણી)ના નિયમો અને ઉપાયો વિશે દર્શાવાયું છે. આ ગ્રંથો અનુસાર આપણા શરીરમાં પંચતત્વોના અલગ અલગ પ્રતિનિધિત્વ કરનારા અંગો દર્શાવવામાં આવ્યા છે. જેમકે નાક-ભૂમિનું, જીભ-જળનું, આંખ-અગ્નિનું, ત્વચા-વાયુનું અને કાન આકાશનું અંગ એમ વિભાજીત કરવામાં આવ્યા છે.
મનુ સ્મૃતિ અનુસાર મનુષ્યની નાભિની ઉપરનો શરીરનો ભાગ પવિત્ર છે. અને નીચેનો ભાગ મળ-મૂત્ર ધારણ કરવાના કારણે અપવિત્ર માનવામાં આવે છે. એજ કારણ છે કે શૌચક્રિયા સમયે બ્રાહ્મણો જનોઈને જમણા કાન પર ચડાવે છે, કારણ કે જમણોકાન , ડાબાકાનની સાપેક્ષમાં વધારે પવિત્ર માનવામા આવે છે. તેથી જયારે કોઈ વ્યકિત દીક્ષા લે છે તો ગુરૂ તેને જમણા કાનમાં જ ગુપ્ત મંત્ર જણાવે છે.ગોભિલ ગુહય સૂત્ર અનુસાર માણસના જમણા કાનમાં વાયુ, ચંદ્ર, ઈન્દ્ર, અગ્નિ, મિત્ર તથા વરૂણ દેવતાનો નિવાસ છે.તેથી એ કાનને વધારે પવિત્ર માનવામાં આવે છે.પરાશર સ્મૃતિના બારમાં અધ્યાયના ૧૯મા શ્ર્લોકમાં દર્શાવાયું છે કે છીંકવા સમયે, થૂંકવા સમયે, દાંત એઠા થાય તેવા સમયે તથા મુખમાંથી ખોટી વાત જયારે નીકળી જાય ત્યારે જમણા કાનનો સ્પર્શ કરવો જોઈએ. જેથી મનુષ્યનું શુધ્ધિકરણ થયું છે તેમ કહેવાય છે.
કાન પકડવાનો અર્થ એ પણ છે કે ખરાબ કામને ન કરવાની પ્રતિજ્ઞા કરવી, આ સાથે એમ પણ કહેવામાં આવે છે કે કાનના મૂળમાં જેનાડીઓ છે તેનું મૂત્રાશય અને મળમાર્ગ સાથે સંબંધ છે. જમણા કાનની નાડીનો મૂત્રાશય સાથે અને ડાબા કાનની નાડીનો મળ માર્ગ સાથે સંબંધ છે. મૂત્ર ત્યાગ કરતી વખતે જમણા કાનને મરોડવાથી એ નાડીઓ પર દબાણ આવે છે, પરિણામે મૂત્રાશયની નાડીઓ પણ સજજ રહે છે.
આમ, નાની-મોટી અશુધ્ધિઓ કાનને સ્પર્શ કરવાથી જ દૂર થઈ જાય છે. તથા કાનનો સ્પર્શ કરવો, કાન પકડવા અને દબાવવા વગેરે ભૂલ સુધારવાનો તથા પ્રાયશ્ર્ચીત કરવાનો સંબંધ ધરાવે છે. તેથી જ રીતે બાળકોનાં કાન પકડાવવાનો શિક્ષકોનું એ પ્રયોજન હોય છે કે તેનામાં રહેલા દેવત્વનો અને મનોબળનો વિકાસ થાય.શાંખ્યાયનનાં મતે સૂર્ય, વસુ, રૂદ્ર, વાયુ અને અગ્નિદેવતા બ્રાહ્મણોના જમણા કાનમાં હંમેશા રહે છે. આચાર્ય મયુખકારે કહ્યું છે કે અગ્નિ, જળ, વેદ, સોમ, સૂર્ય, પવન તથા પ્રત્યેક દેવતાઓ બ્રાહ્મણના જમણા કાનમાં વસે છે. તેથી આવા પવિત્ર અંગ પર મળ-મૂત્રનો ત્યાગ કરતી વખતે યજ્ઞોપવિત ચડાવે છે. જેથી સ્વયં અશુધ્ધિઓથી તથા અપવિત્રતાથી દૂર રહી શકે.